Friday, February 23, 2018

બડે બડે બેન્ક મેં છોટી છોટી બાતેં હોતી રહેતી હૈ!

દિવ્યેશ વ્યાસ

(આ કાર્ટૂન www.manoramaonline.com પરથી લીધું છે.)

‘ચતુરસેન, આપણને તો ટ્રમ્પ ગમ્યા! તેઓ જે બોલે છે તે કરે છે અને કરે છે, એવું બોલે છે.’  ફાંકેરામે અમેરિકી પ્રમુખ પર પ્રશંસાનાં ફૂલ નહિ તો ફૂલની પાંખડીઓ વેરી.

‘ટ્રમ્પ આપણા નેતાઓ જેવા દંભી નથી, એ તો ખરું. નેતાના આચાર-વિચાર એકસમાન હોય તે સારી વાત છે, છતાં આચાર-વિચાર એક સરખા હોવા અને એક સરખા સારા જ હોવા વચ્ચે ઘણો ભેદ છે.’

‘તમારો મૂળ રસ ભેદ છે, એનો અમને ખૂબ ખેદ છે!’ ફાંકેરામને વાક્ય પૂરું કર્યા પછી લાગ્યું કે ‘કહીં હમ કવિ ન બન જાએ એ...’

જોકે, ચતુરસેન એમ ફાંકેરામને પ્રાસની ડાળીએ ચડીને કવિ હોવાના કેફમાં રાચવા દેવા તૈયાર નહોતા. તરત બોલ્યા, ‘જે શબ્દરમતોમાં કેદ છે, બુદ્ધિ પર ચડ્યો જેને મેદ છે... ફાંકેરામ, શબ્દચાળા છોડ અને વિચારોના બંધ ડાબલા ખોલ!’

‘ચતુરસેન તમારે તો કવિ બનવા જેવું હતું. કેટલા સરસ પ્રાસ-અનુપ્રાસ બેસાડી દો છો!’

‘કવિ બનવા સુધીની વાત કરી એ સારું કર્યું બાકી આજકાલ પ્રાસ-અનુપ્રાસવાળા લોકોની નેતાઓનાં ભાષણો લખવા માટે ભારે ડિમાંડ છે.’

‘ચતુરસેન હું તો ટ્રમ્પની વાત કરતો હતો. તેમણે ફ્લોરિડાની સ્કૂલની મુલાકાત લીધી હતી જ્યાં એક વિદ્યાર્થીએ ઓપન ફાયરિંગ કરીને ડઝનેક વિદ્યાર્થીઓનો ભોગ લઈ  લીધો હતો. ત્યાં જઈને ટ્રમ્પે જોરદાર વાત કરી કે આ રીતે સ્કૂલમાં શૂટઆઉટની ઘટના વધી રહી છે ત્યારે શિક્ષકોને પણ શસ્ત્રો આપવા જોઈએ તથા તેમને સ્થિતિને કાબૂમાં લેવા માટે તાલીમ પણ આપવી જોઈએ.’

‘ટ્રમ્પનું ચાલે તો આખા દેશને ગન પકડાવીને વિશ્વવિજય માટે નીકળી પડે! તું અહીં બેન્ક લૂંટીને ભાગી ગયેલા  નીરવ મોદી વગેરેની વાત કરને... આડીઅવળી વાતો ક્યાં માંડે છે.’

‘એમાં શું વાત કરવાની? સીબીઆઈ, સરકાર પોતાની કાર્યવાહી કરી જ રહી છે અને આગળ જતાં કોર્ટ તેનું કામ કરશે. આ કંઈ રાષ્ટ્રીય સમસ્યા છે? બડે બડે બેેન્ક મેં છોટી છોટી બાતેં હોતી રહેતી  હૈ!’

‘નીરવ મોદીએ બેન્કને કેટલા કરોડનો ચૂનો ચોંટાડ્યો છે, એનો આંકડો જાણી લે પછી છોટી છોટી બાતેંવાળો ડાયલોગ ફટકાર... તુંય કેન્દ્રીય મંત્રીઓની જેમ ઠંડે કલેજે જવાબો ન આપ.’

‘ચતુરસેન, આ નીરવ મોદીનો મામલો છે, નરેન્દ્ર મોદીનો નહિ, આટલા બધા ઉત્સાહમાં ન આવી જાવ.’

‘હું ઉત્સાહમાં નથી આવ્યો, પણ તમે આટલા બધા બચાવમાં કેમ આવી ગયા છો? એનો જવાબ  તો આપો.’

ફાંકેરામ પાસે કોઈ જવાબ કે દલીલ ન બચતાં મોદીનો જ માર્ગ અપનાવીને તે મૂંગા મોંઢે ભાગી નીકળ્યો.

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પાન પર તા. 23 ફેબ્રઆરી, 2018ના રોજ પ્રકાશિત વ્યંગ કટાર ‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)

No comments:

Post a Comment