Friday, July 28, 2017

નીતી(ના)શનો છગ્ગો, ફૂટ્યો ગઠબંધનનો ફુગ્ગો

દિવ્યેશ વ્યાસ

(આ રેખાંકન કાર્ટૂનિસ્ટ શ્યામના બ્લોગ http://shyamcartoonist.blogspot.in પરથી લીધું છે.)


‘ચતુરસેન, જોયું ને? ચૂંટણી હોય કે ન હોય, ભાજપ એક પછી એક રાજ્ય સર કરતું જાય છે ને? વધુ એક રાજ્ય હવે કૉંગ્રેસ મુક્ત! આને કહેવાય રાજનીતિ.’ ફાંકેરામના મોં પર હાસ્યના બારેય મેઘ ખાંગા થઈ ગયા હતા.

‘ફાંકેરામ, તમે ખુશ ખબર લાવ્યા અને સાથે મીઠાઈ ન લાવ્યા?’

‘નીતીશકુમારે બિહારમાં સીએમ પદનો છગ્ગો લગાવ્યો અને એ પણ મોદીસાહેબના પક્ષ સાથે મળીને, એટલે મને મીઠાઈ લાવવાની ઇચ્છા તો બહુ હતી, પણ રસ્તામાં પાણી ભરાયાં હતાં.’

‘બધા રસ્તાઓ પર થોડા પાણી ભરાયા હોય? ખોટાં બહાનાં ન કાઢ.’

‘ના, એકાદ રસ્તે પાણી નહોતા ભરાયાં, પરંતુ ખાડા એટલા બધા પડ્યા હતા કે મને મારા બાઇકની દયા આવી ગઈ.’

‘તારે ખરેખર તો તારી બુદ્ધિની દયા ખાવી જોઈએ.’

‘મારી બુદ્ધિ ઠેકાણે જ છે. વાત આડે પાટે ન ચડાવો, હું બિહારની વાત કરતો હતો. હા, તમને પહેલેથી જ કહી રાખું કે  નીતીશકુમાર ભલે સાઠીમાં આવી ગયા હોય તોય તેમની બુદ્ધિ હજુ નાઠી નથી. તેમને સમજાઈ ગયું છે કે સત્તાના મહાસાગરમાં મગરમચ્છ જોડે દુશ્મની કરવા કરતાં દોસ્તી કરવામાં વધારે સલામતી છે.’

‘નીતીશકુમાર તો માસ્ટરસ્ટ્રોકકુમાર ગણાય છે, તેમની રાજકીય સમજ અંગે મને પહેલેથી માન છે, પરંતુ તું આટલો બધો કેમ ફુલાઈ રહ્યો છે?’

‘લાલુ જેવા ભ્રષ્ટાચારી સાથે નીતીશે ગઠબંધનનો ફુગ્ગો ફોડી નાખ્યો છે, એનાથી ખુશ છું. મારા અણ્ણાસાહેબ પણ ખુશ થયા હશે.’

‘અણ્ણાસાહેબ તો દેશમાં લોકપાલ નિમાશે ત્યારે ખુશ થશે!’

‘લોકપાલ-લોકપાલ શું માંડ્યું છે, તેમના પટ્ટશિષ્ય અરવિંદ કેજરીવાલ પણ લોકપાલને ભૂલી ગયા છે અને તમે છાલ છોડતા નથી!’

‘આમ તો અણ્ણાસાહેબ પણ લોકપાલ મુદ્દે ચૂપ જ છે, પણ તું એક સવાલનો જવાબ આપ, આ રોડરસ્તામાં ભ્રષ્ટાચાર ન થતો હોત તો શું તારે તારી બાઇકની દયા ખાવી પડી હોત?’

‘ના, ભ્રષ્ટાચાર ન થતો હોત તો રસ્તાની સાવ આવી હાલત ન થઈ હોત.’

‘ફાંકેરામ, હવે બીજો સવાલ, ઘાસચારો ખાઈ જનારો ભ્રષ્ટાચારી તો રોડરસ્તા ખાઈ જનારાને શું કહીશું?’

‘તમે ક્યાંની વાત ક્યાં જોડો છો... વરસાદ વધ્યો છે, હું ભાગું છું!’

‘તારા જેવા ભક્તોનો આ જ વાંધો છે, સવાલોનો વરસાદ વરસે એટલે ભાગવા માંડો છે.’

(‘દિવ્ય ભાસ્કર’ના 28મી જુલાઈ, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

Friday, July 14, 2017

મૂછો ફૂટવાની વેળા, ભ્રષ્ટાચારમાં સૌ ભેળા

દિવ્યેશ વ્યાસ


(કૌભાંડી પિતા લાલુ પ્રસાદ યાદવ સાથે તેજસ્વી યાદવ, તસવીર પીટીઆઈની છે.)

‘ફાંકેરામ, શ્રાવણ મહિનો હવે નજીકમાં છે. તું તો આ વર્ષે પણ દાઢી-મૂછો વધારવાનો છે ને?’

‘આપણું તો ફિક્સ જ હોય છે! જટાધારી શિવનું સ્મરણ કરીને એક મહિનો વાળ વધવા દેવાના.’

‘પણ આ વર્ષે રહેવા દેજે. આ વખતે દાઢી-મૂછો ન વધારતો...’

‘આ વર્ષે તો ક્યારેય ન વધારતાં હોય એવા લોકો પણ પોતાને ધાર્મિક અને ભક્તજન ગણાવવા માટે દાઢી-મૂછો વધારે તો નવાઈ નહીં!’

‘બધા ભલે વધારે તું ન વધારતો...’

‘ચતુરસેન, તમારા જેવા ઉદારવાદી બૌદ્ધિક ગણાતા વ્યક્તિમાં પહલાજ નિહલાની ક્યારથી ઘૂસી ગયો? પ્રતિબંધની લાકડી કેમ પછાડવા માંડ્યા છો?’

‘તારા ભલા માટે કહું છું. મૂછનો દોરો હવે યુવાનીની સાથે સાથે ભ્રષ્ટતાનું પણ પ્રતીક બની ગયું છે!’

‘ચતુરસેન, મજાક છોડો અને કોઈ મુદ્દાની વાત કરો.’

‘મુદ્દાની વાત તો એ છે કે ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા લાલુપુત્ર તેજસ્વીએ એવી ધારદાર દલીલ કરી છે કે આ એ વખતના ભ્રષ્ટાચારની વાત છે, જ્યારે મારો તો મૂછનો દોરો પણ ફૂટ્યો નહોતો!’

‘મૂછના દોરા કે માથામાં ધોળાને ભ્રષ્ટાચાર સાથે શું લેવાદેવા... દાઢી-મૂછ ન રાખનારા પણ કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે તો સામે દાઢી-મૂછ ઉપરાંત જટા રાખનારા પણ ભ્રષ્ટાચાર કરવામાં પાછા પડતા નથી.’

‘એ ખરું પણ આમ જોવા જઈએ તો તેજસ્વીની દલીલમાં થોડો દમ પણ છે. આજથી દસ વર્ષ પહેલાં ક્રિકેટમાં કારકિર્દી ઘડવાનાં સપનાં જોતાં તરુણ તેજસ્વીને કૌભાંડ કરવાની સૂઝ ક્યાંથી હોય.’

‘એને સૂઝ ન હોય પણ તેના પિતાશ્રીએ તો ‘આવું તારું કરી નાંખું’ સ્ટાઇલમાં બેટાના નામે કરી નાખ્યું હોય, એવું બને ને!’

‘ખરું, સંપત્તિ કે પદના વારસાની જેમ ભ્રષ્ટાચારના આરોપો પણ વારસામાં મળે જ ને!’

‘આ દેશમાં કયો એવો નેતા હશે, જેમણે ભ્રષ્ટાચારથી પેદા કરેલી સંપત્તિ તેનાં સંતાનોને નહીં મળતી હોય?’

‘કોઈ અપવાદ હોય તો આપણી આંખ ઠરે, બાકી અત્યારે તો લાલુ સામે સીબીઆઈએ લાલ આંખ કરી છે!’

‘લાલુ તો એ જ લાગના છે, પરંતુ લાલુ જેવી જ કાર્યવાહી અન્ય ભ્રષ્ટાચારી નેતાઓ સામે કેમ નથી થતી? એ મોટો સવાલ છે.’

‘નાનો હોય કે મોટો, એસટી અંગે હોય કે જીએસટી અંગે, આવા સવાલનું હવે કોઈ લેવાલ નથી!’

(‘દિવ્ય ભાસ્કરના 14મી જુલાઈ, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)