Friday, September 22, 2017

સીઝન શરૂ થશે ન્યારી, ચૂંટણી લાવશે રોજગારી

દિવ્યેશ વ્યાસ




‘ચતુરસેન, ગમે તે કરો, આપણને પાસપોર્ટ કઢાવી આપો.’

‘તારું આધાર કાર્ડ તો નીકળી ગયું છે ને? આધાર કાર્ડ તો હાથીનું પગલું અને ઘોડાનું પૂછડું! એમાં બધાનાં પગલાં આવી જાય અને એમાંજ બધાની પૂંછડીઓ દબાઈ જાય. આધાર હોય પછી બીજાની શું ઓશિયાળી!’

‘આધાર કાર્ડ તો ક્યારનુંય કઢાવી લીધું છે, છૂટકો છે કાંય? પણ મારા સાહેબ, પાસપોર્ટ વિના વિઝા કોણ આપવાનું?’

‘ઓહો... બડ્ડે બડ્ડે પ્લાન.... કોઈ મસમોટું કૌભાંડ કરીને માલ્યાગીરી કરવાનો તો વિચાર નથી ને?’

‘અણ્ણાનો ચાહક છું, હું તો સપનામાં પણ કૌભાંડ ન કરું.’

‘તો પછી તું પણ બૌદ્ધિકો-કર્મશીલોની જેમ દેશમાં અસહિષ્ણુતા ભાળી ગયો છે? તુંય હવે પરદેશમાં વસી જવાનો પ્લાન ઘડવા માંડ્યો છે?’

‘દેશમાં અસહિષ્ણુતા વ્યાપી હોય કે એથીય ખરાબ હાલત હોય, હું મારી માતૃભૂમિ છોડીને ક્યાંય જવાનો નથી.’

‘તો પછી વિઝા કેમ લેવા છે? કયા દેશમાં જવું છે તારે?’
ફાંકેરામે પોતાના ખ્વાબનું લોકાર્પણ કરતા કહ્યું, ‘હું અમેરિકા જવા માગું છું.’

‘કેમ અચાનક અમેરિકા જવાનું ભૂત સવાર થયું?’

‘રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ અંગેના સમાચારો અને ચર્ચાઓ વાંચીને થાય છે કે અમેરિકાના હવા-પાણીમાં કંઈક જાદુ છે.’

‘કેવો જાદુ?’

‘રાહુલ ગાંધી કેવી ડાહીડમરી વાતો કરવા માંડ્યા છે અને જોરદાર નિવેદનો આપવા માંડ્યા છે કે સ્મૃતિ ઈરાનીથી વાત ન બની તો ખુદ ભાજપ પ્રમુખ અમિત શાહે મેદાનમાં આવવું પડ્યું છે. આવી વાતો અહીં કરી હોત તો કૉંગ્રેસની આ હાલત ન થઈ હોત.’

‘અમેરિકાની હવાના જાદુથી કોઈ માણસ ડાહીડમરી વાતો કરવા માંડતો હોય તો ટ્રમ્પ નામની ઘટના પેદા જ ન થઈ હોત!’

‘અહીંના મોદી નથી ગમતા ત્યાંના ટ્રમ્પ નથી ગમતા, તમને ગમે છે કોણ?’

‘તને રાહુલની વાતો ડાહીડમરી લાગી, એ ગમ્યું... બાકી તારે તો કાયમ સાહેબ કહે તે સાચું!’

‘રાહુલે મોદીજીની ભાષણકળાના વખાણ કર્યા એ ગમ્યું અને સાથે બેરોજગારીની સમસ્યાની વાત કરી, એમાં દમ લાગ્યો.’

‘આ સત્ય તને બેરોજગાર થયો પછી સમજાયું ને? બાકી હું તો એક વર્ષથી આ મુદ્દે ગાંગર્યા કરું છું, પણ તું ભજન-કીર્તનમાંથી ઊંચો આવતો નહોતો. અને સાંભળી લે, અમેરિકામાં રોજગારી માટે જતો હોય તો ત્યાં હવે પણ સ્થિતિ કફોડી છે.’

‘મારે રોજગારી માટે અમેરિકા લાંબા થવાની કોઈ જરૂર નથી. ગુજરાતમાં ચૂંટણી આવી જ રહી છે. એકેય પક્ષને સભાઓમાં ભીડ ભેગી કર્યા વિના ચાલવાનું નથી. એટલે મને તો રોજગારી મળી જ રહેવાની છે!’

(‘દિવ્ય ભાસ્કર’ના 22મી સપ્ટેમ્બર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

Friday, September 8, 2017

બ્લૂ વ્હેલ ગેમના શોખીન બૌદ્ધિકો

દિવ્યેશ વ્યાસ




‘ચતુરસેન, તમનેય જીવ બહુ જ વહાલો છે, એની મને ખબર પડી ગઈ.’

‘ફાંકેરામ, જાન હૈ તો જહાં હૈ. મર્યા પછી શું થાય છે, કોને ખબર!’

‘પણ, આમાં એટલા બધા ગભરાઈ જવાની કે ડરી જવાની જરૂર નથી કે તમે તમારી વહાલી અભિવ્યક્તિની આઝાદીને પણ મ્યાન કરી દો...’

‘મેં ક્યાં મારી અભિવ્યક્તિની આઝાદીને મ્યાન કરી છે?’

‘મ્યાન જ કરી છે, બાકી ગૌરી લંકેશ નામની પત્રકાર મહિલાને ગોળી મારીને ઠાર મારવામાં આવી, છતાં તમારી કલમ તો મૌન જ રહી. કોઈ મરી જાય ત્યારે બે મિનિટનું મૌન રાખવાનું હોય તમે તો બે દિવસે પણ એ અંગે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી.’

‘અરે સમાચાર મળ્યા ત્યારથી હું એ ઘટનાને વખોડી રહ્યો છું.’

‘અંગત વાતચીતમાં વખોડતા હશો, પરંતુ સોશિયલ મીડિયામાં તો મૌન જ પાળ્યું છે. ટ્રોલબલીઓથી ડરી ગયા કે શું?’

‘એમાં ડરવાનું શું! સાચું કહું તો હમણાંથી મારું નેટ અમદાવાદના રસ્તાઓ પર ચાલતી રીક્ષા જેવું સાવ ધીમું ધીમું અને હડદોલા લેતું ચાલે છે. નેટવર્ક વારંવાર ખોરવાઈ જાય છે, એટલે હમણાં સોશિયલ સાઇટ્સ પર કંઈ મૂકી શક્યો નથી. બીજી એક મારા મનની વાત કહી દઉં તો હવે સોશિયલ મીડિયા પર કંઈ મૂકવાનું મન થતું નથી.’

‘સોશિયલ મીડિયાથી વૈરાગ્ય આવી ગયો છે કે પછી કોઈ છૂપો ડર મનમાં ઘર કરી ગયો છે?’

‘વૈરાગ કે ડરની વાત નથી, પણ જો હું ગૌરી લંકેશને શ્રદ્ધાંજલિ આપું તો કેટલાક લોકો કૂદી પડે છે કે સરહદ પર સૈનિકો શહીદ થયા હતા ત્યારે શ્રદ્ધાંજલિ આપવામાં પેટમાં ચૂક આવતી હતી? અગાઉ છગન-મગન-જગન મરી ગયા ત્યારે શ્રદ્ધાંજલિ આપવાનું નહોતું સૂઝ્યું અને હવે આંખો સૂઝી જાય એટલા આંસુડાં કેમ સારો છો? તું જ કહે આવા શિંગડાહીન અસામાજિક પ્રાણીઓ સાથે ક્યાં સુધી શિંગડા ભરાવવા?’

‘તોપણ ગૌરી લંકેશ જેવા પત્રકારની કરપીણ હત્યા થઈ જાય ત્યારે તમારા જેવા ન બોલે તે કેમ ચાલે? તમારું મૌન તો તમારી અભિવ્યક્તિની આઝાદીને લજવે!’

‘તું અત્યારે મોટી મોટી વાત કરવાનું રહેવા દે. ગૌરી લંકેશને શ્રદ્ધાંજલિ આપત તો તું જ તરત કહેત, ગૌરી લંકેશ કંઈ માત્ર પત્રકાર થોડી હતી, એ તો કર્મશીલ પણ હતી. એણે જે કર્મ કર્યાં એ ભોગવ્યાં! તમારા જેવા માટે બૌદ્ધિક, કર્મશીલ, માનવ અધિકારવાદી, આંદોલનકારીઓ... બધાનો એક જ અર્થ થાય છે - દેશદ્રોહીઓ!’

‘ચતુરસેન, સાવ સાચું કહું તો દેશના બૌદ્ધિકો-કર્મશીલો હવે બ્લૂ વ્હેલ ગેમના શોખીન બની ગયા છે. એક પછી એક આકરા સવાલો પૂછીને ગેમના લેવલ વટાવતા જાય છે અને મોતને સામેથી બોલાવે છે, પછી બીજું શું થાય!’

‘બૌદ્ધિકોનું તો જે થવાનું હશે એ થશે, એમની ચિંતા છોડો, તમે ખરેખર દેશપ્રેમી હોય તો કોઈ વિચારધારા કે પક્ષની નહિ, દેશની ચિંતા કરો.’

(‘દિવ્ય ભાસ્કર’ના 8મી સપ્ટેમ્બર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કટાર‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)