Friday, November 25, 2016

‘નોટબંધીની વાત કરી તો તારી ખેર નથી!’

દિવ્યેશ વ્યાસ

 

(તસવીર www.qz.com પરથી લેવામાં આવી છે.)

ફાંકેરામ એની પ્રકૃતિ મુજબ ફૂટબૉલની જેમ કૂદતો કૂદતો આવી પહોંચ્યો. અલબત્ત, તેના કૂદકાઓમાં થાક વર્તાતો હતો. એ થાક શેનો હતો, એ ચતુરસેન સારી રીતે જાણતા હતા. આજકાલ મોટા ભાગના લોકોનાં બીજાં કોઈ કામો તો ચાલતાં નથી અને લોકો કયા એક જ  કામમાં તન-મન લગાડી રહ્યાં છે, એનો ચતુરસેનને સ્વાનુભવ હતો એટલે તેઓ એ બાબતે મૌન રહ્યા. ચતુરસેનનું મૌન રહેવાનું બીજું એક કારણ એ પણ હતું કે આ મુદ્દે તેઓ કોઈના બખાળા સાંભળવા માનસિક રીતે તૈયાર નહોતા.

ચતુરસેને સાવ સામાન્ય મુદ્દે વાત શરૂ કરી, ‘શિયાળો બેસી ગયો. હવે સાંજ પડ્યે ઠંડી લાગવા માંડી છે નહીં?’

‘ઠંડી? મને તો ધ્રુજારી આવે છે, ધ્રુજારી....!’ પોતાની વાતને અનુરૂપ હાવભાવ દર્શાવવાની કળા એ હમણાં હમણાં શીખી ગયો છે, એનો પુરાવો ફાંકેરામના અવાજની સાથે સાથે ધ્રૂજતાં તેના શરીર પરથી આવતો હતો.

‘ઓ ભાઈ, બહુ ધ્રુજારીઓ આવતી હોય તો ભુવો બની જા, પણ અહીં ગુસ્સો ઉતારવાનું રહેવા દે...’

‘હા, હવે તો ભુવા કે સાધુ-બાવા બની જશું તો જ સુખ અને શાંતિ બન્ને મળશે, એવું લાગે છે.’

‘સુખ-શાંતિની સાથે સમૃદ્ધિ પણ અને એ પણ કોઈ રંગ વિનાની!’ ચતુરસેનથી બોલતાં તો બોલાઈ ગયું પણ વળી બીક પેઠી કે ક્યાંક કાળાં-ધોળાં રૂપિયાના મામલે ફાંકેરામ બબાલ ન શરૂ કરી દે એટલે આગોતરું જ પૂર્ણવિરામસભર વાક્ય ઉચ્ચાર્યું, ‘ફાંકેરામ, બેન્કવૈરાગ્યમાંથી બહાર નીકળ, સૌ સારાં વાનાં થઈ જશે.’

‘સારાં વાનાં કે સારા દિવસોની તો વાત જ ન કરશો. મોંઘવારી મારતી હતી, હવે નોટબંધી પછી મંદી મારશે!’ ફાંકેરામને જાણે ચિંતાનો તાવ ચડ્યો.

‘ફાંકેરામ, બસ કર, બહુ થયું, નોટબંધીની વાત કરી તો તારી ખેર નથી! પંદરેક દિવસથી તો નોટની જ રામાયણ અને નોટની જ મહાભારત વગર સંજયદૃષ્ટિએ જોયા કરું છું. હવે તો કંટાળો આવે કે નહીં!’ ફાંકેરામની ધ્રુજારીનો ચેપ ચતુરસેનને પણ લાગ્યો.

‘નોટની રામાયણના રામ કે મહાભારતના શ્રીકૃષ્ણ દેખાય તો જરા અમને પણ બતાવજો!’

‘ફાંકેરામ, આ નોટોની રામાયણ અને મહાભારતનો કંટાળો જ એટલે આવે છે કે અહીં કાળાં નાણાં ધરાવતાં કૌરવો છે, વગર કારણે દંડાતા પાંડવો છે, શકુનીઓનો તો કોઈ તોટો નથી, અનેક સીતામાતાઓ બેન્કવનમાં જાણે બંધક બની છે, દુર્યોધનો મોટા મોટા વહીવટો કરે છે, લક્ષ્મણો બેન્ક બહાર ખાર ખાઈ રહ્યા છે, અક્ષૌહિણી સેના જાણે લાઈનો લગાવી બેઠી છે. અટ્ટહાસ્યો સંભળાય છે પણ રાવણને કોઈ જોઈ શકતું નથી, અર્જુનો વિષાદ કરે છે, પણ સારથિરૂપે સુપંથે દોરી જતાં શ્રીકૃષ્ણ કે સુશાસનના પર્યાય સમા શ્રીરામ ક્યાંય નજરે પડતાં નથી!’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પેજ પર 25 નવેમ્બર, 2016ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Friday, November 11, 2016

ચતુરસેન અને ફાંકેરામ વચ્ચે ચર્ચાની ચકમક

દિવ્યેશ વ્યાસ

 

( તસવીર  http://blogs.icemd.com પરથી લીધી છે.)

ચતુરસેન તેમના નામ પ્રમાણે ચતુર તો હતા જ પણ સાથે સાથે ચોવટાઈ કરવામાં પણ પાછા પડતા નહોતા. તેમની ચોવટ કરવાની વૃત્તિ એટલી તીવ્ર હતી કે તેમનો ચતુરાઈનો ગુણ મોટા ભાગના લોકોને ધ્યાને જ ન આવતો. ચતુરસેનનો એક ખાસ માણસ હતો. ચતુરસેન પોતે તેને ખાસ માણસ જ માનતા હતા, પરંતુ અન્ય લોકો તેને ચતુરસેનના ફોલ્ડર તરીકે ઓળખતા હતા. નવી પેઢી લોકો ક્યારેક તેના માટે સર્કિટનો કોડવર્ડ પણ વાપરતા હતા. એ ખાસ માણસ, એ ફોલ્ડર કે એ સર્કિટનું નામ હતું ફાંકેરામ.

અણ્ણા હજારેથી બહુ પ્રભાવિત એવા ફાંકેરામ પણ પોતાના ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઇડ ઉપરાંત ગોડફાધર સમાન ચતુરસેનની જેમ જ નામ પ્રમાણે ગુણ ધરાવતો હતો. ફાંકેરામ ફેંકવામાં અને ફાંકા-ફોજદારી કરવામાં કદી પાછો ન પડે. અણ્ણા હજારે પછી તે વિગત વર્ષોમાં નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થયો હતો. એટલું જ નહિ મોદીસાહેબનો ટ્વિટર પરના ફેક પ્રકારનો નહિ પણ સાચો ફૉલોઅર હતો. ફાંકેરામનું લોહી ગરમ હતું, અથવા તો કહી શકો કે તેના લોહીનું ઉત્કલનબિંદુ બહુ નીચું હતું. વાતે વાતે તેને ગુસ્સો આવી જશો.


ફાંકેરામ એવું માનતો કે તેનો ગુસ્સો જ તેની અસલી તાકાત છે. પોતાની રોષાગ્નિથી તે ભલભલાને ઢીલા પાડી શકે છે. ચતુરસેન તેને ઘણી વખત સમજાવતા કે ‘ફાંકેરામ, વ્યક્તિ માટે ગુસ્સો સારો નહીં. માણસ જ્યારે પિત્તો ગુમાવે છે ત્યારે તેની વિવેકબુદ્ધિ બહેર મારી જતી હોય છે. અને આપણી પાસે જે ઓછું હોય તેને સાચવી રાખવું જોઈએ! વળી, ગુસ્સામાં જ્યારે ડાબેરી થયા વિના જ રાતાચોળ થઈ જઈએ અને ઉશ્કેરાટ વધી જાય તો આડુંઅવળું પગલું ભરાઈ જતું હોય છે. તું જ્યાં ને ત્યાં વારંવાર ભેરવાઈ જાય છે, એના મૂળમાં તારો ગુસ્સો જ જવાબદાર છે.’

પણ, બચાવમાં ફાંકેરામનો એક જ જવાબ હોય, ‘સાહેબ તમને કેટલી વાર સમજાવું કે ક્યાંક ભરાઈ પડ્યો હોઉં અને બુદ્ધિ પણ ચાલતી ન હોય ત્યારે આ જ ગુસ્સાએ મને કેટલી વાર બચાવ્યો છે!’ ફાંકેરામને આનાથી વધારે સલાહ આપવા જતાં તેને ગુસ્સો આવી જશે, એવા ડરે ચતુરસેન ‘ન બોલ્યામાં નવ ગુણ’ કહેવત સ્મરી લેતા અને ક્યારેક મનોરંજન ખાતર ‘ભેંસ આગળ ભાગવત’નું સ્મરણ કરીને મનમાં ને મનમાં જરાક હસી લેતા!

ફાંકેરામની એક વિશેષતા એ હતી કે તેને નવા નવા અખતરા કરવા બહુ ગમતા.  અખતરામાં કેટલા ખતરા છે, એ જોવાનું એણે ચતુરસેન પર છોડેલું. ‘પ્રારંભે શૂરા’ એ જાણે તેનો જીવનમંત્ર હતો. ફાંકેરામને કોઈ આઇડિયા જોરદાર લાગે એટલે તે લાગી પડતો અને આજુબાજુવાળાની વાટ લગાડી દેતો અને તેની પહેલી અને સીધી અસર ચતુરસેન પર પડતી.

ચતુરસેન અને ફાંકેરામ વચ્ચે ચર્ચાની ચકમક ઝર્યા કરતી, જેમાં ચતુરસેનને ક્યારેક ‘ડિબેટિંગ ઇન્ડિયા’ના દર્શન થતાં તો ક્યારેક ‘આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન’ હોવાનો વહેમ સંતોષાતો. ચતુરસેન અને ફાંકેરામ વચ્ચેની ચર્ચાની ચકમકના તણખાં તમારા સુધી દર પખવાડિયે પહોંચતાં રહેશે, સાબદા રહેજો!

(‘દિવ્ય ભાસ્કર’ના 11મી નવેમ્બર, 2016ના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ-બિનસંપાદિત. )