Thursday, December 22, 2016

માનહાનિ માટે મારે માંડવો કયો આંકડો

દિવ્યેશ વ્યાસ



ફાંકેરામનો ચહેરો ગુસ્સાથી રાતોચોળ હતો. આટલો ગુસ્સો તો અઢી કલાક બેન્કની લાઇનમાં ઊભા રહ્યા પછી પણ કેશ ન મળ્યા હોવા છતાં તેણે ક્યારેય કર્યો નહોતો. ફાંકેરામે લાવા જેવા શબ્દો ઉછાળ્યા, ‘આ રાહુલ ગાંધીની હિંમત તો જુઓ, મોદીસાહેબ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે.’

‘રાહુલનું મોં ખૂલતાં ક્યાં અને કોના પગ તળે ધરતીકંપ આવ્યો, એ તો આપણે જાણતા નથી, પણ તારું દિમાગ જરૂર ધ્રૂજી ઊઠ્યું હોય એમ લાગે છે.... ફાંકેરામ, જરા ટાઢો પડ. રાજકારણમાં તો આવા આક્ષેપો બહુ સામાન્ય છે.’

‘પણ આક્ષેપો કોની સામે કરાય, એનો તો વિચાર કરવો જોઈએ ને? મોદીસાહેબ તો ગંગા જેવા પવિત્ર છે!’

‘રવિશંકર પ્રસાદનો ડાયલોગ સાંભળી લીધો લાગે છે... પણ આ ડાયલોગ સાંભળીને મને એક મજાક સૂઝેલી: પ્રસાદજી ભૂલી ગયા કે તેમની પ્યારી સરકાર ‘ગંગા’ની સ્વચ્છતા માટે કરોડોનો પ્રોજેક્ટ ચલાવી રહી છે!’


‘મારા પ્રિય નેતાની માનહાનિના મુદ્દે મારું લોહી ઉકળી ઊઠ્યું છે અને તમને મજાક સૂઝે છે?’

‘સોરી ફાંકેરામ, મારી મજાકને તું દેશદ્રોહમાં ન ખપાવી દેતો! હવે મજાક નહીં કરું. બોલ તું શું કહેવા માગે છે?’

‘મને રાહુલ ગાંધી પર સખત દાઝ ચડી છે અને તેમના પર માનહાનિનો દાવો કરીને કોર્ટમાં ઘસડી જવાનું મન થાય છે.’

‘ફાંકેરામ, મને કાયદાની બહુ ખબર નથી પણ જેને પોતાનું અપમાન થયાનું કે ખોટા આક્ષેપ થયાનું લાગે, એ જ માનહાનિનો દાવો કરી શકે એવી મારી માન્યતા છે.’

‘માન્યતાને મારો ગોળી, મારે રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો કરવો જ છે, માત્ર એક કન્ફ્યુઝન છે.’

‘મેં તો વાંચ્યું છે કે કન્ફ્યુઝનમાં તો બૌદ્ધિકો રહે બાકી મૂરખ લોકો તો ફુલ કોન્ફિડન્સમાં જ રહેતા હોય છે. તું પણ બૌદ્ધિક બની ગયો કે શું?’

‘પાછી મજાક શરૂ કરી? કન્ફ્યુઝન દૂર કરોને!’

‘બોલ શું કન્ફ્યુઝન છે?’

‘માનહાનિનો દાવો કેટલાનો કરવો? સાહેબનું માન તો અમૂલ્ય છે ત્યારે મારે આંકડો કયો માંડવો?’
’15 લાખ તો કૉમનમેનનો આંકડો થયો. વળી, આક્ષેપ જ 65 કરોડનો છે ત્યારે તારે આંકડો તો કરોડોનો જ પસંદ કરવો પડે. કાં તો સાહેબની પ્રસિદ્ધિ પાછળ ખર્યાયેલા 1100 કરોડનો આંકડો રાખ કે પછી સાહેબની વિદેશયાત્રામાં થયેલા ખર્ચનો આંકડો મેળવીને એ આંકડો પસંદ કર. બહુ દૂર ન જવું હોય તો વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમઓયુના આંકડા પર પસંદગી ઉતાર કે પછી ભાજપના પાર્ટીફંડના ફાઇનલ ફિગરને ધ્યાનમાં રાખીને આંકડો નક્કી કર. ઓપ્શન્સ ઘણા છે!’

‘આટલા બધા ઓપ્શન્સ આપીને તો તમે મને વધારે કન્ફ્યુઝ કરી દીધો.’

‘કન્ફ્યુઝ કરવાનો આક્ષેપ મારા પર નહીં લગાવવાનો, હું કંઈ આરબીઆઈ નથી!’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીપેજ પર 23મી ડિસેમ્બર, 2016ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Friday, December 9, 2016

લાઇનલેસ ઇન્ડિયાનાં લપસણાં સપનાંઓ

દિવ્યેશ વ્યાસ


(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધી છે.)


‘એશ કરો કે ટેસ કરો, દેશ બનશે કેશલેસ રે,
છાશ પીવો કે વાઇન, દેશ બનશે લાઇનલેસ રે...’
બેન્કની બહાર લાઇનમાં ઊભેલા ફાંકેરામે 10 નંબરી ટોકનને પંપાળતાં પંપાળતાં તાજો શેર ફટકાર્યો.

‘આવો વાહિયાત શેર તો તારો જ હશે ને?’

‘ચતુરસેન, આ શેરને વાહિયાત ન કહેતા પ્લીઝ! ફેસબુક પર ભલભલા સાહિત્યકારોએ લાઇક્સ અને કૉમેન્ટ્સ આપીને વધાવ્યો છે. કોઈએ છંદ-બંદનોય વાંધો પાડ્યો નથી.

‘છંદની છોડ, નોટબંધીના એક મહિના પછી પણ આપણે બેન્કની બહાર લાઇનમાં ઊભા છીએ તોય તું લાઇનલેસ બનવાની વાત કઈ રીતે કરી શકે? લાઇનમાં ઊભા રહેવાનોય વાંધો નથી પણ કેશ મળવાની કોઈ ખાતરી ખરી?’

‘નેગેટિવ નહીં બનવાનું! કેશ જરૂર મળશે.’

‘પોઝિટિવિટીના પુજારી, કેશ મળવાની ખાતરી હોય તો લગાવ શરત, જો કેશ મળે તો હું તને તારું ફેવરિટ પીણું ચા પીવડાવીશ, નહિ તો તારે ઉધાર રાખતા કેશકર્તન સેન્ટરમાં તારા કેશ મુંડાવી નાખવાના.’

‘આવી કોઈ શરત માટેનો કોન્ફિડન્સ તો અરુણભાઈ કે ઉર્જિતભાઈ પણ નહીં ધરાવતા હોય ત્યારે મારું શું ગજું? પણ એટલી ખાતરી જરૂર આપું કે દેશમાં અત્યારે જોવા મળતી લાઇનો ઇતિહાસની છેલ્લી લાઇનો છે, હવે પછી દેશમાં કોઈ લાઇનો નહીં લાગે. માનનીય વડાપ્રધાને કહ્યું એટલે ફાઇનલ!’

‘લાઇનલેસ ઇન્ડિયા... વાહ, ક્યાં આઇડિયા હૈ!’ ચતુરસેન અહોભાવ દર્શાવતા હાવભાવ સાથે મૂછમાં હસ્યા.

‘લાઇનલેસ ઇન્ડિયા... ચતુરસેન મને હવે જાતભાતનાં સપનાં આવે છે. દેશ તો હવે ડિજિટલ થઈ જશે, એટલે રાશનની દુકાને પણ લાઇનમાં ઊભા રહેવું નહીં પડે, તમારા સ્માર્ટફોનમાં મેસેજ આવી જશે કે તમારે કઈ તારીખે કેટલા વાગ્યે રાશન લેવા આવવાનું છે.’

‘તને તો એવા સપનાં પણ આવવા જોઈએ કે લગ્નના ભોજન સમારંભોમાં હવે ન તો ભોજન માટે લાઇનમાં ઊભા રહેવું પડશે, ન ચાંદલો લખાવવા. ચાંદલાની રકમ કંકોતરીમાં છપાયેલા એકાઉન્ટ નંબરમાં એડવાન્સમાં જ જમા કરાવી દેવાની અને દર્શનાભિલાસીઓ તમને જણાવી દેશે કે તમને કેટલા વાગ્યે ભોજનની ડિશ મળી જવાની છે.’

‘જોકે, અફસોસ એ વાતનો છે કે હવે કોઈ સુપરસ્ટાર એવો ફાંકો નહીં રાખી શકે કે પ્રોડ્યુસરો તેના ઘરની બહાર લાઇનો લગાવે છે.... વળી, મજા એ વાતની આવશે કે કોઈ પત્ની પણ પતિને એવું મહેણું નહીં મારી શકે કે પાડ માનો મેં તમને પસંદ કર્યા, બાકી મને પરણવા ઉત્સુક છોકરાઓની લાંબી લાઇનો હતી!’
‘મતદાન કરવા માટે પણ લાઇનો નહીં લગાવવી પડે?’

‘રાહુલબાબાના યોગદાનથી દેશ કૉંગ્રેસમુક્ત થઈ જવાનો અને દેશપ્રેમની આગમાં દેશ એટલો સમરસ થઈ જશે કે પછી મતદાન કરવાની જરૂર જ ક્યાં રહેવાની?!’

(‘દિવ્ય ભાસ્કર’ના 9મી ડિસેમ્બર, 2016ના અંકમાં તંત્રી પેજ પર પ્રકાશિત કૉલમ-બિનસંપાદિત)