Friday, January 20, 2017

તિવારીની ગુલાંટ : વારસ કરાવે ફારસ!

દિવ્યેશ વ્યાસ


(કાર્ટૂન સૌજન્ય : સંતાબંતા.કોમ)


‘શિયાળો બરાબરનો જામ્યો છે... ભલભલાના હાડ થિજાવી દે એવી ઠંડી પડી રહી છે. ઠંડી ઉડાડવી કઈ રીતે?’ બુઢીયાટોપીધારી ચતુરસેનના ગળામાંથી આવતો અવાજ પણ વચ્ચે વચ્ચે થીજી જતો હતો.

‘તમને ગામ આખાની ઠંડી લાગતી હશે... ટાઢ તો છે પણ એટલી બધી નહીં! આજકાલ રાજકારણની ગરમાગરમ ખબરો-ગોસિપો વાંચવા કે જોવાનું બંધ કર્યું છે કે શું?’ ઠંડીને કારણે ફાંકેરામના હાથ-પગ ધ્રૂજી રહ્યા હતા, છતાં વિરોધ પક્ષની જેમ તેણે ચતુરસેનની વાતનો ધરાર વિરોધ નોંધાવ્યો.

‘ફાંકેરામ, નથી તને ભાજપે ટિકિટ આપી દીધી કે નથી હું નવજોતસિંહ સિદ્ધુની જેમ કૉંગ્રેસમાં જોડાયો, તોપણ વગર કારણે મારો વિરોધ કરવાનો શું મતલબ? બોલ!’

‘એમ તો હું પણ કહી શકું કે શિયાળો હોય એટલે ઠંડી પડે જ, એમાં આટલો હાયહોબાળો કરવાનો શું મતલબ? ખેર, ઠંડીની વાત છોડોને થોડી રાજકારણની ગરમાગરમ વાતો કરો. તમે કૉંગ્રેસમાં 'ઘરવાપસી' કરનારા સિદ્ધુને યાદ કર્યો પણ બુઢ્ઢા થયા છતાં ગુલાંટ મારવાનું ન ભૂલેલા પેલા તિવારીસાહેબને કેમ ભૂલી ગયા?’

‘વિકાસપુરુષની છબીમાંથી ધીમે ધીમે વિલાસીપુરુષ તરીકેની ઇમેજ સર્જનારા નારાયણ દત્ત તિવારીની વાત કરો છોને? એમને તો કોણ ભૂલી શકે!’ ચતુરસેને પોતાનું જ્ઞાન ઠાલવ્યું.

‘હા, તિવારી જેણે રાજભવનમાં પણ કામાંધતાની બીમારીને છોડી નહોતી!’

‘89 વર્ષે ફરી વરઘોડો કાઢનારા એન.ડી. તિવારીએ કામાંધતાને છોડી પણ આખરે કૉંગ્રેસને જરૂર છોડી દીધી.’

‘આ તો વારસ કરાવે ફારસ! મારું તો માનવું છે કે તિવારી 'ડીએનએપ્રૂફ' પુત્રના પ્રેમને કારણે ભાજપસીધાવ્યા લાગે છે.’

‘મને હસવું વાતે આવે છે કે એક તરફ મોદીજી કહે છે કે સગાંવહાલાં માટે ટિકિટ માગવી નહીં અને અહીં તો દીકરાને ટિકિટ અપાવવા માટે તિવારી ભાજપના ખોળે બેઠા છે.’

‘ચતુરસેન, આનું નામ રાજકારણ! બ્રાહ્મણ મતો માટે કૉંગ્રેસ છેક દિલ્હીથી શીલા દીક્ષિત લઈ આવે તો ભાજપ યુપીના ત્રણ ત્રણ વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા તિવારીને શા માટે મેદાનમાં ઉતારે?’

‘તિવારી મત અપાવશે કે કપાવશે, હું જાણતો નથી, પણ હા, નાક જરૂર કપાવી શકે છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પેજ પર 20મી જાન્યુઆરી, 2017ના રોજ પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ)

Friday, January 6, 2017

ફાધર હોય કે ગોડફાધર, શિષ્યો-સંતાનો કરે ફાયર

દિવ્યેશ વ્યાસ





‘કળિયુગ... ઘોર કળિયુગ....’ આ શબ્દો બોલતાં ફાંકેરામના હાવભાવ એવા હતા જાણે તેનામાં ‘ઓ..મા.... માતાજી....!’ પોકારતાં દયાભાભી પ્રવેશી ગયાં હોય!

‘ઉદ્્ગારો અને એક્ટિંગમાં તું ઉસ્તાદ છે, એનું પ્રદર્શન વારંવાર કરવાનું રહેવા દે. મુદ્દાની વાત કર, કેશલેસના જમાનામાં તને કળિયુગ ક્યાં ભટકાઈ ગ્યો?’ ચતુરસેને વિલંબિત ઉદ્્ગારો અટકાવીને સ્પષ્ટતા માગી.

‘કળિયુગ તો ક્યાં ક્યાં નથી ભટકાતો, ક્યાં ક્યાં નથી પડઘાતો!’ ફાંકેરામે પ્રાસ-અનુપ્રાસપ્રેમી કથાકારની અદાથી ઉત્તર વાળ્યો.

‘તું આજે કોઈ મુદ્દે ચર્ચા કરવા આવ્યો છે કે પછી તારી એક્ટિંગનો રિયાઝ કરવા? મુદ્દાની વાત કર બાકી તને
 ‘હજારની નોટ’ બનાવી દેતાં વાર નહીં લાગે!’ ચતુરસેને અઘરી ચીમકી આપી.

‘હજારની નોટ તો બને મારા અને મારા દેશના દુશ્મનો! હા, આજકાલ વૃદ્ધ-વરિષ્ઠ નેતાઓની હાલત હજારની નોટ જેવી જરૂર થઈ ગઈ છે.’

‘હા, સાચી વાત છે. જે અમેરિકાના યુવા નેતાઓનાં ઉદાહરણો આપી આપીને આપણે આપણા બુઢ્ઢા નેતાઓને કોસતા હતા, એ જ અમેરિકાએ ઇતિહાસનો સૌથી વૃદ્ધ રાષ્ટ્રપ્રમુખ ચૂંટ્યો છે, પરંતુ આપણે ત્યાં વૃદ્ધ નેતાઓની વેલ્યૂ સતત ડાઉન થતી જાય છે. અડવાણી-જોષી પછી આ યાદીમાં આજકાલ નવું નામ ઉમેરાવા જઈ રહ્યું છે, મુલાયમસિંહ યાદવ!’

‘મુલાયમ તો એ જ લાગના છે! હું કળિયુગની વાત કરતો હતો, એ તેમના સંદર્ભે જ કહેતો હતો. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, એવી કહેવતને મુલાયમે પોતાના નામની જેમ જ ખોટી પાડીને કઠોરતાપૂર્વક દીકરા ટીપુ ઉર્ફે અખિલેશને સમાજવાદી પાર્ટીમાંથી હાંકી કાઢ્યો હતો.’

‘હાંકી કાઢ્યો હતો, પરંતુ પછી પાછો પણ લઈ લીધો ને!’

‘એ તો લેવો જ પડે ને? ટીપુએ હવે ટીપુ મટીને સમાજવાદી પક્ષમાં સાગર જેટલો વ્યાપ વિસ્તારી દીધો છે. અખિલેશ હવે સમાજવાદી પક્ષનો ચહેરો બની ગયો છે.’

‘તારો આ જ પ્રોબ્લેમ છે, ચહેરા-મોહરાની માયા જ નથી છૂટતી. લોકપ્રિયતાની આડમાં નાખો સિનિયરોને ભાડમાં!!’ ચતુરસેન તમતમી ઊઠ્યા.

‘વેપારી એવું શીખવાડે કે વેપારમાં તો સગા બાપનોય વિશ્વાસ ન કરાય, પણ આજકાલ જમાનો એવો આવ્યો છે કે રાજકારણમાં સગા બાપ તો શું દીકરાનો ય વિશ્વાસ ન કરાય!’

‘ફાંકેરામ, જોવાની વાત એ છે કે ફાધર હોય કે ગોડફાધર, તેઓ પોતાનાં શિષ્યો કે સંતાનોના હાથે જ ફાયર થઈ રહ્યા છે અને માર્ગદર્શક બનવાના નામે મૂકદર્શક (કોઈક કિસ્સામાં તો મૂર્ખદર્શક) બનીને રહી ગયા છે.’

‘ચતુરસેન, તમે એક વાત નોંધી, ‘કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે.’ એ કહેવત તો સાલી કળિયુગમાં પણ ટકી રહી છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 6 જાન્યુઆરી, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)