Friday, June 30, 2017

અભિ‘નેતા’ઓના ટોળામાં આઇટમ ગર્લ

દિવ્યેશ વ્યાસ

(આ કાર્ટૂન વિક્રમ નંદવાણીએ બનાવેલું છે.)


‘ચતુરસેન, આજકાલ GST - GST બહુ ચાલ્યું છે. છાપાંના લેખોથી માંડીને વૉટ્સએપ પર ફરતી જોક્સ પણ GSTની જ વાંચવા મળી રહી છે. કંઈક તો ફોડ પાડો.’

‘કરવેરાના ભલભલા જાણકારોથી માંડીને જાણભેદુઓ પણ કંઈ ફોડ પાડતા નથી, એમાં હું શું બોલું. GSTનું ગુજરાતી થાય, માલ અને સેવા કર. નામ પરથી અને સાંભળેલી વાતો પરથી મને તો એટલી જ ખબર છે કે પહેલી જુલાઈથી ફોડ પડાવવાનું એટલે કે સલાહ-સૂચન મેળવવાની સેવા પણ મોંઘી બની શકે છે.’

‘શું વાત કરો છો? આજે મોંઘવારી ઓછી છે તે તમે વધવાના વરતારા બહાર પાડો છો?’

‘વરતારા નથી, વાસ્તવિકતા છે.’

‘આ તો દુષ્કાળમાં અધિક માસ જેવું થશે.’

‘દુષ્કાળ અને એની ઉપર અધિક માસ વીતશે, પણ પછી તો સારો વરસાદ આવશે. FDIનો વરસાદ, રોજગારીનો વરસાદ...’

‘તમેય રાજકારણીઓની જેમ ધોળા દિવસે તારા બતાવવાનું ક્યારથી શરૂ કર્યું?’

‘લોકો ધોળા દિવસે સૂરજને ગાળો દે અને સિતારા માટે વલખાં મારે ત્યારે બીજું તો શું કરી શકાય!’


‘ખેર, સિતારાની વાત નીકળી છે ત્યારે મને આઇટમ ગર્લ યાદ આવી જાય છે!’

‘અણ્ણા હઝારેનો ચાહક અચાનક આઇટમ ગર્લના મોહમાં કાં ફસાઈ ગ્યો?’

‘સાચું કહું તો આઝમ ખાને ફસાવ્યો છે. હમણાં જ આઝમ ખાનનું નિવેદન સાંભળ્યું: મૈં બીજેપી કા આઇટમ ગર્લ હૂં. ઉનકે પાસ કોઈ ઔર શખ્સ નહીં હૈ, જિસકે બારે મેં બાત કરકે વોટ બટોરેં જા સકે.... બીજેપી કે લિયે મૈં નફરત કા એજન્ડા હૂં. મેરે ખિલાફ નફરત ફૈલાકર બીજેપી કો વોટ મિલતે હૈ. મુઝ સે પ્યાર કીજિયે, નફરત મત કીજિયે...’

‘આઝમ ખાન નિખાલસ કહેવાય કે પોતે આઇટમ ગર્લ બની રહ્યાનું કબૂલી લીધું. બાકી કેજરીવાલ હોય કે લાલૂ, એમનો પણ કંઈક આવો જ ઉપયોગ થતો રહ્યો છે.’

‘કેટલાક બબાલવીર નેતાઓ એવા પણ છે, જે સામેથી પોતાના નામના વિવાદોના પરપોટા ફોડ્યા કરે છે અને સમાચારોમાં ચમક્યા કરે છે.’

‘રાજકારણીઓ માટે લોકપ્રિયતા ટકાવી રાખવા માટે જાણે સમાચારમાં ચમકવું અનિવાર્ય બની ગયું છે. નેતાઓ ભાષણ કળાની સાથે સાથે અભિનય કળામાં માહેર થવા મથી રહ્યા છે.’

‘સાચી વાત છે, નેતાઓ હવે અભિનેતાની અદાથી છવાઈ રહ્યા છે અને એમાં વચ્ચે વચ્ચે આઇટમ ગર્લની એન્ટ્રીઓથી લોકોનું મનોરંજન થતું રહે છે.’

‘આ મનોરંજનની માયાજાળમાં GST જેવા અનેક મહત્ત્વના મુદ્દાઓ ભુલાઈ જાય છે, એનું રોદણું ક્યાં રડવું?’

(‘દિવ્ય ભાસ્કર’માં 30મી જૂન, 2017ના તંત્રીપાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Friday, June 16, 2017

‘વિજય’ને જોતાં યાદ આવે આપણો ‘પરાજય’

દિવ્યેશ વ્યાસ

(વિજય માલ્યાનું કાર્ટૂન BCCLની વેબસાઇટ પરથી લીધું છે.)


‘ચતુરસેન, તમને ખબર છે કે મારે અત્યારે ક્યાં હોવું જોઈએ?’

‘બીજે ક્યાં હોવું જોઈએ, એ તારે વિચારી લેવાનું પણ મને તો લાગે છે કે એટલિસ્ટ સવાર સવારમાં તો મારા ઘરે તારે ન જ હોવું જોઈએ?’

‘આંગણે આવેલા અતિથિનું આવું અપમાન? તમે બૌદ્ધિકોને માનવ અધિકારનો મુદ્દો આવે તો ઉછળી પડો, પણ માનવ સંવેદનાનો જરાય વિચાર ન કરો! તમે તો મૂડ ભાંગી નાંખ્યો.’

‘ફાંકેરામ, હું તો મજાક કરતો હતો! તું ચૂંટણીનાં વચનોનેય ગંભીરતાથી લેતો નથી ત્યાં મારી મજાકને કેમ આટલી સિરીયસલી લઈ લીધી? ખેર, બોલ બોલ... તું અત્યારે ક્યાં હોવો જોઈતો હતો?’

‘અત્યારે હું ઇંગ્લેન્ડમાં હોવો જોઈતો હતો.’

‘ઓહો... એટલે આપશ્રી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો સગી આંખે જોવાની ઇચ્છા ધરાવો છે.’

‘ક્રિકેટ મેચ જોવા કરતાંય મને વિજય માલ્યાને જોઈ લેવાની ઇચ્છા થઈ રહી છે.’

‘અણ્ણાના આંદોલનોમાં સામેલ થવા આતુર રહેનારો ફાંકેરામ વિજય-પંથે ક્યારથી ચડી ગયો છે?’

‘ચતુરસેન, તમે મારી વાત સમજ્યા નહીં. મને વિજય માલ્યાને ‘જોવા’ની ઇચ્છા નથી થઈ રહી ‘જોઈ લેવાની’ ઇચ્છા થઈ રહી છે. ભારતની મેચ હોય ત્યાં લાજશરમ વિના મહાલવા લાગતા માલ્યાનું ઓવલ સ્ટેડિયમ ખાતે લોકોએ હૂટિંગ કરીને જલસો પાડી દીધો. મને તો ભારતે દ. આફ્રિકાને હરાવ્યું, એના કરતાં પણ લોકોએ માલ્યાને ‘ચોર ચોર’ કહીને સ્ટેડિયમમાંથી ભગાવી દીધો, એમાં મજા પડી!’

‘ફાંકેરામ કેટલાક ‘વિજય’ એવા પણ હોય છે, જેમાં આપણને આપણા ‘પરાજય’ના દર્શન થઈ જાય.

‘પરાજયના મુદ્દે જ મારું તો લોહી ઉકળી ઊઠે છે. હું ઓવલ સ્ટેડિયમમાં હોત તો ઝાલ્યો ન રહ્યો હોત...’

‘કોઈ ખરેખર ગુનેગાર હોય તોપણ તેને સજા તો કોર્ટે આપવાની હોય, આપણે નહીં. તારા જેવા લોકો વધી રહ્યા છે, એટલે જ દેશમાં મારીપીટીને માણસને મારી નાખવાની અમાનવીય ઘટનાઓ વધતી જાય છે.’

‘ફરી તમે તમારી ઓકાત-માનવ અધિકાર પર આવી ગયા ને?’

‘આ તો ન્યાય વ્યવસ્થાની સાદી સમજ છે, માનવ અધિકાર તો મોટો શબ્દ છે. પણ તારા જેવાને કેમ સમજાવવા?’

‘તમારે સમજાવવું હોય તો વિજય માલ્યા જેવાને સમજાવો ને?’

‘મારે કોઈને સમજાવવું નથી, મારે બસ થોડુંઘણું સમજવું છે. તને સમજાવવાની ભૂલ થઈ ગઈ... માફ કર ભઈલા!’

(‘દિવ્ય ભાસ્કર’ના 16મી જૂન, 2017ના તંત્રીપેજ પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ-બિનસંપાદિત)

Friday, June 2, 2017

દિમાગનું દહીં અને સત્તાનું માખણ

દિવ્યેશ વ્યાસ


(ગૂગલ ઇમેજ પરથી મળેલું રેખાચિત્ર)


‘આ ગાયનો એક વિવાદ ઓછો હતો તે હવે મોરનો લઈ આવ્યા!’ ચતુરસેનના ચહેરા પરની અકળામણ તેમની વાણીમાં પણ ભળેલી હતી.

‘યુનો, યે દિલ માંગે મોર!’

‘શું મોર? કંકોડા?’

‘કંકોડા નહિ, કકળાટ... રેડિયો પર કકળાટ, ટીવી પર કકળાટ, મોબાઇલ પર કકળાટ, અખબારોમાં કકળાટ, સડક પર કકળાટ અને સંસદમાં પણ કકળાટ.... બીજું કંઈ થાય કે ન થાય, બસ કકળાટ-દેકારો ચાલું રહેવો જોઈએ.’

‘એક તરફ ગરમીનો ઉકળાટ અને બીજી તરફ નીતનવા મુદ્દે પેદા થતો આ કકળાટ. મને તો એ નથી સમજાતું કે કકળાટ કરીને શું કાંદા કાઢી લેવાના છે?’

‘કાંદા કોઈને કાઢવા નથી, ભાવ ન મળતાં ખેડૂતો આમ પણ રસ્તા પર કાંદા ફેંકી દેતા હોય છે. કાંદા જેવી મામૂલી નહિ, પણ કોહિનૂર જેવી કીમતી એવી સત્તાના આ ખેલ છે.’

‘સત્તાના આ ખેલ તો હું સારી રીતે સમજું છું, પણ આ કકળાટને કારણે મારા દિમાગનું દહીં થઈ જાય છે.’

‘બસ, એ જ તો જોઈએ છે રાજકારણીઓને. લોકોના દિમાગનું દહીં થઈ જવું જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખતા દિમાગ બહુ ખતરનાક પુરવાર થઈ શકે છે. આવાં દિમાગ સત્તાધીશો પાસે હિસાબ માગી શકે છે, નઠારા સત્તાધીશોના તખતાઓ ઊથલાવી શકે છે, સ્વતંત્રપણે વિચારીને અણિયાળા સવાલો પૂછી શકે છે, સત્તાપક્ષ-વિપક્ષોના રાજકારણીઓની અંદરોઅંદરની મિલીભગતના ભાંડા ફોડી શકે છે, પણ દિમાગનું દહીં થઈ જાય તો પછી સાવ શાંતિ! લોકોના દિમાગનું એક વખત દહીં થઈ જાય પછી તેને મનફાવે તેમ વલોવી વલોવીને સત્તા રૂપી માખણ આસાનીથી તારવી શકાય.’

‘દિમાગનું દહીં અને સત્તાનું માખણ... વાહ ફાંકેરામ, જબરું લાવ્યો!’

‘ચતુરસેન, તમારી સાથે રહી રહીને થોડુંક તો હું પણ શીખી ગયો છું.’

‘માખણ મારવાનું રહેવા દે અને એમ કહે કે આ કકળાટનું કરવાનું શું?’

‘નાના મોંઢે મોટી વાત કરું તો માફ કરજો, પણ માહોલ જોતાં તો મને એવું લાગે છે કે તમારે કકળાટ સહન કરવાની આદત કેળવવી પડશે!’

‘ફાંકેરામ, તારી વાત તો સાચી છે. આજે દેશના સત્તાધીશો ‘ગજકેસરી’ યોગમાં મહાલી રહ્યા છે. વિમર્શલાયક મુદ્દાઓ પર પણ વાહિયાત સ્તરના વાદવિવાદના દોર ચાલી રહ્યા છે ત્યારે શાંતિ-સુમેળભર્યું વાતાવરણ સર્જાવાના યોગ જણાતા નથી.’

‘એટલે તો કહું છું કકળાટને જોઈને તમારા દિમાગનું દહીં થવા ન દેશો.’

‘ચિંતા ન કરીશ, મારા દિમાગનું દહીં થશે તોપણ માખણ બીજો કોઈ લઈ જાય, એવો ફુહડ તો હું નથી જ!’



(‘દિવ્ય ભાસ્કર’ના 2જી જૂન, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કટાર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ - મૂળ પ્રત)