Friday, April 20, 2018

ઉપવાસ : કોઈનું માથું ખાવાની નિષ્ફળ રીત?

દિવ્યેશ વ્યાસ


‘ચતુરસેન, આજે મને આઇન્સ્ટાઇનનું એક વાક્ય યાદ આવ્યું અને પછી ખૂબ હસવું આવ્યું.’

‘તો હસી લેવાનું બકા! આપણી સરકાર એટલી દયાળુ છે કે તેણે હસવા પર, અરે ખડખડાટ હાસ્ય પર પણ હજુ સુધી જીએસટી લગાડ્યો નથી.’

‘એમ જાહેરમાં એકલા એકલા થોડું હસી શકાય? કોઈ ગાંડા ગણી લે.’

‘એવી ફિકર નહીં કરવાની ગાંડા! આઇન્સ્ટાઇને જ કદાચ કહેલું છે કે બુદ્ધિમત્તાનું માપ નીકળી શકે, પાગલપનને માપી શકાય નહીં. તું કેટલો પાગલ છે, એનો કોઈને અંદાજ જ નહીં આવે.’

‘અચ્છા તો તમે મને પાગલ ગણો છો? જવા દો, તમને તો ક્યાં કોઈ સારા જ લાગે છે... પેલો નેતા આવો, પેલા પ્રધાને આવી ભૂલ કરી, પેલા અધિકારીની અહીં ચૂક થઈ ગઈ, પેલા મંત્રીની દાનત નથી... અને હવે તો તમે કોર્ટ કે ન્યાયમૂર્તિઓને પણ છોડતા નથી... તમને તો આખી દુનિયા પાગલ જ લાગતી હશે.. બસ તમે એક જ ડાહ્યા, તમે જ સૌથી વધુ હોંશિયાર અને તમારાં અઢારેય અંગ ચતુર!’

‘જો દોસ્ત, પાગલ માણસનું પ્રથમ લક્ષણ એ છે કે તે પેટ્રોલ કરતાં પણ વધારે જ્વલનશીલ હોય છે, સાદી ભાષામાં નાની એવી વાતમાં તેનો ગુસ્સો તરત જ ભભૂકી ઊઠે છે. આ લક્ષણનો પુરાવો તો તે અત્યારે જ આપ્યો.’

‘મારા પાગલપનની માથાકૂટ છોડો, મને આઇન્સ્ટાઇનના કયા વાક્ય પર હસવું આવ્યું, એ તો પૂછો.’

‘ચાલો પૂછ્યું. હવે બોલો...’

‘આઇન્સ્ટાઇને તો કહેલુું કે ગાંધીજી જેવો હાડમાંસનો માણસ આ પૃથ્વી પર વિચર્યો હશે, એવું આવનારી પેઢીઓ માનશે નહીં. જોકે, ગાંધીજીએ ઉપવાસ જેવા અહિંસક શસ્ત્રથી અંગ્રેજોને હંફાવ્યા હતા, એવું તો આજનીય પેઢી કદાચ માનવાનું છોડી દેશે.’

‘અણ્ણાના આમરણ ઉપવાસ પછી લાધેલું આ જ્ઞાન લાગે છે!’

‘આમાંય અણ્ણાને ઘુસાડ્યા? બહુ કરી! તમને કૉંગ્રેસીઓ અને રાહુલ ગાંધીના છોલેભટૂરેછાપ ઉપવાસ કે વડાપ્રધાન મોદી સહિત ભાજપીઓના ફાઇવસ્ટાર ઉપવાસ યાદ જ ન આવ્યા?’

‘હા, એમ તો પ્રવીણ તોગડિયાના આમરણ ઉપવાસ પણ ક્યાં 48 કલાકેય ચાલ્યા?’

‘બસ, પ્રવીણભાઈના ઉપવાસ તરત યાદ આવી ગયા... તમારા જેવા દંભી સેક્યુલરિસ્ટોને તો શ્રી રામ જ પહોંચશે!’

‘ફાંકેરામ, તને કેટલી વખત સમજાવું કે શ્રી રામનો તો હું પરમ ભક્ત છું, પણ રામના નામે જે પથ્થરો તરવા મથે છે, તેનો જ વિરોધ કરતો હોઉં છું. હા, ગાંધીજીની વિચારધારાના વિરોધીઓ પણ ગાંધીચીંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરે, એ જોઈને આનંદ થાય છે.’

‘પ્યોર ગાંધીવાદી અણ્ણાજી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરે ત્યારે કેમ તમને પેટમાં દુખવા માંડે છે?’

‘ના એવું નથી દોસ્ત! અણ્ણા માટે મને પણ માન છે. ખેર, તારી એ વાતમાં ચોક્કસ દમ છે કે ઉપવાસનું શસ્ત્ર હવે અસરકારક રહ્યું નથી.’

‘ઉપવાસ હવે ઉપહાસમાં જ પરિણમે છે.’

‘સૂંઠના ગાંગડે ગાંધી ન થવાય, એમ ઉપવાસ પર ઊતરી જઈને ગાંધી માર્ગે ચડી ન શકાય. કોઈનું માથું ખાવા માટે તમે ઉપવાસ પર ઊતરો તો આ શસ્ત્ર નિષ્ફળ જ જાય! ઉપવાસ અંગે ગાંધીજીએ એક શાસ્ત્ર રચેલું છે, પણ એની કોને પડી છે?’

‘અહીં શાસ્ત્રની માથાકૂટમાં કોણ પડે, શૉ મસ્ટ ગો ઓન!’

(‘દિવ્ય ભાસ્કર’ના 20 એપ્રિલ, 2018ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ્ય કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

No comments:

Post a Comment