Friday, April 6, 2018

સંતજન તો તેને કહીએ, જે સત્તા પચાવી જાણે રે!

દિવ્યેશ વ્યાસ



‘અણ્ણા અણ્ણા બહુ કરતો હતો, જોયું ને એમની કેવી હાલત થઈ?’ ફાંકેરામ આવ્યો કે તરત ચતુરસેને ઠપકો આપ્યો.

‘એ તો તમે પાંચ દિવસ ખાધા-પીધા વિના રહો પછી જોઈ લો, તમારી હાલત પણ કેવી થઈ જાય છે!’  ફાંકેરામે પ્રતિકાર કર્યો.

‘હું એ જ કહું છું, ખાયા-પીયા કુછ નહિ, ઔર ઇજ્જત ખો કે ઘર જાના!’

‘એમની ઇજ્જત તો હજું એવી ને એવી જ છે, ખોટી વાત ન કરો.’ ફાંકેરામ ઉશ્કેરાઈ ગયો.

‘એમની ઇજ્જત એવી ને એવી જ છે, પણ એ તારા હૃદયમાં બાકી જનતા કે સરકારે તેમને કોઠું ન આપ્યું. એમાંય મીડિયા અને સોશિયલ મીડિયામાં ‘લશ્કરમાંથી ભાગી આવેલા’થી માંડીને ‘ફૂટી ગયેલી બંદૂક’ ગણાવાયા હતા.’

‘મીડિયા અને પોલિટિક્સની વાત છોડો, તમારા દિલ પર હાથ મૂકીને કહો કે અણ્ણાનો મુદ્દો 2012માં પણ સાચો હતો અને 2018માં પણ સાચો જ છે કે નહીં?’

‘એમનો મુદ્દો સાચો છે, પણ એમનો સમય રહ્યો નથી, મારા મિત્ર! કાબે અર્જૂન લૂંટ્યો વહીં ધનુષ વહી બાણ...’

‘અણ્ણા હજારે એમ હારે એવા નથી, લોકપાલ નહીં નિમાય તો છ મહિના પછી ફરી આંદોલન કરશે.’

‘અણ્ણાજીએ જે રીતે સમાધાન કરી લીધું, એ જોતાં તેઓ હવે બીજી વાર આંદોલનની ‘ભૂલ’ કરે એવું મને લાગતું નથી. હા, અણ્ણા ખાદીનાં સફેદ વસ્ત્રો છોડીને જો ભગવા પહેરીને આંદોલન કરવાની વાત કરે તો કંઈક વાત બને.’

‘ભગવાથી ભડકી જનારા આજે ભગવાની પ્રેરણા શા માટે આપી રહ્યા છે?’ ફાંકેરામે ચતુરસેનની ફિરકી લેવાના અંદાજમાં કહ્યું.

‘પ્રેરણાની વાત નથી પાક્કા પુરાવાવાળી વાત છે. તેં સમાચાર ન સાંભળ્યા? મધ્ય પ્રદેશમાં બે ભગવાધારી બાબાઓ નર્મદા કૌભાંડ યાત્રા કાઢીને આંદોલન કરવાના હતા. આંદોલન કર્મ શરૂ પણ નહોતું થયું ત્યાં તો તેમને ફળ મળી ગયું! બે બાબાઓ સહિત બીજા પાંચ સંતોને રાજ્યમંત્રીનો હોદ્દો અપાયો. અણ્ણાજીની આબરૂ તો એવી છે કે ભગવા પહેરેલા હોય તો તો રાષ્ટ્રપતિ પદના દાવેદાર બની જાય!’

‘અણ્ણાજીની મજાક ન કરો પ્લીઝ! સંતોને સત્તા મળી, એમાં તમને કેમ પેટમાં દુખવા માંડે છે.’

‘સંતોને સત્તા મળે, એની સામે મારો વાંધો નથી, પરંતુ સંતો જે કૌભાંડોની વાતો કરતા હતા, જે મુદ્દો લઈને આંદોલન કરવાના હતા, એ તો હવે ભૂલી જ જવાનો ને? સંતો સત્તાની લાલચે મૌન રાખવા માંડશે તો આપણા સંતાવલંબી સમાજનું શું થશે?’

‘ચતુરસેન, વૈષ્ણવજન તો તેને રે કહીએ, એ ભજન બહુ જૂનું થયું, નવું લેટેસ્ટ ભજન આવ્યું છે, સંતજન તો તેને કહીએ જે સત્તા પચાવી જાણે રે!’

‘ફાંકેરામ, સત્તા પચાવે એમાં વાંધો નથી પણ આજકાલના સંતો પહેલાં જમીન પચાવે છે, પછી સંપત્તિ પચાવે છે, મોટા સંતો તો દેશની સાથે સાથે વિદેશની સાહ્યબી પણ પચાવી જાણે છે. કેટલાક સંતોની તાકાત તો એટલી વધારે છે કે તેમના હાથમાં આવે તો આખેઆખું રાજ્ય પણ પચાવી નાખે. તેમની પાચનશક્તિનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પાન પર 6 એપ્રિલ,  2018ના રોજ પ્રકાશિત વ્યંગ્ય કૉલમ  ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

No comments:

Post a Comment