Friday, December 15, 2017

ભાષણ સુણી સુણી થાક્યા કાન

દિવ્યેશ વ્યાસ



‘હાશ... માંડ ચૂંટણી પતી!’ ફાંકેરામે પોતાની વાતને સપોર્ટ કરતા હાવભાવ પણ દર્શાવ્યા.

‘લે, તું નથી ચૂંટણી લડ્યો કે નથી તારા પર કોઈ રાજકીય જવાબદારીઓ, પછી તને આટલો મોટો હાશકારો કેમ થયો?’

‘તમે ચાલ્યા કરો તો પગને થાક લાગે ને?’

‘હા, લાગે.’

‘ઢગલોએક વાસણ-કપડાં ધોવાનું આવે તો તમારા હાથ થાકે કે નહીં?’

‘થાકે. જરૂર થાકે.’

‘લગ્ન પછી તમને ચાંદલાની ચોપડી આપીને હિસાબ કરવાનું કહેવામાં આવે, તાકડે કેલ્ક્યુલેટર પણ ન હોય તો પછી તમારું દિમાગ સરવાળા કરી કરીને થાકે ને?’

‘તું તો થાકવાના પ્રશ્નો પૂછી પૂછીને નહીં થાકે પણ જવાબ આપતાં આપતાં મારી જીભને થકવાડી દઈશ. મૂળ મુદ્દાની વાત કરને.’

‘હવે તમે મારી વાત અને મારા થાકને વધુ સારી રીતે સમજી શકશો. આટલી બધી સભાઓમાં નેતાઓનાં ભાષણ સાંભળી સાંભળીને, ટીવી-અખબારોમાં ચૂંટણીને લગતા અહેવાલો જોઈ-વાંચીને થાક તો લાગે જ ને? મોદી સાહેબનું બિચારું ગળું બોલી બોલીને થાકી ગયું તો અમારા કાન પણ ક્યારેક તો થાકે ને!’

‘ઓહો હો હો.... બહુ મોટો કાનની કાળજીવાળો! કાનમાં પાંચ દિવસ પુંમડા ભરાવીને સ્વર-ઉપવાસ કરાવી દે, એટલે પાછા તરોતાજા થઈ જાય. અખબારો વાંચીને અને ટીવી જોઈને તારી આંખો પણ દુખતી હશે. આંખે પણ પાટા બાંધીને પડ્યો રહે!’

‘લોકશાહીમાં નાગરિકોએ આંખ-કાન ખુલ્લા રાખવાની વાતો કરનારા આજે પુંમડા અને પાટાની તરફેણ કરવા માંડ્યા... બહુ પરિવર્તન લાવી દીધું તમે!’ પરિવર્તન શબ્દ પર ફાંકેરામે બહુ કટાક્ષમય ભાર મૂક્યો.

‘ફાંકેરામ, એ ભૂલશો નહીં કે ભાષણોનો વિકાસ વધી જાય ત્યારે કાન પરિવર્તન માટે સરવા થતા હોય છે. દુ:ખની વાત એ છે કે કાન સરવા થાય, એની આજકાલના ભાષણખોરોને ક્યાં પરવા જ છે?’

‘નેહરુનાં ભાષણોના વખાણ કરતાં તો તમારી જીભડી ક્યારેય સુકાતી નથી. આજે સાહેબ જેવા સારા વક્તાઓના ભાષણની તમે આ રીતે ઠેકડી ઉડાડો છો?’

‘જો ભાઈ, આ ભાષણો અમૃત જેવા સારાં જ હોત તો તારા કાન દુખવાને બદલે તરોતાજા થયા હોત. આજકાલનાં ભાષણોનો સ્તર એટલો નીચે ઊતરી ગયો છે કે સાંભળનારા કદાચ ઘડી-બેઘડી રાજી થતાં હશે, છતાં તારી જેમ તેમના કાન પણ દુખી જ જતા હશે.  કદાચ સૂઝી પણ જતાં હશે, પણ બતાવતા નહીં હોય!’

‘ચૂંટણીમાં ભાષણ ન થાય તો બીજું શું થાય. તમે ગાંડા જેવી વાતો ન કરો.’

‘આ દેશમાં વિકાસ ગાંડો થયો છે કે નહીં, એ સંશોધનનો વિષય છે, પણ બૌદ્ધિકો તો ગાંડા જ થઈ ગયા છે! મારા ભાઈ, ભાષણ સિવાય પણ ઘણા સારા વિકલ્પો છે, લોકમત કેળવવાના. જોકે, ભાષણ સૌથી સહેલું અને સસ્તું પડે છે. બે શબ્દો બોલીને કામ પતી જાય! બાકી લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે કામ કરવું પડે, મહેનત કરવી પડે, ખરા અર્થમાં વિકાસ કરી બતાવવો પડે, પરિવર્તન એટલે કેવું પરિવર્તન એ સાબિત કરવું પડે. પણ એ માથાકૂટમાં ક્યાં કોઈને પડવું છે, એટલે રાજકારણીઓ ભાષણોથી પોતાનાં ભૂત ધુણાવ્યે રાખે છે.’

(‘દિવ્ય ભાસ્કર’ના 15મી ડિસેમ્બર, 2017ના અંકના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)