Friday, October 20, 2017

સંકલ્પ કરી લે તું બે-ચાર, વાયદાનો તું’ય કર વેપાર

દિવ્યેશ વ્યાસ


(આ ક્લિપાર્ટ ગૂગલ ઇમેજ પરથી મેળવ્યું છે.)


‘રામ રામ ચતુરસેન!’ રોકેટ-સ્ટાઇલે ફાંકેરામ આવી પહોંચ્યા.

‘રામ રામ ફાંકેરામ... રામ રામ!’ ચતુરસેન ઉત્સાહથી ફાંકેરામને ભેટી પડ્યા.

‘મારું તો નવું વર્ષ સુધરી ગયું... તમારા જેવા બૌદ્ધિકોના મોંમાં રામ નામ સાંભળીને હું ધન્ય થઈ ગયો.’ ફાંકેરામે ટેટો ફોડ્યો.

‘ફાંકેરામ, વર્ષ આખું બદલાઈ ગયું પણ તું જરાય ન બદલાયો! ખેર, કહ્યું જ છે તો સાંભળી લે, હું રામનો જરાય વિરોધી નથી, રામાયણનો ચાહક છું, પણ મારો વિરોધ રામના નામે જે રાજકારણીઓ ચરી ખાય છે, એની સામે છે. બાકી અમારા ગામડાંમાં તો અમે કદી નૂતન વર્ષાભિનંદન કે હેપી ન્યૂ યર બોલ્યા જ નથી. અમે તો બેસતા વરસે ગામમાં નાના-મોટા સૌને રામ રામ કરીને જ નવા વર્ષને વધાવતા હતા.’

‘જે હોય તે, મને તો બહુ ગમ્યું...’

‘તને ગમ્યું એટલે ગંગા નાહ્યા! તારી લાગણીનો વિચાર કરીને મેં સાલ મુબારક કહેવાનું ટાળ્યું. તારા જેવા ભક્તોને કેનેડાના વડાપ્રધાને દિવાલી મુબારક કહ્યું, એમાં પેટમાં દુખવા માંડ્યું હતું. તમે તો શબ્દોમાં પણ સંવેદના-લાગણીને બદલે ધર્મને શોધી લેતા હોવ છો. બહુ સાચવવું પડે, ભાઈ!’

‘એવો ડર લાગતો હોય તો નવા વર્ષે બૌદ્ધિક સુરક્ષા યાત્રાનું આયોજન કરો. જરૂર હોય તો મીણબત્તીઓ હું લાવી આપીશ...’ ફાંકેરામે શબ્દોનો સુતળી બૉમ્બ ફોડ્યો.

‘અમારે કોઈ યાત્રાઓ કાઢવી નથી, કારણ કે અમારે કોઈના મત જોઈતા નથી. હા, નવા વર્ષે થોડા સંકલ્પો લેવાનો વિચાર કરું છું.’

‘સંકલ્પો... એ તો મારે પણ લેવાના છે.’

‘તું તો દર વર્ષે સંકલ્પો લે જ છે ને? ચૂંટણીના વાયદાઓની જેમ તારે ક્યાં સંકલ્પો પાળવાના હોય છે, પછી લઈ લે ને બે-ચાર!’

‘કૉંગ્રેસ 60 વર્ષના શાસનમાં દેશમાં કાંઈ કરી શકી નથી તો હું કંઈ રાતોરાત થોડાં તીર મારી દેવાનો.’ ફાંકેરામ અડધી વાટે ફૂટ્યા.

‘અચ્છા તો તારો રોલમૉડલ કૉંગ્રેસ છે? તેં શું 60 વર્ષનો ડોસો થાય ત્યાં સુધી કશું ન કરવાનો સંકલ્પ લીધો છે?’

‘સવાલોનો રોકેટમારો બંધ કરો. આમાં કૉંગ્રેસની કોઈ વાત જ નથી.’

‘હું એ જ કહેવા માગું છું કે તારે સંકલ્પો લેવાના છે, તારે તેને પાળવાના છે, એમાં વચ્ચે કૉંગ્રેસ કે કોઈ પાર્ટીને શા માટે ઘુસાડે છે. તું સંકલ્પ લે અને પાળી બતાવ, બાકી નબળા અને નિષ્ફળ દાખલા તો હજારો મળશે. શાસકો જેવો લૂલા બચાવ ન કરીશ. પહેલો સંકલ્પ તો એ લઈ લે કે ભાષણો સાંભળીને તાનમાં નહીં આવી જવાનું!’

‘વાહ મારા બૌદ્ધિક! નવા વર્ષે તમે તો ભારે ડહાપણ ડહોળ્યું.’

‘ડહાપણ નહોતું ડહોળવું, માત્ર શુભેચ્છાઓ જ આપવી હતી, પણ તું છંછેડ્યા વિના રહેતો નથી.’

‘નવા વર્ષે એક પાક્કો સંકલ્પ લેવો છે, તમને છંછેડ્યા કરવા, જેથી ડાહી ડાહી વાતો સાંભળવા મળે.’

‘ડાહી વાતો કાજુકતરી જેવી મીઠી ન પણ હોય... લે કાજુકતરી ખા અને મોં મીઠું કર.’

(‘દિવ્ય ભાસ્કર’ના 20મી ઑક્ટોબર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)

Friday, October 6, 2017

અણ્ણા ફરી જાગ્યા, તીર કોને કોને વાગ્યા

દિવ્યેશ વ્યાસ

(અણ્ણાજીનું આ ઇલસ્ટ્રેશન www.manumartin.blogspot.in પરથી લીધું છે.)

‘ફાંકેરામ, બહુ દિવસે દેખાણો.... ક્યાં છે આજકાલ? કોઈ નવી નોકરી મળી ગઈ છે કે શું?’ ફાંકેરામ જેવો આવ્યો કે તરત ચતુરસેને સવાલોનો મારો ચલાવ્યો.

‘બહુ દિવસે આવ્યો છું તો સ્વાગત તો કરો. પુષ્પમાળા પહેરાવો, ન હોય તો છેવટે પુષ્પગુચ્છ આપી અભિવાદન કરો, એકાદું આવકાર ગીત ગાવ, મારા માટે સારા સારા વિશેષણો વાપરો, મારી સાચી-ખોટી પ્રશંસા કરો, મોંઘેરા મહેમાનની જરા મહેમાનગતિ કરો... આમ કોરા સવાલો કરશો તો બે મિનિટ પર ઊભા રહેવાનું મન નહીં થાય.’

‘સાહેબની જેમ તને પણ સવાલો ક્યાં ગમે છે! ખેર, તું આટલેથી અટકી ગયો એ સારું કર્યું બાકી તું તો ફૂડ પેકેટ પણ માગી શકે છે!’ ચતુરસેને સહેજ પણ વિલંબ વિના ટોણો મારી લીધો.

ગૂગલી બૉલ પર સિક્સર વાગતાં ફાંકેરામ હેબતાઈ ગયો. બે ક્ષણ હેંગ રહ્યા પછી બોલ્યો, ‘મેં ફૂડ પેકેટ માગ્યું? આજે તો હું ઘરે જ જમીને આવ્યો છું.’

પોતે શું બોલી ગયો, એનું ફાંકેરામને ભાન હતું કે નહીં ખબર નહીં, પરંતુ ચતુરસેન ખડખડાટ હસી પડ્યા.એટલે ગિન્નાઈને ફાંકેરામ બોલ્યો, ‘ગાંડાની જેમ હસો છો કેમ?’

માંડ માંડ હસવું રોકીને ચતુરસેન બોલ્યા, ‘તો શું તાળીઓનો ગડગડાટ કરું?’

‘હા, તાળીઓ પાડો તો જરા માહોલ બને!’ ફાંકેરામ જરા મૂડમાં આવ્યો.

‘ફાંકેરામ, હજુ તો ચૂંટણી જાહેર પણ નથી થઈ ત્યાં તારી આવી હાલત છે, આગળ જતાં તારું શું થશે?’

‘સારું જ થશે. લાગે છે કે આમ ને આમ ગુજરાત ભ્રમણ થઈ જશે. નોકરી-ધંધો નથી, છતાં રોજગારી મળી ગઈ છે. સરકારી એસટીમાં ફરવાનું અને ફૂડ પેકેટ ખાવાનું. સૂત્રો પોકારવાનાં અને તાળીઓ પાડવાની...  મારા
જેવા નવરા માટે તો બેઠા કરતાં ચૂંટણી સભાઓ ભલી.’

‘બે-ત્રણ મહિના તો આ બધું બખડજંતર ચાલશે, પણ પછી શું કરીશ? ફૂડ પેકેટ ખાવાની ટેવ પડી જશે તો ઘરનું ખાવાનું પછી નહીં ભાવે.’

‘ફૂડ પેકેટો ખાધા પછી તો ઉપવાસ જ કરવાના છે ને?’

‘કેમ ઉપવાસ?’

‘અણ્ણાસાહેબ ફરી લોકપાલનું આંદોલન ઉપાડે એવાં એંધાણ છે.’

‘હા, અણ્ણાજી આખરે ત્રણ વર્ષે જાગ્યા છે ખરા અને હવે જનલોકપાલ માટે આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે.’

‘અત્યાર સુધી કંઈ સૂતા નહોતા, એ કંઈ કુંભકર્ણ નથી!’

‘કુંભકર્ણ તો છ મહિને જાગી જતો હતો, આમને તો ત્રણ વર્ષ લાગ્યાં, બોલ હવે કંઈ કહેવું છે?’

‘ચતુરસેન, તમે અણ્ણા વિશે આવું આડુંઅવળું ન બોલો. અણ્ણાના આંદોલનને યોગેન્દ્ર યાદવના રાજકીય પક્ષ સ્વરાજનો પણ ટેકો મળ્યો છે.’

‘ફાંકેરામ, મને અણ્ણા પર માન છે, તેમની પ્રતિબદ્ધતા સામે કોઈ શંકા નથી, પણ તેમને ક્યારે વિકાસ દેખાઈ જાય અને ક્યારે ઘોટાલા દેખાય, એનું કંઈ ઠેકાણું હોતું નથી.’

‘આ વખતે તેઓ એવું આંદોલન કરશે કે લોકપાલ લાવવા જ પડશે.’

‘એવું તો હું પણ ઇચ્છું છું, પણ લોકાયુક્તનો કિસ્સો તારી જેમ ભૂલી નથી ગયો. છતાં પણ અણ્ણા ખરેખર કંઈ કરી શકશે તો તારા કરતાં પણ વધારે રાજી તો હું જ થઈશ.’

(‘દિવ્ય ભાસ્કર’ના 6 ઑક્ટોબર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)