Friday, April 21, 2017

અડવાણીની આજકાલ : હમારી અધૂરી કહાની!

દિવ્યેશ વ્યાસ


(કાર્ટૂન આઉટલુક ઇન્ડિયાની વેબસાઈટ પરથી લીધેલું છે.)

ફાંકેરામ બાઉન્સર બૉલની જેમ ધસી આવ્યો. ચતુરસેનના હોંશકોંશની વિકેટ ખેરવવાના ઈરાદે કોમેન્ટ્રી શરૂ કરી, ‘ઔર એક બાર ફિર અડવાણી અપની મંજિલ પાને મેં નાકામ દિખ રહે હૈ!’

ચતુરસેને શાણા ખેલાડીની જેમ બાઉન્સર બૉલને ઇગ્નોર કરવાની સ્ટાઇલમાં કહ્યું, ‘કંઈક નવા સમાચાર હોય તો આપ...’

અમ્પાયરની આડોડાઈ પર ખિજાઈ જતાં ખેલાડીની જેમ ફાંકેરામ ચતુરસેન પર અકળાઈ ઊઠ્યો, ‘તમે જાણો છો કે હું ઇતિહાસનાં પુસ્તકો વાંચવાનો શોખીન નથી, આપણે તો છાપું કહે તે સાચું.... ન્યૂઝ ચેનલ બતાડે એ પાક્કું!’

વાઇડ બૉલનો ઈશારો કરતા અમ્પાયર જેવા હાવભાવ સાથે ચતુરસેન બોલ્યા, ‘તારા જેવા ઇતિહાસ સરખો વાંચતાં નથી અને પછી સંસ્કૃતિ કે વારસાના નામે કૂદાકૂદ કરતા હોય છે. ઇતિહાસને વાંચો નહીં, સમજો નહીં અને પછી ધોકા લઈને નીકળી પડો... આમાં દેશનો વિકાસ ક્યાં થાય?’

આગળના બૉલ પર છગ્ગો પડ્યા પછી બૉલર જે કચકચાવીને દડો ફેંકે એમ ફાંકેરામે રોકડું પરખાવ્યું,
‘દેશનો વિકાસ તો થઈ ને જ રહેશે. અર્થશાસ્ત્રીઓ અને અંકશાસ્ત્રીઓ ગમે તે કહે દેશની પ્રગતિને હવે કોઈ રોકી શકવાનું નથી.’

સ્પિનરની જેમ મુદ્દાને ટર્ન આપીને ચતુરસેને કહ્યું, ‘વિકાસની વાત તારી સાથે કરવાનો કોઈ અર્થ નથી. તું અડવાણીનું શું કહેતો હતો?’

ફુલટોસ બૉલ મળતાં તેના પર પ્રહાર કરતાં બેટ્સમેનની ત્વરાથી ફાંકેરામ કહે, ‘અરે તમે જાણતા નથી?  સુપ્રીમ કોર્ટે બાબરી ધ્વંસ મામલે અડવાણી સામે કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. લાલજીનું હવે રાષ્ટ્રપતિ બનવાનું સપનું પણ રોળાઈ શકે છે.’

‘જો ફાંકેરામ, યે તો હોના હી થા! પીએમ ઇન વેઇટિંગ જ રહી ગયા પછી પણ અડવાણી જો ખરેખર ખુદને પ્રેસિડેન્ટ ઇન વેઇટિંગ માનતા હોય તો એ એમનો પ્રશ્ન છે.’

‘અાટલી દીર્ઘ રાજકીય યાત્રા પછી કોઈ પણને ઊંચા પદની અપેક્ષા તો રહે જ ને!’

‘અપેક્ષાઓ-મહત્ત્વાકાંક્ષાઓ તો ઠીક છે, પણ સમયનો તકાદો તો સમજવો જોઈએ કે નહીં?’

‘અડવાણીને એમ હશે કે મને-કમને પણ વડાપ્રધાન પદની લાલસા જતી કરી એટલે કદાચ રાષ્ટ્રપતિ બનવા મળી શકે છે.’

‘ફાંકેરામ, બસ આ ‘મને-કમને’ જ તેમને નડી ગયું છે. અડવાણીએ સમજી લેવું જોઈએ કે હવે તેમણે ‘અચ્છે દિન’ની આશાઓ છોડી દેવી જોઈએ. સાચું કહું તો તેમણે હવે રાજકારણ છોડીને રામધુન જ ગાવી જોઈએ!’

‘અડવાણીના દિલમાં ક્યારે રામ વસે અને રામધુન ગાવા માંડે એ તો હું જાણતો નથી, પણ અત્યારે તો તેઓ કદાચ ‘હમારી અધૂરી કહાની...’ કે પછી જૂનું અને જાણીતું દિલ કે અરમાન આંસુઓં મેં બહ ગયે...’ એવું કોઈ ગીત ગણગણતા હશે.’

(‘દિવ્ય ભાસ્કર’ના 21મી એપ્રિલના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ)

Friday, April 7, 2017

ભક્તે ભગવાન બદલી નાખ્યા કે શું?

દિવ્યેશ ‌‌વ્યાસ


(ઇલસ્ટ્રેશન ધ ક્વિન્ટ.કોમમાંથી લીધું છે.)

‘યોગીજી તારો.... યોગીજી તારો.... યોગીજી તારો સંન્યાસ વખાણું કે પછી તારું શાસન વખાણું....’ અઠંગ ભજનિકની અદાથી આ એક જ પંકિત ગાતાં ગાતાં ફાંકેરામ આવી પહોંચ્યો. તેના ચહેરા પર જાણે કેસૂડાનાં હજારો ફૂલો ખીલી ઊઠ્યા હતા. ફાંકેરામની ખુશી તેના વ્યક્તિત્વની બહાર જાણે છલકાઈ રહી હતી. એક ભક્તને શોભે એવા ભોળા ભાવ અને માસૂમ પ્રસન્નતા તેના ચહેરા પરથી જાણે ટપકી રહ્યા હતા.

‘શું વાત છે! ભક્તે પોતાના ભગવાન બદલી નાખ્યા કે શું?’ ચતુરસેને તરત સવાલ કર્યો.

‘એક ભજન જરા બદલાવ્યું, એમાં ભગવાન બદલી નાખવાની વાત ક્યાં આવી? પાણીમાંથી પોરા કાઢવાનું તો કોઈ બૌદ્ધિકો પાસેથી શીખે.’

‘હા, અમારા બૌદ્ધિકો પાસેથી તો ઘણું શીખવાનું છે, પણ ઓછી બુદ્ધિના લોકોએ પહેલાં સ્વીકારવું તો જોઈએ કે આ બુદ્ધિશાળી લોકો છે, શાણા લોકો છે, એમની વાત કાને ધરવી જોઈએ અને દિમાગે કસવી જોઈએ. પણ અક્કલ ઓછી ને અહંકાર (જેને ‘ગૌરવ’ જેવું લોભામણું નામ પણ મળેલું છે) ઝાઝો હોય ત્યાં બૌદ્ધિકોને તો કોણ પૂછે?’

‘બૌદ્ધિકોને તો અમારે પૂછવું’ય નથી, એટલે એની તો વાત જ જવા દો. પણ તમને એવું કેમ લાગ્યું કે અમે ભગવાન બદલી નાખ્યા?’

‘પહેલાં તું મને બૌદ્ધિક ગણાવે છે, પછી કહે છે કે બૌદ્ધિકોને અમારે પૂછવું નથી અને વળી પાછો મને જ પ્રશ્ન પૂછે છે. હું બૌદ્ધિક છું કે નહીં ખબર નથી, પણ તું અક્કલમઠ્ઠો હોવાનું કેમ પુરવાર કરી રહ્યો છે?’

 ‘એવા રે અમે એવા રે તમે અક્કમઠ્ઠા કહો તો એવા રે! બસ સંતોષ થયો? હવે તો પૂછેલા પ્રશ્નનો જવાબ આપો.’

‘ફાંકેરામ, તું તો મોદીનો ભક્ત હતો, હવે યોગીનો ભક્ત થઈ ગયો હોય એવું લાગે છે.’

‘કોઈ રાજનેતા પ્રત્યેની ચાહનાને તમારે ભક્તિ ગણવી હોય તો ગણો, મને કોઈ ફરક નથી પડતો રહી વાત મોદી કે યોગીની, તો યોગીજી નવા નવા સત્તા પર આવ્યા છે અને તમે તો જાણો જ છો કે જેની જાન હોય એનાં જ ગાણાં ગવાય!’

‘હે ભગવાન! આ દેશને ફાંકેરામ જેવા ચિયરલીડર્સથી બચાવી લેજો!!’

‘ચાહક કહો કે ચિયરલીડર્સ, પણ તમારે અને તમારી બુદ્ધિએ એટલું તો સ્વીકારવું જ પડશે કે યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી બનીને સપાટો બોલાવ્યો છે. ધડાધડ નિર્ણયો કરીને ઉત્તર પ્રદેશના શાસનને
ધમધમતું કરી દીધું છે.’

‘તારે મન શાસન એટલે કડક ચા જેવાં ‘કિક’ આપતાં ભાષણો, કડક નિયમો, આડેધડ પ્રતિબંધો અને ઉપરથી પ્રચારમારાનો વઘાર... આટલું જ હશે ને?’

‘આમાં ખેડૂતોની લોનમાફીને કેમ ગુપચાવી દો છો, એ શું સારો નિર્ણય નથી?’

‘લોનમાફી કરીને ગરીબ ખેડૂતને રાહત જરૂર પહોંચાડાશે, પરંતુ તેને કારણે કંઈ ખેડૂતોના અચ્છે દિન આવી જવાના નથી. ખેડૂતો માટે લાંબા ગાળાની નીતિ અને ભ્રષ્ટાચારમુક્ત અમલીકરણ જરૂરી છે.’

‘એ પણ થશે. થોડી રાહ જુઓ, યોગી આદિત્યનાથને સત્તા પર બેસીને થોડાં શ્વાસ તો લેવા દો!’

‘મને અત્યારે એક ટિખળ સૂઝી રહી છે, આ યોગી તો હનિમૂન પિરિયડમાં નહીં જ માનતા હોય ને!’

‘યોગી કર્મનિષ્ઠ નેતા છે. તમને રમૂજો સૂઝે છે, પણ તેઓ શ્રેષ્ઠ મુખ્યમંત્રી પુરવાર થશે.’

‘ઓકે, વાત શ્રેષ્ઠ મુખ્યમંત્રી સુધીની હશે ત્યાં સુધી વાંધો નથી, ભાવિ વડાપ્રધાન બનવાનાં ખ્વાબ જોશે, એ દિવસથી પડતી પાક્કી!’

(‘દિવ્ય ભાસ્કર’ના 7મી એપ્રિલ, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કટાર-બિનસંપાદિત)