Friday, February 24, 2017

અમર વિચિત્રકથા : રાજકારણમાં કૉમેડી

દિવ્યેશ વ્યાસ



‘ફાંકેરામ, આજે તને એક સાવ સહેલો સવાલ પૂછવો છે.’ ચતુરસેને વાતની માંડણી કરી.

‘નેકી ઓર પૂછ-પૂછ! પૂછો, તમારે જે પૂછવું હોય તે પૂછો, પરંતુ અઘરો સવાલ હશે તો તમારે ચાર વિકલ્પો આપવા પડશે.’ ફાંકેરામે પાણી પહેલા પાળ બાંધી.

‘સવાલ સહેલો જ છે, પરંતુ તારા જેવા ગધેડાને અઘરો લાગે તો બચ્ચન સ્ટાઇલમાં ચાર વિકલ્પ આપીશ, ઓકે?’

‘તમે પણ રાજકારણીઓ જેમ ભાષાનું સ્તર નીચું કેમ લાવો છો? આપણે ત્યાં તો ચૂંટણીની હજુ વાર છે અને હું કંઈ તમારો પ્રતિસ્પર્ધી બનવાનો નથી!’

‘ઠીક છે. તો આ રહ્યો સવાલ તારા કાનના કિનારા પર... જણાવો, આપણા દેશમાં સૌથી મોટો કૉમેડી રાજકારણી કોણ છે?’


‘સવાલ ખરેખર એકદમ સહેલો છે. ભૂલથી પણ વિકલ્પ ન આપતા હું ગૂંચવાઈ જઈશ.’

‘હું વિકલ્પ નથી આપતો, તું જવાબ તો આપ.’

‘જવાબ સિમ્પલ છે - રાહુલ ગાંધી. અમારા સાહેબે હમણાં જ કહ્યું હતું કે સૌથી વધુ જોક્સ આ રાજકારણી પર બને છે.’

 ‘સૌથી વધારે જોક્સ તો રાહુલ ગાંધી પર જ બનતા હશે, પણ જવાબથી મને સંતોષ નથી.’

‘અખંડ અસંતુષ્ટ એવા અરવિંદ કેજરીવાલના નામથી તમે સંતુષ્ટ થશો?’

‘મને આશ્ચર્ય એ વાતનું છે કે તું લાલુ પ્રસાદ યાદવ, ઉમા ભારતી, બેનીપ્રસાદ વર્મા, સાક્ષી મહારાજ, શરદ પવાર, શરદ યાદવ અને ખુદ ગબ્બર - તારા સાહેબના નામ અંગે તો વિચાર જ ન કર્યો!’

‘મારા સાહેબ હમણાંથી મિમિક્રી જરૂર કરી લે છે અને તેમનાં પર કાર્ટૂનો પણ બહુ બને છે, પરંતુ લોકો તેમની વાતને હસી નાખતા નથી, એ પણ ધ્યાને લેવું જોઈએ ને!’

‘એ ખરું. આ યાદીમાં બીજા બે મોટાં નામ પણ જોડી શકાય - સુબ્રહ્મણ્યમ સ્વામી અને અમરસિંહ.’

‘સ્વામી તો હસાવવા કરતાં રડાવવાનું વધારે કરતા હોય છે, પરંતુ અમરસિંહના નામ સાથે હું સહમત છું. અમરસિંહે હજુ હમણાં જ ધડાકો કર્યો છે કે મુલાયમસિંહ અને તેમના દીકરા અખિલેશ યાદવ વચ્ચેનો ઝઘડો તો સ્પોન્સર્ડ અને સ્ક્રીપ્ટેડ જ હતો.’

‘મને તો એવી શંકા છે કે એની સ્ક્રીપ્ટ કદાચ અમરસિંહે જ લખી હશે. અમરસિંહ તો હવે ભક્ત બનવા તલપાપડ છે. અમર વિચિત્રકથાઓનો તો કોઈ અંત જ નથી.’

‘અંતહીન આડી વાતો છોડો, મને જવાબ આપો કે સૌથી કૉમેડી નેતા કોણ છે?’

‘કૉમેડી તો કોણ નથી કરતું? ભલભલા અભિનેતાઓ અને કૉમેડિયન્સ પણ રાજકારણીઓના પરફોર્મન્સ જોઈને લઘુતાગ્રંથિમાં આવી જતા હોય છે. આમાં કોને વખાણીએ કોને વખોડીએ?’

‘રાજનેતાઓ કૉમેડી કરે એ તો સારું કહેવાય, લોકોને મનોરંજન તો મળે!’

‘ફાંકેરામ, મનોરંજન કરનારા ઘણા છે, રાજકારણીઓએ પોતાનું કામ કરવું જોઈએ. તેઓ કૉમેડી કરીને જ લોકોના મન મોહી લે છે અને પોતાના મત કઢાવી લે છે. આ જ તો દેશની સૌથી મોટી ટ્રેજેડી છે!’

(‘દિવ્ય ભાસ્કર’માં 24 ફેબ્રુઆરી, 20174ના રોજ તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ મૂળ પ્રત )

Thursday, February 9, 2017

તમે ભૂલી જજો, હું ભૂલી ગયો છું!

દિવ્યેશ વ્યાસ




‘ચતુરસેન, જોયું ને... મારા સાહેબે વિરોધી નેતાઓને રસ્તા પર લાવી દીધા છે ને?’ ફાંકેરામે આદત મુજબ ભક્તગુંજન શરૂ કર્યું.

‘રસ્તા પર જ લાવ્યા છે, જેલમાં નથી પૂરી દીધા, એટલી તો એમની મહાનતા મારે સ્વીકારવી જ પડશે!’ ચતુરસેન પણ પોતાની ટોન્ટમાર આદતને અભિવ્યક્ત કર્યા વિના ન રહી શક્યા.

‘વાહ, ચતુરસેન તમારા સુર આજે કંઈક બદલાયેલા બદલાયેલા લાગે છે. સાહેબની પ્રશંસા... તમને પણ પદ્મ પુરસ્કાર મેળવવાની ઝંખના જાગી લાગે છે.’

‘મારે નથી પદ્મ પુરસ્કાર જોઈતો કે નથી છદ્મ પુરસ્કાર જોઈતો, મારે તો થોડી શાંતિ જોઈતી હતી, એટલે મિલે સુર મેરા તુમ્હારાવાળી કરેલી, પણ હવે મને છંછેડ્યો છે તો સાંભળી જ લે. આ તારા સાહેબે જ નોટબંધી લાદીને લોકોને બેન્કની બહાર રસ્તા પર લાંબી લાંબી લાઇનમાં લાવી દીધા હતા ને? હવે કહે, સાહેબે કયા નેતાને રસ્તા પર લાવી દીધો? મારે તો એ પણ ખાતરી કરવી પડશે કે વિરોધી નેતા એટલે પાર્ટી બહારના વિરોધી કે અંદરના?’

‘નોટબંધીની વાત જૂની થઈ, હવે શું છે? ભૂલી જાવ!’



‘ગરીબીની સમસ્યા પણ જૂની છે, ભૂલી જાવ. ભૂખમરાની સમસ્યા જૂની છે, ભૂલી જાવ. સ્વચ્છ ભારત અભિયાન જૂનું થયું, ભૂલી જાવ. રમખાણો-એન્કાઉન્ટરોનો મુદ્દો જૂનો થયો, ભૂલી જાવ. સીઝફાયરનું ઉલ્લંઘન જૂની સમસ્યા છે, ભૂલી જાવ. પઠાણકોટ-ઉરી પરના આતંકી હુમલા બહુ દિવસો પહેલા થયા હતા, ભૂલી જાવ. કાળાં નાણાંનો મામલો જૂનો થયો, ભૂલી જાવ. 15 લાખનું વચન જૂનું થયું, ભૂલી જાવ. લોકપાલ આંદોલન ભૂતકાળ બન્યું, લોકપાલને ભૂલી જાવ....  બધું ભૂલવાડી જ દેવાનું!’

‘ના... ના.... તમે યાદ રાખો. કટોકટી યાદ રાખો, ચીન-પાકિસ્તાનના યુદ્ધ યાદ રાખો, કાશ્મીરી પંડિતોનું વિસ્થાપન યાદ રાખો... બધું ભૂલી નથી જવાનું.’

‘મને ખબર છે તારે શું યાદ રખાવવું છે ને ભૂલવાડવું છે. મારે આ મુદ્દે માથાફોડ નથી કરવી. મને સાહેબે કયા નેતાને રોડ પર લાવી દીધા, એ જાણવામાં રસ છે.’

‘આજકાલ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ ઉપરાછાપરી રોડ શૉ કરી રહ્યા છે. બોલો બન્નેને કેવા રોડ પર લાવી દીધા છે!’

‘ચર્ચાનો પહાડ ખોટો ખોદાવ્યો. ભલા માણસ, રોડ શૉ તો બધા નેતાઓ કરે છે, સાહેબ પોતે પણ કરે જ છે, કારણ કે શૉબાજી હવે રાજકારણનું અનિવાર્ય અનિષ્ટ બની ગયું છે. અલબત્ત, રાહુલ અને અખિલેશનો રોડ શૉ સત્તાના સિંહાસન સુધી નહીં પહોંચે તોપણ તેઓ રોડ પર આવી જશે, એ વાત ભૂલી જજે!’

‘ઓકે, પણ આપણો આજનો ઝઘડો તમે ભૂલી જજો, હું ભૂલી ગયો છું.’

‘દોસ્ત, હવે તું રાજકારણી બનવા માટે એકદમ લાયક બની ગયો છે!’

(‘દિવ્ય ભાસ્કર’માં 10મી ફેબ્રુઆરી, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’- મૂળ પ્રત )