Friday, February 9, 2018

ક્યારેક ભજન ક્યારેક ભજિયાં, ક્યારે અટકશે આ કજિયા?

દિવ્યેશ વ્યાસ



‘ભજિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાયી, કૈસી યે રોજગારી સંભાલી...!’ ફાંકેરામ આવું કંઈક ગીત ગણગણતા પધાર્યા.

‘યે વિવાદો, યે વાદો, યે બાતોં કી દુનિયા... યે ભજિયા અગર મીલ ભી જાયે તો ક્યાં હૈ... યે કજિયા અગર થંભ ભી જાયે તો ક્યા હૈ...’ ચતુરસેને પણ સામું લલકાર્યું.

‘ચતુરસેન, તમને તો મજા પડી ગઈ હશે ને! ભજિયાનો વિવાદ સાંભળીને વિરોધ પક્ષો કરતાં તો તમારા જેવાના મોંમાં વધારે પાણી આવી ગયું હશે... તરત જ વિવાદો, વાદો અને બાતોં કી દુનિયા સાંભરી ગઈ.’

‘આવી દુનિયા સંભારવાની જ ક્યાં જરૂર છે!’

‘હા હા, જે વસ્તુ ભુલાય જ નહીં, તેને કઈ રીતે સંભારવી... ખરું ને?’

‘ભૂલવા-સંભારવાની વાત નથી, જે વસ્તુ અને વાસ્તવિકતા નરી આંખે રોજેરોજ જોવા મળે છે, તેને ન તો ભૂલી શકાય, ન સંભારી શકાય. હા, કાં તો તેનો સ્વીકાર થઈ શકે કે પછી તેની અવગણના. તારા જેવા ભક્તો અવગણનાનો આસાન માર્ગ અપનાવી રહ્યા છે.’

‘અવગણના તો તમારા જેવા બૌદ્ધિકો લોકમતની કરી રહ્યા છે. આખો દેશ ખોટો અને માત્ર તમે એક જ સાચા? લોકશાહી છે, લોકો માને એ થાય!’

‘તારા જેવા ભક્તો બસ ભજન ગાઈને રાજી રહે અને ગરમાગરમ ભજિયા જેવી  વાતોથી ઓડકાર પર ઓડકાર ખાધા કરે, બાકી લોકોનો મત તો લોકપાલ લાવવાનો નહોતો? કોણે કરી તેની અવગણના?’ ચતુરસેને ફાંકેરામની દુખતી રગ પર હાથ મૂક્યો.

‘ચતુરસેન, તમે લોકપાલની વાત લાવીને મને ઇમોશનલી બ્લેકમેલ ન કરશો. લોકપાલની જરૂર જ ન રહે, એવું શાસન આવ્યું છે, પછી એની શું ચિંતા કરવાની.’

‘વાહ મારા ફાંકેરામ... તને ક્યાંથી સમજાવવાનું શરૂ કરું, એ જ મને સમજાતું નથી. નાગરિક તરીકે વિચારતો તું ક્યારે થઈશ?’

‘70 વર્ષમાં આ દેશના લોકો રૈયત મટીને નાગરિક બની શક્યા નથી. આ મામલે તમે કૉગ્રેસને તો  દોષિત નહીં જ ઠેરવો, ખરું ને? પાછા તમે હજું કૉંગ્રેસનું શાસન ફરી આવે એવી કામના રાખતા હશો. સાચું ને?’

‘ભાજપનો વિરોધ એટલે કૉંગ્રેસને સપોર્ટ એવું ગણિત માંડો તો મારી જેવી વ્યક્તિએ 70 વર્ષથી ભાજપને જ સપોર્ટ કર્યો, એવું  સાબિત થઈ જાય! કૉંગ્રેસ હોય કે ભાજપ, આપણે તેનાં ભજનો ગાવાનું છોડીને તેના શાસનની મૂલવણી-ચકાસણી કરવાની હોય. આપણે દેશનું વિચારવાનું હોય, કોઈ વ્યક્તિ કે પક્ષનું નહીં.’

‘હવે દેશ યાદ આવશે, બંધારણ યાદ આવશે, કાયદો અને વ્યવસ્થા યાદ આવશે.... ખરા છો તમે!’

‘તમે મોંઘવારી ભૂલી જાવ, બેરોજગારી ભૂલી જાવ, ભ્રષ્ટાચાર ભૂલી જાવ, ખેડૂતોની આત્મહત્યા ભૂલી જાવ, સૈનિકોની શહીદી ભૂલી જાવ, લોકપાલ ભૂલી જાવ... તમે ય ખરા છો!’

‘આપણે ખરા જ છીએ, ખોટા કજિયા છોડીએ... બોલો, ચા-નાસ્તો કરવો છેને?’

‘હા, મગાવો, ગરમાગરમ ચા અને ભજિયા!’ ચતુરસેન ખડખડાટ હસી પડ્યા.

(‘દિવ્ય ભાસ્કર’ના 9મી ફેબ્રુઆરી, 2018ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કટાર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)

No comments:

Post a Comment