Friday, April 20, 2018

ઉપવાસ : કોઈનું માથું ખાવાની નિષ્ફળ રીત?

દિવ્યેશ વ્યાસ


‘ચતુરસેન, આજે મને આઇન્સ્ટાઇનનું એક વાક્ય યાદ આવ્યું અને પછી ખૂબ હસવું આવ્યું.’

‘તો હસી લેવાનું બકા! આપણી સરકાર એટલી દયાળુ છે કે તેણે હસવા પર, અરે ખડખડાટ હાસ્ય પર પણ હજુ સુધી જીએસટી લગાડ્યો નથી.’

‘એમ જાહેરમાં એકલા એકલા થોડું હસી શકાય? કોઈ ગાંડા ગણી લે.’

‘એવી ફિકર નહીં કરવાની ગાંડા! આઇન્સ્ટાઇને જ કદાચ કહેલું છે કે બુદ્ધિમત્તાનું માપ નીકળી શકે, પાગલપનને માપી શકાય નહીં. તું કેટલો પાગલ છે, એનો કોઈને અંદાજ જ નહીં આવે.’

‘અચ્છા તો તમે મને પાગલ ગણો છો? જવા દો, તમને તો ક્યાં કોઈ સારા જ લાગે છે... પેલો નેતા આવો, પેલા પ્રધાને આવી ભૂલ કરી, પેલા અધિકારીની અહીં ચૂક થઈ ગઈ, પેલા મંત્રીની દાનત નથી... અને હવે તો તમે કોર્ટ કે ન્યાયમૂર્તિઓને પણ છોડતા નથી... તમને તો આખી દુનિયા પાગલ જ લાગતી હશે.. બસ તમે એક જ ડાહ્યા, તમે જ સૌથી વધુ હોંશિયાર અને તમારાં અઢારેય અંગ ચતુર!’

‘જો દોસ્ત, પાગલ માણસનું પ્રથમ લક્ષણ એ છે કે તે પેટ્રોલ કરતાં પણ વધારે જ્વલનશીલ હોય છે, સાદી ભાષામાં નાની એવી વાતમાં તેનો ગુસ્સો તરત જ ભભૂકી ઊઠે છે. આ લક્ષણનો પુરાવો તો તે અત્યારે જ આપ્યો.’

‘મારા પાગલપનની માથાકૂટ છોડો, મને આઇન્સ્ટાઇનના કયા વાક્ય પર હસવું આવ્યું, એ તો પૂછો.’

‘ચાલો પૂછ્યું. હવે બોલો...’

‘આઇન્સ્ટાઇને તો કહેલુું કે ગાંધીજી જેવો હાડમાંસનો માણસ આ પૃથ્વી પર વિચર્યો હશે, એવું આવનારી પેઢીઓ માનશે નહીં. જોકે, ગાંધીજીએ ઉપવાસ જેવા અહિંસક શસ્ત્રથી અંગ્રેજોને હંફાવ્યા હતા, એવું તો આજનીય પેઢી કદાચ માનવાનું છોડી દેશે.’

‘અણ્ણાના આમરણ ઉપવાસ પછી લાધેલું આ જ્ઞાન લાગે છે!’

‘આમાંય અણ્ણાને ઘુસાડ્યા? બહુ કરી! તમને કૉંગ્રેસીઓ અને રાહુલ ગાંધીના છોલેભટૂરેછાપ ઉપવાસ કે વડાપ્રધાન મોદી સહિત ભાજપીઓના ફાઇવસ્ટાર ઉપવાસ યાદ જ ન આવ્યા?’

‘હા, એમ તો પ્રવીણ તોગડિયાના આમરણ ઉપવાસ પણ ક્યાં 48 કલાકેય ચાલ્યા?’

‘બસ, પ્રવીણભાઈના ઉપવાસ તરત યાદ આવી ગયા... તમારા જેવા દંભી સેક્યુલરિસ્ટોને તો શ્રી રામ જ પહોંચશે!’

‘ફાંકેરામ, તને કેટલી વખત સમજાવું કે શ્રી રામનો તો હું પરમ ભક્ત છું, પણ રામના નામે જે પથ્થરો તરવા મથે છે, તેનો જ વિરોધ કરતો હોઉં છું. હા, ગાંધીજીની વિચારધારાના વિરોધીઓ પણ ગાંધીચીંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરે, એ જોઈને આનંદ થાય છે.’

‘પ્યોર ગાંધીવાદી અણ્ણાજી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરે ત્યારે કેમ તમને પેટમાં દુખવા માંડે છે?’

‘ના એવું નથી દોસ્ત! અણ્ણા માટે મને પણ માન છે. ખેર, તારી એ વાતમાં ચોક્કસ દમ છે કે ઉપવાસનું શસ્ત્ર હવે અસરકારક રહ્યું નથી.’

‘ઉપવાસ હવે ઉપહાસમાં જ પરિણમે છે.’

‘સૂંઠના ગાંગડે ગાંધી ન થવાય, એમ ઉપવાસ પર ઊતરી જઈને ગાંધી માર્ગે ચડી ન શકાય. કોઈનું માથું ખાવા માટે તમે ઉપવાસ પર ઊતરો તો આ શસ્ત્ર નિષ્ફળ જ જાય! ઉપવાસ અંગે ગાંધીજીએ એક શાસ્ત્ર રચેલું છે, પણ એની કોને પડી છે?’

‘અહીં શાસ્ત્રની માથાકૂટમાં કોણ પડે, શૉ મસ્ટ ગો ઓન!’

(‘દિવ્ય ભાસ્કર’ના 20 એપ્રિલ, 2018ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

Friday, April 6, 2018

સંતજન તો તેને કહીએ, જે સત્તા પચાવી જાણે રે!

દિવ્યેશ વ્યાસ



‘અણ્ણા અણ્ણા બહુ કરતો હતો, જોયું ને એમની કેવી હાલત થઈ?’ ફાંકેરામ આવ્યો કે તરત ચતુરસેને ઠપકો આપ્યો.

‘એ તો તમે પાંચ દિવસ ખાધા-પીધા વિના રહો પછી જોઈ લો, તમારી હાલત પણ કેવી થઈ જાય છે!’  ફાંકેરામે પ્રતિકાર કર્યો.

‘હું એ જ કહું છું, ખાયા-પીયા કુછ નહિ, ઔર ઇજ્જત ખો કે ઘર જાના!’

‘એમની ઇજ્જત તો હજું એવી ને એવી જ છે, ખોટી વાત ન કરો.’ ફાંકેરામ ઉશ્કેરાઈ ગયો.

‘એમની ઇજ્જત એવી ને એવી જ છે, પણ એ તારા હૃદયમાં બાકી જનતા કે સરકારે તેમને કોઠું ન આપ્યું. એમાંય મીડિયા અને સોશિયલ મીડિયામાં ‘લશ્કરમાંથી ભાગી આવેલા’થી માંડીને ‘ફૂટી ગયેલી બંદૂક’ ગણાવાયા હતા.’

‘મીડિયા અને પોલિટિક્સની વાત છોડો, તમારા દિલ પર હાથ મૂકીને કહો કે અણ્ણાનો મુદ્દો 2012માં પણ સાચો હતો અને 2018માં પણ સાચો જ છે કે નહીં?’

‘એમનો મુદ્દો સાચો છે, પણ એમનો સમય રહ્યો નથી, મારા મિત્ર! કાબે અર્જૂન લૂંટ્યો વહીં ધનુષ વહી બાણ...’

‘અણ્ણા હજારે એમ હારે એવા નથી, લોકપાલ નહીં નિમાય તો છ મહિના પછી ફરી આંદોલન કરશે.’

‘અણ્ણાજીએ જે રીતે સમાધાન કરી લીધું, એ જોતાં તેઓ હવે બીજી વાર આંદોલનની ‘ભૂલ’ કરે એવું મને લાગતું નથી. હા, અણ્ણા ખાદીનાં સફેદ વસ્ત્રો છોડીને જો ભગવા પહેરીને આંદોલન કરવાની વાત કરે તો કંઈક વાત બને.’

‘ભગવાથી ભડકી જનારા આજે ભગવાની પ્રેરણા શા માટે આપી રહ્યા છે?’ ફાંકેરામે ચતુરસેનની ફિરકી લેવાના અંદાજમાં કહ્યું.

‘પ્રેરણાની વાત નથી પાક્કા પુરાવાવાળી વાત છે. તેં સમાચાર ન સાંભળ્યા? મધ્ય પ્રદેશમાં બે ભગવાધારી બાબાઓ નર્મદા કૌભાંડ યાત્રા કાઢીને આંદોલન કરવાના હતા. આંદોલન કર્મ શરૂ પણ નહોતું થયું ત્યાં તો તેમને ફળ મળી ગયું! બે બાબાઓ સહિત બીજા પાંચ સંતોને રાજ્યમંત્રીનો હોદ્દો અપાયો. અણ્ણાજીની આબરૂ તો એવી છે કે ભગવા પહેરેલા હોય તો તો રાષ્ટ્રપતિ પદના દાવેદાર બની જાય!’

‘અણ્ણાજીની મજાક ન કરો પ્લીઝ! સંતોને સત્તા મળી, એમાં તમને કેમ પેટમાં દુખવા માંડે છે.’

‘સંતોને સત્તા મળે, એની સામે મારો વાંધો નથી, પરંતુ સંતો જે કૌભાંડોની વાતો કરતા હતા, જે મુદ્દો લઈને આંદોલન કરવાના હતા, એ તો હવે ભૂલી જ જવાનો ને? સંતો સત્તાની લાલચે મૌન રાખવા માંડશે તો આપણા સંતાવલંબી સમાજનું શું થશે?’

‘ચતુરસેન, વૈષ્ણવજન તો તેને રે કહીએ, એ ભજન બહુ જૂનું થયું, નવું લેટેસ્ટ ભજન આવ્યું છે, સંતજન તો તેને કહીએ જે સત્તા પચાવી જાણે રે!’

‘ફાંકેરામ, સત્તા પચાવે એમાં વાંધો નથી પણ આજકાલના સંતો પહેલાં જમીન પચાવે છે, પછી સંપત્તિ પચાવે છે, મોટા સંતો તો દેશની સાથે સાથે વિદેશની સાહ્યબી પણ પચાવી જાણે છે. કેટલાક સંતોની તાકાત તો એટલી વધારે છે કે તેમના હાથમાં આવે તો આખેઆખું રાજ્ય પણ પચાવી નાખે. તેમની પાચનશક્તિનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પાન પર 6 એપ્રિલ,  2018ના રોજ પ્રકાશિત વ્યંગ્ય કૉલમ  ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

Monday, March 26, 2018

આક્ષેપોની તલવાર, માફીની ઢાલ, લડીશ હું ધરાર

દિવ્યેશ વ્યાસ

(આ ઉદયશંકરે દોરેલું કેજરીવાલનું આ કાર્ટૂન www.pinsdaddy.com પરથી લીધું છે.)

‘ચતુરસેન, તમને બૌદ્ધિક બૌદ્ધિક કહીને મેં બહુ ચીડવેલા છે. ક્યારેક ગુસ્સામાં આવીને દેશ-વિરોધી પણ ગણાવી દીધા હશે. સ્યુડો સેક્યુલર ગણાવીને તમને ઉતારી પણ પાડ્યા હશે. આજે હું મારાં આ કડવાં વચનો અને આક્ષેપો માટે માફી માગું છું. મને માફ કરી દો....’ ફાંકેરામે આવીને તરત ઓશિયાળા ચહેરે માફીનામું રજૂ  કરી દીધું.

‘અમે આપણે તો ચર્ચાના માણસો, ક્યારેક ચકમક ઝરતી રહે, રોષના તણખા ખર્યા કરે, એમાં માફી શું માગવાની?’ ચતુરસેને ફાંકેરામને માફી પાછી ખેંચી લેવાની તક આપી.

‘ના, માફી માગવી જ પડે, મારી ભૂલોને ભૂલી જાવ અને મને માફ કરો.’ ફાંકેરામ કરગરવા માંડ્યો.

‘ગાંડા, આજે તને શું થયું છે? શેનાં નાટક માંડ્યાં છે?’ ચતુરસેન અકળાયા.

‘નાટક નથી ચતુરસેન, જરાય નાટક નથી. બસ ઇચ્છા થઈ ગઈ, એટલે નમ્રતાપૂર્વક માફી માગું છું.’

‘લાગે છે, આજે તારામાં કેજરીવાલનો આત્મા ઘૂસી ગયો છે. કેજરીવાલ આજકાલ એક પછી એક માફીનામાં બહાર પાડી રહ્યા છે. તેના સમાચારો પણ બહુ ચગી રહ્યા છે, એના ટ્રાન્સમાં તો તું નથી આવી ગયો ને? કે પછી કેજરીવાલની નકલ કરી રહ્યો છે?’

‘કેજરીવાલ તે કાંઈ મોટા કિંગ છે? કે એમની નકલ કરું?’

‘કેજરીવાલ ગમે તેમ તોય દિલ્હીના મુખ્યમંત્રી એટલે કિંગ તો ગણાય!’

‘કિંગ હશે એ દિલ્હીના, મારે શું? નકલ કરવી જ હોય તો મોદીની કરું કેજરીની શા માટે?’

‘નકલ પછી કરજે, પહેલા એક સ્પષ્ટતા કર, કયા મોદીની નકલ? નીરવ કે નરેન્દ્ર મોદી? મારી પાસેથી સાઇકલ લેવા તે 600 રૂપિયાની લોન લીધેલી છે, એટલે પૂછવું જરૂરી છે.’

‘તમે મજાક છોડો, બોલો, મને માફ કરો છો કે નહીં?’

‘જો તું ગંભીરતાથી માફી માગતો હોય તો સાંભળી લે, બોલતાં પહેલાં ધ્યાન રાખો તો માફી માગવાનો વારો ન આવે. બાકી કેજરીવાલની જેમ આક્ષેપોની તલવાર, માફીની ઢાલ અને લડવું ધરાર હોય તો પછી મારે માફીની ફોર્માલિટીનો કોઈ મતલબ નથી.’

‘કેજરીવાલને તો લીગાલિટીનો પ્રશ્ન છે, આપણે એવું નથી. તેમને તો માનહાનિના કેસોથી છૂટકારો મેળવવો છે, પણ મારે એવો કોઈ સવાલ નથી. તમે માફ કરી દો, જેટલી જેવું ન કરશો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્....’

‘મારે નથી વીરનું ભૂષણ જોઈતું કે નથી પદ્મ ભૂષણ બનવું... હવેથી બોલતા પહેલાં ધ્યાન રાખજે. છેલ્લે સાચું કહી દે, માફી માગવાનું કેમ સૂઝ્યું?’

‘આજે જ્યોતિષની કૉલમમાં વાંચ્યું હતું કે માફી માગી લેજો, બાકી હેરાનગતિ વધશે.’

‘માફી તો દિલમાં ઊગવી જોઈએ, તું તો જ્યોતિષનું માનીને માફી માગે છે? જા નથી આપવી માફી.’

‘ચતુરસેન, હો સકે તો મુજે માફ કરના, ગલતી મારે સે હો ગઈ!!’

(‘દિવ્ય ભાસ્કર’ના 23મી માર્ચ, 2018ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમની મૂળ પ્રત)

Friday, March 9, 2018

જાગી જા, નહિતર પૂતળાં જ નહિ, તનેય પતાવી નાંખશે

દિવ્યેશ વ્યાસ


(ત્રિપુરામાં લેનિનનું પૂતળું તોડી પડાયું, એ સમયની તસવીર શ્રેણી ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

‘ચતુરસેન, મારી એક ઇચ્છા હતી, પરંતુ મનની ઇચ્છાના ભ્રૂણને મનમાં જ મારી નાંખવો પડશે.’

‘મહિલા દિવસનાં લેખો અને ભાષણોની અસર હજું ઊતરી નથી લાગતી. તારા માનસમાંથી ભ્રૂણહત્યા શબ્દોનું ભૂત કાઢવું પડશે.’

‘આમાં મહિલા દિવસને ક્યાં વચ્ચે લાવો છો? તમે તો સાવ દોસ્ત-દ્રોહી છો. એકવાર પણ ન પૂછતા નથી કે મિત્ર, તારી ઇચ્છા શું હતી? ઊલટું ઠેકડી ઉડાડવા માંડ્યા!’ ફાંકેરામે ધોખો કર્યો.

‘વાહ રે વાહ, મને દેશદ્રોહી સાબિત કરવા મથનારા ફાંકેરામને આજે હું દોસ્ત-દ્રોહી લાગવા માંડ્યો? ભાઈબંધ, ગેરસમજને મનમાંથી કાઢી નાંખ, પછી કદાચ મનની ઇચ્છાને મનમાં જ મારવી નહીં પડે.’

‘સલાહની દુકાન બંધ કરો. બોલો, તમને મારી એ ઇચ્છા વિશે જાણવામાં રસ છે કે નહીં?’

‘છે છે, ઇચ્છા છે... મૌખિક ચાલશે કે પછી  ઇચ્છા છે, એવું લેખિતમા આપું?’

‘ચાલશે ચાલશે. હવે મારી ઇચ્છાની વાત કરું તો મારે અણ્ણા હજારેનું મોઓઓહહહહટું પૂતળું બનાવડાવવું હતું. જેથી આવનારી પેઢીઓને યાદ રહે કે એક એવો જનનેતા હતો, જેણે દેશને બીજી આઝાદી એટલે કે ભ્રષ્ટાચારથી આઝાદી અપાવવા સંઘર્ષ કર્યો હતો.’

‘તારા જેવા વ્યક્તિપૂજક ભક્તજનને આનાથી વધારે મોટી ઇચ્છા પણ બીજી શું હોઈ શકે.’

‘હા ચતુરસેન, સાચું કહું છુ, મોટામાં મોટી ઇચ્છા તો આ જ હતી, પણ હવે ઇચ્છાને મારવી પડશે.’

‘કેમ શું થયું?’

‘તમે ન્યૂઝ નથી વાંચ્યા? ત્રિપુરામાં કટ્ટરપંથીઓએ લેનિનનું પૂતળું તોડી પાાડ્યું, પછી તો એવો સિલસિલો  શરૂ થયો કે પેરિયાર, આંબેડકર, શ્યામાપ્રસાદ મુખરજી અને છેલ્લે છેલ્લે તો ગાંધીજીનાં પૂતળાં પણ કટ્ટરવાદીઓના ઘાએ ચડી ગયાં... પૂતળાતોડ માહોલ વચ્ચે નવું પૂતળું મૂકવાનો વિચાર તો માંડી જ વાળવો પડે ને?’

‘આને દેશમાં વધી રહેલા તાલિબાનીકરણનો સંકેત ગણવો પડે. વિરોધી વિચારધારા ધરાવતા નેતાઓનાં પૂતળાં તોડાયાં, એમાં ગભરાઈ ગયો? આ જ કટ્ટરવાદીઓએ નરેન્દ્ર દાભોળકર, ગોવિંદ પાનસરે, કલબુર્ગી, શાંતનુ ભૌમિક અન ગૌરી લંકેશ જેવાં વિરોધી વિચારધારા ધરાવતા જીવતાં માણસોની સરેઆમ હત્યાઓ કરી નાખી હતી. એને તારા જેવા લોકોએ બહુ ગંભીરતાથી લીધી નહોતી, પરંતુ હવે યાદ રાખ, અણ્ણા હઝારે પોતાના આંદોલન દરમિયાન આ લોકોની દૃષ્ટિએ કંઈક આડુંઅવળું બોલી નાંખશે  તો તેમનેય પતાવી દેવામાં આવશે. પછી કહેતો નહીં કે કહ્યું નહોતું.’

‘અણ્ણા હઝારેને તો કંઈ ન થાય.’

‘બીજા ગાંધી બનવા નીકળશે તો ચોક્કસ હતા-નહતા થશે. અને આવું કંઈક થશે ત્યારે ખરેખર શું થયું હતું, એનો અંદાજ પણ નહીં આવે. આજે દેશમાં પૂતળાં તૂટી રહ્યાં છે, કાલે કટ્ટરપંથીઓ તો સંસદ કે સુપ્રીમ કોર્ટ પણ તોડી શકે છે. મોડો જાગીશ તો તુંય ક્યાંય ખોવાઈ ગયો હોઈશ અને તારા અણ્ણા પણ કયાંક ગુમ થઈ ગયા હશે.’

‘તમે આ રીતે ડરાવશો નહીં.’

‘ડરાવતો નથી, ડારો દઈને જગાડું છું. ભક્તિરસમાં તરબોળ ભલામાણસ, હવે જાગી જા!’

‘મારે  જાગીને તરત ચા પીવા જોઈએ છે. પીવડાવશો ને?’

‘ચા તો અત્યારે જ પીવડાવી દઉં, પણ તારી ખરેખર જાગવાની દાનત છે?’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પાન પર 9મી માર્ચ, 2018ના રોજ ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ માટે લખાયેલો અને સંજોગાવસાત્ પ્રકાશિત નહીં થઈ શકેલો વ્યંગ્ય લેખ.)

Friday, February 23, 2018

બડે બડે બેન્ક મેં છોટી છોટી બાતેં હોતી રહેતી હૈ!

દિવ્યેશ વ્યાસ

(આ કાર્ટૂન www.manoramaonline.com પરથી લીધું છે.)

‘ચતુરસેન, આપણને તો ટ્રમ્પ ગમ્યા! તેઓ જે બોલે છે તે કરે છે અને કરે છે, એવું બોલે છે.’  ફાંકેરામે અમેરિકી પ્રમુખ પર પ્રશંસાનાં ફૂલ નહિ તો ફૂલની પાંખડીઓ વેરી.

‘ટ્રમ્પ આપણા નેતાઓ જેવા દંભી નથી, એ તો ખરું. નેતાના આચાર-વિચાર એકસમાન હોય તે સારી વાત છે, છતાં આચાર-વિચાર એક સરખા હોવા અને એક સરખા સારા જ હોવા વચ્ચે ઘણો ભેદ છે.’

‘તમારો મૂળ રસ ભેદ છે, એનો અમને ખૂબ ખેદ છે!’ ફાંકેરામને વાક્ય પૂરું કર્યા પછી લાગ્યું કે ‘કહીં હમ કવિ ન બન જાએ એ...’

જોકે, ચતુરસેન એમ ફાંકેરામને પ્રાસની ડાળીએ ચડીને કવિ હોવાના કેફમાં રાચવા દેવા તૈયાર નહોતા. તરત બોલ્યા, ‘જે શબ્દરમતોમાં કેદ છે, બુદ્ધિ પર ચડ્યો જેને મેદ છે... ફાંકેરામ, શબ્દચાળા છોડ અને વિચારોના બંધ ડાબલા ખોલ!’

‘ચતુરસેન તમારે તો કવિ બનવા જેવું હતું. કેટલા સરસ પ્રાસ-અનુપ્રાસ બેસાડી દો છો!’

‘કવિ બનવા સુધીની વાત કરી એ સારું કર્યું બાકી આજકાલ પ્રાસ-અનુપ્રાસવાળા લોકોની નેતાઓનાં ભાષણો લખવા માટે ભારે ડિમાંડ છે.’

‘ચતુરસેન હું તો ટ્રમ્પની વાત કરતો હતો. તેમણે ફ્લોરિડાની સ્કૂલની મુલાકાત લીધી હતી જ્યાં એક વિદ્યાર્થીએ ઓપન ફાયરિંગ કરીને ડઝનેક વિદ્યાર્થીઓનો ભોગ લઈ  લીધો હતો. ત્યાં જઈને ટ્રમ્પે જોરદાર વાત કરી કે આ રીતે સ્કૂલમાં શૂટઆઉટની ઘટના વધી રહી છે ત્યારે શિક્ષકોને પણ શસ્ત્રો આપવા જોઈએ તથા તેમને સ્થિતિને કાબૂમાં લેવા માટે તાલીમ પણ આપવી જોઈએ.’

‘ટ્રમ્પનું ચાલે તો આખા દેશને ગન પકડાવીને વિશ્વવિજય માટે નીકળી પડે! તું અહીં બેન્ક લૂંટીને ભાગી ગયેલા  નીરવ મોદી વગેરેની વાત કરને... આડીઅવળી વાતો ક્યાં માંડે છે.’

‘એમાં શું વાત કરવાની? સીબીઆઈ, સરકાર પોતાની કાર્યવાહી કરી જ રહી છે અને આગળ જતાં કોર્ટ તેનું કામ કરશે. આ કંઈ રાષ્ટ્રીય સમસ્યા છે? બડે બડે બેેન્ક મેં છોટી છોટી બાતેં હોતી રહેતી  હૈ!’

‘નીરવ મોદીએ બેન્કને કેટલા કરોડનો ચૂનો ચોંટાડ્યો છે, એનો આંકડો જાણી લે પછી છોટી છોટી બાતેંવાળો ડાયલોગ ફટકાર... તુંય કેન્દ્રીય મંત્રીઓની જેમ ઠંડે કલેજે જવાબો ન આપ.’

‘ચતુરસેન, આ નીરવ મોદીનો મામલો છે, નરેન્દ્ર મોદીનો નહિ, આટલા બધા ઉત્સાહમાં ન આવી જાવ.’

‘હું ઉત્સાહમાં નથી આવ્યો, પણ તમે આટલા બધા બચાવમાં કેમ આવી ગયા છો? એનો જવાબ  તો આપો.’

ફાંકેરામ પાસે કોઈ જવાબ કે દલીલ ન બચતાં મોદીનો જ માર્ગ અપનાવીને તે મૂંગા મોંઢે ભાગી નીકળ્યો.

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પાન પર તા. 23 ફેબ્રઆરી, 2018ના રોજ પ્રકાશિત વ્યંગ કટાર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)

Friday, February 9, 2018

ક્યારેક ભજન ક્યારેક ભજિયાં, ક્યારે અટકશે આ કજિયા?

દિવ્યેશ વ્યાસ



‘ભજિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાયી, કૈસી યે રોજગારી સંભાલી...!’ ફાંકેરામ આવું કંઈક ગીત ગણગણતા પધાર્યા.

‘યે વિવાદો, યે વાદો, યે બાતોં કી દુનિયા... યે ભજિયા અગર મીલ ભી જાયે તો ક્યાં હૈ... યે કજિયા અગર થંભ ભી જાયે તો ક્યા હૈ...’ ચતુરસેને પણ સામું લલકાર્યું.

‘ચતુરસેન, તમને તો મજા પડી ગઈ હશે ને! ભજિયાનો વિવાદ સાંભળીને વિરોધ પક્ષો કરતાં તો તમારા જેવાના મોંમાં વધારે પાણી આવી ગયું હશે... તરત જ વિવાદો, વાદો અને બાતોં કી દુનિયા સાંભરી ગઈ.’

‘આવી દુનિયા સંભારવાની જ ક્યાં જરૂર છે!’

‘હા હા, જે વસ્તુ ભુલાય જ નહીં, તેને કઈ રીતે સંભારવી... ખરું ને?’

‘ભૂલવા-સંભારવાની વાત નથી, જે વસ્તુ અને વાસ્તવિકતા નરી આંખે રોજેરોજ જોવા મળે છે, તેને ન તો ભૂલી શકાય, ન સંભારી શકાય. હા, કાં તો તેનો સ્વીકાર થઈ શકે કે પછી તેની અવગણના. તારા જેવા ભક્તો અવગણનાનો આસાન માર્ગ અપનાવી રહ્યા છે.’

‘અવગણના તો તમારા જેવા બૌદ્ધિકો લોકમતની કરી રહ્યા છે. આખો દેશ ખોટો અને માત્ર તમે એક જ સાચા? લોકશાહી છે, લોકો માને એ થાય!’

‘તારા જેવા ભક્તો બસ ભજન ગાઈને રાજી રહે અને ગરમાગરમ ભજિયા જેવી  વાતોથી ઓડકાર પર ઓડકાર ખાધા કરે, બાકી લોકોનો મત તો લોકપાલ લાવવાનો નહોતો? કોણે કરી તેની અવગણના?’ ચતુરસેને ફાંકેરામની દુખતી રગ પર હાથ મૂક્યો.

‘ચતુરસેન, તમે લોકપાલની વાત લાવીને મને ઇમોશનલી બ્લેકમેલ ન કરશો. લોકપાલની જરૂર જ ન રહે, એવું શાસન આવ્યું છે, પછી એની શું ચિંતા કરવાની.’

‘વાહ મારા ફાંકેરામ... તને ક્યાંથી સમજાવવાનું શરૂ કરું, એ જ મને સમજાતું નથી. નાગરિક તરીકે વિચારતો તું ક્યારે થઈશ?’

‘70 વર્ષમાં આ દેશના લોકો રૈયત મટીને નાગરિક બની શક્યા નથી. આ મામલે તમે કૉગ્રેસને તો  દોષિત નહીં જ ઠેરવો, ખરું ને? પાછા તમે હજું કૉંગ્રેસનું શાસન ફરી આવે એવી કામના રાખતા હશો. સાચું ને?’

‘ભાજપનો વિરોધ એટલે કૉંગ્રેસને સપોર્ટ એવું ગણિત માંડો તો મારી જેવી વ્યક્તિએ 70 વર્ષથી ભાજપને જ સપોર્ટ કર્યો, એવું  સાબિત થઈ જાય! કૉંગ્રેસ હોય કે ભાજપ, આપણે તેનાં ભજનો ગાવાનું છોડીને તેના શાસનની મૂલવણી-ચકાસણી કરવાની હોય. આપણે દેશનું વિચારવાનું હોય, કોઈ વ્યક્તિ કે પક્ષનું નહીં.’

‘હવે દેશ યાદ આવશે, બંધારણ યાદ આવશે, કાયદો અને વ્યવસ્થા યાદ આવશે.... ખરા છો તમે!’

‘તમે મોંઘવારી ભૂલી જાવ, બેરોજગારી ભૂલી જાવ, ભ્રષ્ટાચાર ભૂલી જાવ, ખેડૂતોની આત્મહત્યા ભૂલી જાવ, સૈનિકોની શહીદી ભૂલી જાવ, લોકપાલ ભૂલી જાવ... તમે ય ખરા છો!’

‘આપણે ખરા જ છીએ, ખોટા કજિયા છોડીએ... બોલો, ચા-નાસ્તો કરવો છેને?’

‘હા, મગાવો, ગરમાગરમ ચા અને ભજિયા!’ ચતુરસેન ખડખડાટ હસી પડ્યા.

(‘દિવ્ય ભાસ્કર’ના 9મી ફેબ્રુઆરી, 2018ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કટાર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)

Friday, December 15, 2017

ભાષણ સુણી સુણી થાક્યા કાન

દિવ્યેશ વ્યાસ



‘હાશ... માંડ ચૂંટણી પતી!’ ફાંકેરામે પોતાની વાતને સપોર્ટ કરતા હાવભાવ પણ દર્શાવ્યા.

‘લે, તું નથી ચૂંટણી લડ્યો કે નથી તારા પર કોઈ રાજકીય જવાબદારીઓ, પછી તને આટલો મોટો હાશકારો કેમ થયો?’

‘તમે ચાલ્યા કરો તો પગને થાક લાગે ને?’

‘હા, લાગે.’

‘ઢગલોએક વાસણ-કપડાં ધોવાનું આવે તો તમારા હાથ થાકે કે નહીં?’

‘થાકે. જરૂર થાકે.’

‘લગ્ન પછી તમને ચાંદલાની ચોપડી આપીને હિસાબ કરવાનું કહેવામાં આવે, તાકડે કેલ્ક્યુલેટર પણ ન હોય તો પછી તમારું દિમાગ સરવાળા કરી કરીને થાકે ને?’

‘તું તો થાકવાના પ્રશ્નો પૂછી પૂછીને નહીં થાકે પણ જવાબ આપતાં આપતાં મારી જીભને થકવાડી દઈશ. મૂળ મુદ્દાની વાત કરને.’

‘હવે તમે મારી વાત અને મારા થાકને વધુ સારી રીતે સમજી શકશો. આટલી બધી સભાઓમાં નેતાઓનાં ભાષણ સાંભળી સાંભળીને, ટીવી-અખબારોમાં ચૂંટણીને લગતા અહેવાલો જોઈ-વાંચીને થાક તો લાગે જ ને? મોદી સાહેબનું બિચારું ગળું બોલી બોલીને થાકી ગયું તો અમારા કાન પણ ક્યારેક તો થાકે ને!’

‘ઓહો હો હો.... બહુ મોટો કાનની કાળજીવાળો! કાનમાં પાંચ દિવસ પુંમડા ભરાવીને સ્વર-ઉપવાસ કરાવી દે, એટલે પાછા તરોતાજા થઈ જાય. અખબારો વાંચીને અને ટીવી જોઈને તારી આંખો પણ દુખતી હશે. આંખે પણ પાટા બાંધીને પડ્યો રહે!’

‘લોકશાહીમાં નાગરિકોએ આંખ-કાન ખુલ્લા રાખવાની વાતો કરનારા આજે પુંમડા અને પાટાની તરફેણ કરવા માંડ્યા... બહુ પરિવર્તન લાવી દીધું તમે!’ પરિવર્તન શબ્દ પર ફાંકેરામે બહુ કટાક્ષમય ભાર મૂક્યો.

‘ફાંકેરામ, એ ભૂલશો નહીં કે ભાષણોનો વિકાસ વધી જાય ત્યારે કાન પરિવર્તન માટે સરવા થતા હોય છે. દુ:ખની વાત એ છે કે કાન સરવા થાય, એની આજકાલના ભાષણખોરોને ક્યાં પરવા જ છે?’

‘નેહરુનાં ભાષણોના વખાણ કરતાં તો તમારી જીભડી ક્યારેય સુકાતી નથી. આજે સાહેબ જેવા સારા વક્તાઓના ભાષણની તમે આ રીતે ઠેકડી ઉડાડો છો?’

‘જો ભાઈ, આ ભાષણો અમૃત જેવા સારાં જ હોત તો તારા કાન દુખવાને બદલે તરોતાજા થયા હોત. આજકાલનાં ભાષણોનો સ્તર એટલો નીચે ઊતરી ગયો છે કે સાંભળનારા કદાચ ઘડી-બેઘડી રાજી થતાં હશે, છતાં તારી જેમ તેમના કાન પણ દુખી જ જતા હશે.  કદાચ સૂઝી પણ જતાં હશે, પણ બતાવતા નહીં હોય!’

‘ચૂંટણીમાં ભાષણ ન થાય તો બીજું શું થાય. તમે ગાંડા જેવી વાતો ન કરો.’

‘આ દેશમાં વિકાસ ગાંડો થયો છે કે નહીં, એ સંશોધનનો વિષય છે, પણ બૌદ્ધિકો તો ગાંડા જ થઈ ગયા છે! મારા ભાઈ, ભાષણ સિવાય પણ ઘણા સારા વિકલ્પો છે, લોકમત કેળવવાના. જોકે, ભાષણ સૌથી સહેલું અને સસ્તું પડે છે. બે શબ્દો બોલીને કામ પતી જાય! બાકી લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે કામ કરવું પડે, મહેનત કરવી પડે, ખરા અર્થમાં વિકાસ કરી બતાવવો પડે, પરિવર્તન એટલે કેવું પરિવર્તન એ સાબિત કરવું પડે. પણ એ માથાકૂટમાં ક્યાં કોઈને પડવું છે, એટલે રાજકારણીઓ ભાષણોથી પોતાનાં ભૂત ધુણાવ્યે રાખે છે.’

(‘દિવ્ય ભાસ્કર’ના 15મી ડિસેમ્બર, 2017ના અંકના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)