Friday, May 19, 2017

જેને કોઈ ન પહોંચે તેને જેઠમલાણી પહોંચે!

દિવ્યેશ વ્યાસ

(કાર્ટૂન આઉટલુકની વેબસાઇટ પરથી લીધું છે.)


‘ચતુરસેન, નોટબંધી પછી કાળાં-ધોળાં નાણાંના ખેલમાં માહેર સીએની બોલબાલા જોઈને મને થયું હતું કે મારે સીએ જ થવા જેવું હતું.... પણ હમણાં હમણાંથી સમાચારો વાંચીને થાય છે કે આ જમાનામાં બનવું હોય તો વકીલ જ બનાય!’

‘તારા જેવા એટીકેટી સાથે માંડ માંડ બીએ પાસ થયેલાએ સીએ બનવાનાં સપનાં ન જોવાય...’

‘અરે ભાઈ, મારે તો કંઈ ભણવું નથી કે બનવું નથી. ડિગ્રી હોય કે ન હોય, તેની કેટલી બધી ઉપાધિ હોય છે! આ તો ખાલી વાત કરતો હતો કે વકીલો આજકાલ ભારે ચર્ચામાં રહે છે.’

‘તારું તો એવું છે કે જે ચર્ચામાં આવે તે તારું ચિતડું ચોરી લે છે... બહું ભોળું ને મોળું છે તારું મન... ખેર કયા વકીલનો ભક્ત બની ગયો?’

‘ભક્ત-બક્ત કોઈનો નથી બન્યો, પણ પેલા એડવોકેટ હરીશ સાલ્વેએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાધવ માટે જે જોરદાર દલીલો કરીને પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી.. એ જોઈને હું આફરીન પોકારી ગયો.’

‘ફાંકેરામ, તું અત્યારે હરીશ સાલ્વે પર આફરીન થયો છે એ તો ઠીક બાકી મને એમ કે તું રામ જેઠમલાણીની ધારદાર દલીલોથી ઘાયલ થઈ ગયો હોઈશ.’


‘જેઠમલાણીની તો વાત જ જવા દો... કોઈ નહીં ને કેજરીવાલનો કેસ લડી રહ્યા છે!’

‘આ જ જેઠમલાણી જ્યારે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના હત્યારા વતી કેસ લડી રહ્યા હતા ત્યારે સારા લાગતા હતા... હર્ષદ મહેતા અને કેતન મહેતા જેવા કૌભાંડીના કેસ લડતા હતા ત્યારેય તમને વાંધો નહોતો. અડવાણીનો હવાલા કાંડવાળો કેસ લડેલા ત્યારે પણ પ્યારા લાગતા હતા. યેદ્દિયુરપ્પાનો કેસ લડ્યા ત્યારેય તમે રાજી હતા, હવે કેજરીવાલનો કેસ લડે છે ત્યારે પેટમાં કેમ દુ:ખે છે.’

‘ઓહો... તમે તો જેઠમલાણીની આખી કુંડળી કાઢી નાખી...’

‘આ તો હજું અડધી જ કુંડળી છે. આ જ જેઠમલાણીએ ડોન હાજી મસ્તાન, જેસિકા લાલના હત્યારા મનુ શર્માથી માંડીને અફઝલ ગુરુના બચાવમાં પણ દલીલો કરેલી છે. ગંદા હૈ પર ધંધા હૈ યે!’

‘તમે તો મૂડ મારી નાખ્યો... હરીશ સાલ્વેની કામગીરી જોઈને તો મને અહેસાસ થઈ ગયેલો કે એક સૈનિક નહીં, વકીલ પણ દેશભક્તિ કરી શકે છે!’

‘કોઈ પણ કામ સારી રીતે કરો, એ દેશભક્તિ જ છે! જેઠમલાણીએ પણ ઘણા સારા કેસો લડેલા જ છે, પણ તેઓ ક્યારે કોના માટે કેસ લડે એનું કંઈ કહેવાય નહીં. માત્ર ભાજપના જ નહીં અન્ય પક્ષોના નેતાઓના કેસો પણ તેઓ લડી જ ચૂક્યા છે.’

‘જેઠમલાણીએ તો અરુણ જેટલીને ‘ધૂતારા’ જ કહી દીધા! જબરું બોલે છે, આ માણસ અને એ પણ ભરી અદાલતમાં...’

‘એટલે તો તેઓ જોખમી જેઠમલાણી કહેવાય છે. કોઈ ન પહોંચે એને જેઠમલાણી પહોંચે! ભાજપની સ્થાપનામાં સહયોગ કરનારા આ માણસે એક સમયે વાજપેયી વિરુદ્ધ પણ ચૂંટણી લડી છે! આ એવા ‘રામ’ છે, જે ભાજપને ભારે પડે છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 19મી મે, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કટાર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ - મૂળ પ્રત)

Friday, May 5, 2017

કવિ શું કહેવા માગે છે, એ સમજાય ત્યારે...

દિવ્યેશ વ્યાસ

(કુમાર વિશ્વાસનું કાર્ટૂન http://www.theforthright.com પરથી લીધું છે.)


‘હું કહું એ મારું શાસન, મારા શબ્દો મારું શાસન, સખણો રહેજે, છે મારું શાસન, સૌથી શ્રેષ્ઠ છે મારું શાસન’ ફાંકેરામ શાસન શબ્દની આજુબાજુ કવિતા રચવા શબ્દાસનોના અખતરા કરી રહ્યો હતો.

‘ફાંકેરામ, બાહુબલીનો ‘મેરા વચન હી મેરા શાસન’ ડાયલોગ તારા દિમાગની દીવાલ પર ચ્યુઇંગમની જેમ ચોંટી ગયો લાગે છે. રાજકારણ પછી સાહિત્ય ક્ષેત્રમાં પણ તારો ઇન્ટરેસ્ટ વધતો જતો હોય એવું મને છેલ્લા કેટલાક દિવસોથી લાગવા માંડ્યું છે.’

‘તમે જબરું પકડ્યું! મને ખરેખર સાહિત્યના ક્ષેત્રમાં રસ પડવા માંડ્યો છે, કારણ કે હવે મને લાગે છે કે ત્યાં ભાષા કે સાહિત્ય કરતાં પણ રાજકારણમાં ફાવટ હોય તો સાહિત્યક્ષેત્રે વધારે સફળતા મળે છે. મારામાં ક્રિએટિવિટી વધારે-ઓછી હશે પણ કાવાદાવામાં તો આપણે પાવરધા છીએ જ... એટલે સાહિત્યમાં ઝંપલાવવાની ઝંખના જાગી રહી છે.’

‘સાહિત્ય ક્ષેત્રમાં રાજકારણ કરી કરીનેય લઈ શું લેવાનું? વધીને પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવો કે પછી સરકાર મહેરબાન થાય તો તારા જેવા પણ પહેલવાન બનીને અકાદમીના પ્રમુખ બની શકે. જોકે, આમાં સ્પર્ધા એટલી ગળાકાપ છે કે આપણા જેવા નવાણિયા તો ક્યાંક કુટાઈ જાય!’



‘ચતુરસેન, તમે સમજ્યા નહીં... સાહિત્ય સંસ્થાઓના પ્રમુખ પદની કોને પડી છે? આપણે તો બસ રાજકારણની નેટ પ્રેક્ટિસ કરવી છે. વળી, જો પ્રાસ-અનુપ્રાસની સાથે સાથે થોડી શબ્દરમતો શીખી જવાઈ તો આપણે પણ ફાંકડું ભાષણ કરવા માંડીએ અને રાજકારણમાં જામી જઈએ...’

‘વાહ ફાંકેરામ! તમે શેખચલ્લીના વારસો જરૂર જાળવશો! સાહિત્યકાર ગણો કે શબ્દબાજ, એ બિચારો ગૌરવ પુરસ્કાર અને વધીને મહામહેનતે પદ્મશ્રી મેળવતો હોય છે. તું જ વિચાર કયો કવિ રાજકારણમાં જામી શક્યો અને સાંસદ કે મુખ્યમંત્રી બન્યો?’

‘બન્યો નથી પણ બનજે જરૂર!’

‘કોણ તું?’ ચતુરસેન હસવા માંડ્યા.

‘મારે તો થોડી વાર લાગશે પણ કુમાર વિશ્વાસ રાજસ્થાનના મુખ્યમંત્રી બની શકે છે. કેજરીવાલ સામે વાંધો પાડ્યા પછી હવે આ કવિને રાજસ્થાનના પ્રભારી બનાવી દેવાયા છે, જ્યાં આગામી વર્ષે ચૂંટણીઓ થવાની છે. ચૂંટણીમાં સફળ થશે તો સીએમ પદ પાક્કું!’

‘કવિ હોવા છતાં કુમાર વિશ્વાસે પણ તારા જેવી મનોહર કલ્પનાઓ નહીં કરી હોય!’

‘કવિ એની કવિતામાં શું કહેવા માગે એ ન સમજાય પણ રાજકારણનું લોહી ચાખી ગયેલા કુમાર વિશ્વાસ શું કહેવા માગે છે, એ કેજરીવાલ સમજી ગયા અને રાજસ્થાન સોંપી દીધું! હવે જોજો કુમારનો કમાલ!’

‘કુમારનું શું થાય છે, એ તો સમય જ કહેશે. મારે તો એટલું જ કહેવું છે કે તું શાસનવાળી કવિતાને વહેલામાં વહેલી તકે કચરાટોપલીમાં પધરાવી દે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 5મી મે, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમની મૂળ પ્રત)