Friday, November 3, 2017

વિચારોનો અગ્નિપથ વિ. શ્રદ્ધાનો ભક્તિપથ

દિવ્યેશ વ્યાસ



‘ફાંકેરામ, કોઈ સારો ડોગ ટ્રેનર તારા ધ્યાનમાં છે?’

‘આજકાલ તો ડોન ટ્રેનરની ડિમાન્ડ વધી છે, ત્યારે તમને ડોગ ટ્રેનરની જરૂર કેમ પડી?’ ફાંકેરામે પોતાની જૂની આદત મુજબ સવાલની સામે જવાબ આપવાને બદલે નવો સવાલ પૂછી લીધો.

ચતુરસેને સામો સવાલ પૂછીને બદલો લીધો, ‘ડોન ટ્રેનર? એ વળી કોણ? એમનું શું કામ?’

‘ચૂંટણી આવી રહી છે ને!’

‘આમાં તું ચૂંટણી ક્યાંથી લઈ આવ્યો?’

‘મારી વાત તો પૂરી સાંભળો... જુઓ, ચૂંટણીમાં ડોનલોગની ડિમાંડ તો વધી જ જતી હોય છે, એ તો તમે જાણો છો અને વળી, છેલ્લાં દાયકાઓથી નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે ડોનબંધુઓ હવે બીજા માટે મહેનત કરવાને બદલે પોતે જ રાજકારણમાં સ્થાન ઊભું કરવા મથતા હોય છે. ભાઈલોગમાંથી રાતોરાત ભલા  માણસની છાપ ઊભી કરવા માટે જાહેરમાં કઈ રીતે વર્તવું, કેવી રીતે ભાષણ કરવા, કેવાં વસ્ત્રો ધારણ કરવાં વગેરેની તાલીમ માટે ડોન ટ્રેનરની જરૂર ઊભી થતી હોય છે.’

‘મેં તો ડોન ટ્રેનર વિશે ક્યાંય સાંભળ્યું નથી. ઠીક છે, જવા દે એ વાત. તું કોઈ સારો ડોગ ટ્રેનર શોધી આપને.’

‘તમે ક્યાં કોઈ કૂતરો પાળ્યો છે? તમારે ડોગ ટ્રેનરની શું જરૂર?’

‘અમારી ગલીના કૂતરા રાજા અને ચાંદની કૂતરીને તાલીમ અપાવવી છે.’

‘શેની તાલીમ?’

‘સ્માર્ટ ફોન ચલાવવાની અને સોશિયલ મીડિયામાં સક્રિય રહેવાની! રાજા અને ચાંદનીને ટ્વિટર, ફેસબુક તથા વૉટ્સએપ કોઈ શીખવાડી દે એટલે ભયોભયો..’

‘ઓહો.... ચતુરસેન હવે રાહુલ ગાંધીને રસ્તે વળવા માગે છે કે શું? તમને સેક્યુલરોને તો રાહુલ જ વહાલો છે ને!’

‘આમાં વહાલા દવલાની વાત નથી. હું તો ચેક કરવા માગું છું કે રાહુલ કહે છે કે મારા વતી મારો ડોગ પીડી ટ્વિટ કરે છે, એ વાતમાં કેટલું તથ્ય છે? કોઈ કહે અને હું માની લઉં નહીં.’

‘વાહ બૌદ્ધિક વાહ... રાહુલની જેમ તમેય કૂતરા પાસે સોશિયલ મીડિયા ચલાવડાવજો અને આઇકીડો શીખીને બ્લેક બેલ્ટ મેળવી લેજો!’

‘અલ્યા હું તો રાહુલના દાવાની ખરાઈ કરવાની વાત કહું છું અને તું તો આક્ષેપો કરવા માંડ્યો કે હું એમનો ફેન હોઉં.’

‘સોરી સોરી, તમને બૌદ્ધિકોને તો કોઈના ફેન હોવાનું સ્વીકારતા શરમ આવે, નહીં?’

‘મુદ્દો શરમનો નથી, સમજનો છે. લોકશાહીમાં નાગરિકને કોઈના ફેન બનવું પોષાય નહીં. નેતા માટે માન હોય પણ શ્રદ્ધાભાવ જાગે ત્યારે તટસ્થતાપૂર્વક વિચારવાની ક્ષમતા ક્ષીણ થઈ જાય અને આ જોખમી બાબત છે.’

‘તમે ગમે તે કહો, હું તો અણ્ણાજી અને મોદીસાહેબનો ફેન છું છું અને છું જ!’

‘ભલે રહ્યો... મને વાંધો નથી. અમને અમારી વિચારશક્તિના અગ્નિપથ પર શાંતિથી ચાલવા દે તને તારો ભક્તિપથ મુબારક!’

(‘દિવ્ય ભાસ્કર’ના 03 નવેમ્બર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ ‘ગાંડી કુકરીનું  ડહાપણ’)