Friday, March 24, 2017

વાંઢા હોવાનું મને વહાલું લાગ્યું, સીએમ બનવાનું મારું સપનું જાગ્યું

દિવ્યેશ વ્યાસ

(કાર્ટૂન ગૂગલ ઇમેજ પરથી ડાઉનલૉડ કરેલું છે.)

ફાંકેરામ આવ્યો ત્યારથી એક જ પંક્તિ ગાતો રહ્યો, ‘અકેલે હૈ તો ક્યા ગમ હૈ...’

‘આગળની પંક્તિ આવડતી નથી કે શું? તારું ભલું પૂછવું, બીજી પંક્તિ યાદ આવી જાય એટલે તો વારંવાર એક જ રેકર્ડ વગાડ્યા નથી કરતો ને?’

‘આ કોઈ સામાન્ય કાવ્યપંક્તિ નથી, આ કોઈ ફિલ્મના ગીતનું મુખડું નથી, આ તો મારો મહામંત્ર છે, મહામંત્ર!’ ફાંકેરામે જરાક ઘોઘરા અવાજે ગુજરાતી ફિલ્મના ચરિત્ર અભિનેતા જેવી સ્ટાઇલમાં જવાબ આપ્યો.

‘મહામંત્ર કોને કહેવાય એની તને કોઈ ગતાગમ છે? એવો કોઈ સવાલ પૂછીને હું મારો વખત બરબાદ કરવા માગતો નથી, પણ તને અચાનક આ મહામંત્રની ચાનક શા માટે ચડી, એનો કરી શકે તો ટૂંકમાં ખુલાસો કર.’

‘વાહ, આ મંત્રની અસર તો જોરદાર છે, લોકો મારી પાસેથી ખુલાસા પણ માગવા માંડ્યા છે!’

‘કોઈ ખુલાસો માગે એમાંય તને પ્રગતિના દર્શન થયા? તું કંઈક અવળે રસ્તે ચડી ગયો લાગે છે.’ ચતુરસેનના અવાજમાં સહેજ ચિંતા ઝળકી.

‘ચતુરસેન, હવે જ હું સાચા રસ્તે છું. કાલ સુધી મને મારું વાંઢાપણું ખુંચતું હતું, પણ હવે વાંઢા હોવાનું વહાલું લાગવા માંડ્યું છે. એકલા હોવાનો ગમ અચાનક મારા દિલોદિમાગમાંથી ગાયબ થઈ ગયો છે. સિંગલ છું અને એટલે જ અનેક સિદ્ધિઓ અને શિખરો મારો જ ઇંતેઝાર કરી રહ્યાં છે!’

‘ગાંડા, સિંગલ હોવાથી સફળ બનાતું હોત તો તું આજે અહીં હોત? તારા દિમાગમાં આવું ભૂંસું કોણે ભરાવ્યું?’

‘આજ સુધી હું સફળ ન થયો, કારણ કે મને સિંગલ હોવાનું સ્વસન્માન નહોતું, પણ હવે મને ખાતરી થઈ ગઈ છે.’

‘શેની ખાતરી? મારા મગજની કાતરી તળવાનું છોડ ભાઈ!’

‘ચતુરસેન, તમે સમજો. દેશના વડાપ્રધાન જીદ કરીને સિંગલ રહ્યા છે. દેશના મુખ્યમંત્રીઓ પર નજર નાખો તો હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અપરિણીત છે, તેમની જેમ જ ઓડિશાના સીએમ નવીન પટનાયક, આસામના સીએમ સર્વાનંદ સોનોવાલ અને બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી પણ સિંગલ છે. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને ગોવામાં ફરી સત્તા સંભાળનારા મનોહર પરિકર વિધુર છે તો વસુંધરા રાજે અને મહેબૂબા મુફ્તિએ પણ ઘરસંસારથી મુક્તિ મેળવી લીધેલી છે. આ યાદીમાં તાજેતરમાં એક નવું નામ ઉમેરાણું છે - યોગી આદિત્યનાથનું... બોલો, સિંગલ હોય તો જલદી સત્તા મળે, એ વાત હવે તો તમારા ગળે ઊતરી કે નહીં?’

‘સિંગલ તો રાહુલ ગાંધી પણ છે અને તોય ચૂંટણી હારવાનો ગિનીસ રેકોર્ડ બનાવી રહ્યા છે!’ ચતુરસેને ફાંકેરામના ફુગ્ગામાં ટાંકણી ભોંકી દીધી.

‘હું રાહુલ ગાંધીજીની જેમ માત્ર સિંગલ જ રહેવાનો નથી, હું પણ યોગી આદિત્યનાથની જેમ ભગવા ધારણ કરવાનો છું... બોલો પછી તો સત્તા મળશે ને?’

‘ભગવા ધારણ કર્યા પછી પણ સત્તા મળશે કે નહીં ખબર નહીં, હા, યોગ્ય સંપ્રદાય પકડી લઈશ તો તમામ પ્રકારની સુખ-સમૃદ્ધિ જરૂર મળશે... તથાસ્તુ!’

(‘દિવ્ય ભાસ્કર’ના 24મી માર્ચ, 2017ના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Monday, March 13, 2017

લીલા રંગની એવરગ્રીન લીલા

દિવ્યેશ વ્યાસ



 (તસવીર ગૂગલ પરથી લીધેલી છે.)

રામલાલ પિચકારીના ફુવારાની જેમ શ્યામલાલ તરફ ધસી આવ્યા, ‘આજ ના છોડુંગા તુઝે... દમ દમા દમ... તૂ ને ક્યાં સમજા હૈ મુઝે... દમ દમા દમ... શ્યામલાલ, આજે તો મન ભરીને રંગી નાખવા છે તમને!’

‘રંગી નાખ... આજે ધુળેટી છે, મારાથી ના થોડી પડાશે? હા, પણ મારી પસંદગીના રંગથી રંગે તો રંગ જામે!’

‘ઓહો... એવું છે? હા તો તમારી પસંદગી બોલો, હું કંઈ એક જ રંગ લઈને આવ્યો નથી. તમારા ફેવરિટ રંગથી જ રંગીશ.... જો તુમકો હો પસંદ વોહી રંગ લગાયેંગે....!’

શ્યામલાલ  અધિકારપૂર્વક બોલ્યા,‘મારો ફેવરિટ રંગ તો લીલો છે, લીલો!’

‘ઓહો! તમે પાછા સેક્યુલર ખરા ને!’ રામલાલે ટોણો માર્યો.

‘સેક્યુલરની ગાળ આપવાની અને ઉપરથી ‘પાકિસ્તાની ખરા ને!’ એવા લહેકાથી બોલવાનું... દિમાગમાં બહુ ઝેર ભર્યું લાગે છે.’

‘સોરી સોરી... બુરા ન માનો હોલી હૈ!’

‘તમે મજાકમાં કહો તો હું જરાય ખોટું ન લગાડું પણ તમે તો દાઢમાં બોલ્યા એટલે જરાક ટપારવા પડ્યા... દોસ્ત, લીલો તો પ્રકૃતિનો ફેવરિટ રંગ છે. લીલા રંગની એવરગ્રીન લીલા આપણી આજુબાજુ વ્યાપ્ત હોય છે. લીલા જેવો શાંતિ અને સુકૂન આપતો રંગ બીજો એકેય નથી. લીલો તો નંબર વન કલર છે!’ શ્યામલાલે લીલા રંગ પર આખું ભાષણ આપી દીધું.

‘ખોટું ન લગાડતા પણ મેઘધનુષના સાતેય રંગોમાં લીલાને ટોપ થ્રીમાં પણ સ્થાન નથી મળ્યું, છેક ચોથા ક્રમે આવે છે!’

‘હું આખી સૃષ્ટિની વાત કરું છું ને તું મેઘધનુષને તલવારની જેમ સમણ્યા કરે છે!’

‘સૃષ્ટિનું ઓઠું લેશો તો પણ તમે ખોટા જ પડશો. આકાશ વાદળી છે. પૃથ્વી પર ત્રણ ભાગમાં દરિયો છે, જેના પાણી પર વાદળી રંગનો પ્રભાવ છે. માત્ર ચોથા ભાગમાં પૃથ્વી છે, જેમાં રણપ્રદેશ અને એવા બધા ભાગો કાઢી નાખો તો લીલો તો બિચારો ક્યાંય લઘુમતીમાં આવી જાય.’


‘એમાંય તમારા જેવા લોકોએ વિકાસની ભ્રામક સમજને કારણે જંગલોનો સોથ વાળી દીધો છે.’

‘ઓહો... હવે મને સમજાયું, લીલો રંગ તમારો ફેવરિટ છે, કારણ કે તમે પર્યાવરણવાદી છો!’

‘હું પર્યાવરણવાદી નહીં પણ પર્યાવરણપ્રેમી માણસ છું!’

‘પર્યાવરણવાદી કહો કે પર્યાવરણપ્રેમી, તમે વિકાસવિરોધી હશો, એ તો પાક્કું!’

‘લીલો રંગ પસંદ કરનારાની ખાસિયત તમે જાણતા નથી. આવા લોકો કોઈના વિરોધી ન હોઈ શકે. તેઓ લડાઈ-ઝઘડાથી દૂર રહે છે. અન્યને દુ:ખી જોઈ શકતા નથી. લીલા રંગના ચાહકો બહુ જ શાંતિપ્રિય હોય છે.’

‘શાંતિપ્રિય! વૉટ અ જોક! લીલી ધજાઓ લઈને નીકળી પડનારા લાલ લોહીની નદીઓ વહાવે છે, એ તો તમને દેખાતું જ નહીં હોય ને?’

‘ધજા લીલી હોય કે લાલ કે પછી કેસરી.... ધજા પકડનારા માનવતાના ધજાગરા જ ઉડાડતા હોય છે. હું લીલી ધજામાં નહીં, લીલા ધર્મ એટલે કે પર્યાવરણ ધર્મમાં, પર્યાવરણપ્રેમમાં રાચનારો માણસ છું.’

‘પેટાની જાહેરખબરો જોઈ જોઈને તો તમે પર્યાવરણ પ્રેમી નથી બની ગયાને? પાંદડાંથી સમ ખાવા પૂરતાં એકાદ બે અંગો ઢાંકેલી મૉડલના ચાહકો ઓછા નથી!’

‘તારું દિમાગ જોતાં મને આશ્ચર્ય છે કે તેં એમ કેમ ન પૂછ્યું કે સન્ની લિયોનીની ફિલ્મ ‘એક પહેલી લીલા’ જોયા પછી તો લીલાના પ્રેમી નથી બની ગયા ને?’

‘હું તમારી જેમ સનીની બધી ફિલ્મો જોતો નથીને?’

‘બસ હવે રહેવા દે... તને શું ખબર પડે કે લીલો રંગ માનસિક શાંતિ અને આત્માને કેવો આનંદ આપતો હોય છે. લીલો રંગ સકારાત્મકતા અને સર્જનાત્મકતાનું પ્રતીક છે.’

‘ન જોયા હોય તો લીલા રંગના મોટા ચાહક, બહુ લીલા-પ્રેમી હોય તો પોપટની જેમ લીલાં મરચાં જ ખાવાં, પછી જોજો કેવી શાંતિ અને સૂકુન મળે છે!’

શ્યામલાલને રંગ્યા વિના જ રામલાલ લીલા તોરણે પાછો ફરી ગયો!

(‘દિવ્ય ભાસ્કર’ની 13મી માર્ચ, 2017ના રોજ પ્રકાશિત હોળી-ધુળેટી વિશેષ પૂર્તિ ‘રંગબરસે’ માટે લખેલો હાસ્યલેખ-મૂળ પ્રત)

Friday, March 10, 2017

હમારા એક હી ‘નારા’, હમારા હી બેટા પ્યારા!

દિવ્યેશ વ્યાસ

(તસવીર સૌજન્ય : આઈ ન્યૂઝ)



‘દિવસો નઠારા જાય છે, એ જરૂર જશે પતન સુધી.... દિવસો નઠારા જાય છે....’ ફાંકેરામ ગીત લલકારતો લલકારતો ચતુરસેન પાસે આવી પહોંચ્યો.

‘અચ્છે દિનની વાતો કરી કરીને ફૂલીને ફાળકો થનારો આજે નઠારા દિવસોનું રોદણું કેમ રડવા લાગ્યો છે?’ ચતુરસેને શબ્દસળી ચાંપી.

‘મારા દિવસો તો જોરદાર જાય છે. કાલે લોકો હોળીની તૈયારી કરતા હશે ને બંદા તો રંગેચંગે દિવાળી મનાવતા હશે, મતબલ કે ફટાકડા ફોડતા હશે.’

‘કાલે કોઈના લગનમાં ફટાકડા ફોડવાનો કોન્ટ્રાક્ટ લીધો છે કે શું?’

‘ચતુરસેન, કાલે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનું રિઝલ્ટ નથી? પરિણામ તો શું આવવાનું છે, એ આખો દેશ જાણે છે.... અને તમે કેમ અજાણ્યા બનો છો? પરિણામ તો તમેય જાણતા જ હશો પણ તમારું મન નહીં માનતું હોય, નહીં?’

‘કાલનાં પરિણામ તો કાલે જ જાણવા મળશે. તું કેમ એગ્ઝિટ પોલવાળાઓની જેમ કૂદી રહ્યો છે? ખેર, દેશમાં તારી જેમ પૂરું જાણ્યા-સમજ્યા વિના કૂદનારા-કૂદી પડનારાઓની કોઈ કમી નથી. પણ તું કોના નઠારા દિવસોની વાત કરતો હતો, એ તો કહે...’

‘હું રાહુલ ગાંધીની વાત કરતો હતો. રાહુલબાબાની હાલત તો દિવસે દિવસે પતલી થતી જાય છે.’

‘રાહુલની ચિંતા કરનારાં તેમનાં માતુશ્રી, તેમનાં બહેનબા અને હમણાં હમણાં સોશિયલ મીડિયા પર સળવળાટ કરનારા જીજાજી પણ છે. તું રહેવા દે!’


‘હું એમની ચિંતા શા માટે કરું? હું તો માત્ર ચર્ચા કરું છું કે પહેલા આ મહાશયને એકલાને જ ‘યુવરાજ’નું બહુમાન મળતું હતું, પણ છેલ્લાં વર્ષોમાં એક પછી એક યુવરાજો ઉમેરાતાં જ જાય છે. મુલાયમસિંહના અખિલેશ, લાલુપ્રસાદના તેજપ્રતાપ અને તેજસ્વી, કરુણાનિધિના સ્ટાલિન અને અલાગિરી... અને હવે તેમાં નવો ઉમેરો થયો છે, ચંદ્રાબાબુ નાયડુના સુપુત્ર નારા લોકેશનો... નારા લોકેશ તો એવા ન્યૂઝ સાથે જ ચમક્યો છે કે માત્ર પાંચ મહિનામાં તેની સંપત્તિમાં 23 ગણો વધારો થઈ ગયો છે. નારા લોકેશ હવે ચંદ્રાબાબુના રાજકીય વારસદાર અને આંધ્રપ્રદેશના ભાવિ સીએમ તરીકે સ્થાપિત થઈ ગયો છે.’

‘ફાંકેરામ, તમે રાજનાથસિંહના દીકરા પંકજ સિંહ, વસુંધરા રાજેના દીકરા દુષ્યંતસિંહ, ગોપીનાથ મુંડેની દીકરી પંકજા મુંડે, પ્રકાશસિંહ બાદલના દીકરા સુખબીરસિંહ બાદલ, બાળાસાહેબના સુપુત્ર ઉદ્ધવ ઠાકરે અને ઉદ્ધવના દીકરા આદિત્ય..... વગેરે નામો કેમ ગુપચાવી જાવ છો?’

‘ગગ.. પપપ.. ગુપચાવ્યાં નહોતાં.. પણ એમ તો યાદી કેટલી લાંબી થાય?’

‘ટૂંકી યાદીમાં પણ સંતુલન જાળવી શકાય, કોઈને ટાર્ગેટ કરવાનું ટાળી શકાય, દોસ્ત...!’

‘સંતુલન જાળવવાનું હું તમારી પાસેથી શીખી લઈશ. પણ મને પ્રશ્ન એ થાય છે કે મુલાયમ સિંહનું ઉદાહરણ તાજું છે છતાં રાજકારણીઓ ધૃતરાષ્ટ્રગીરી કેમ છોડતાં જ નથી?’

‘સાચી વાત છે. જોકે, રાજકારણીઓ કંઈ શીખે-સમજે કે નહીં, લોકોએ તો સમજવું જોઈએ!’

‘લોકો તો સમજે ત્યારે સાચા, પણ તમે જોજો, રાહુલ ગાંધીની હવે કોઈ આ મુદ્દે પણ ચર્ચા નહીં કરે!’

‘રાહુલની ચર્ચા કરે કે ન કરે પણ વંશવારસના રાજકારણની ચર્ચા તો કરવી જ પડશે. બાકી તો હમારા એક હી ‘નારા’, હમારા હી બેટા પ્યારા... ચાલ્યા કરશે. સંતાનવાદ બાબતે કોઈક પક્ષે તો પાર્ટી વિથ ડિફરન્સ બનવું પડશે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 10મી માર્ચ, 20174ના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ - બિનસંપાદિત)