Showing posts with label અણ્ણા હજારે. Show all posts
Showing posts with label અણ્ણા હજારે. Show all posts

Friday, April 6, 2018

સંતજન તો તેને કહીએ, જે સત્તા પચાવી જાણે રે!

દિવ્યેશ વ્યાસ



‘અણ્ણા અણ્ણા બહુ કરતો હતો, જોયું ને એમની કેવી હાલત થઈ?’ ફાંકેરામ આવ્યો કે તરત ચતુરસેને ઠપકો આપ્યો.

‘એ તો તમે પાંચ દિવસ ખાધા-પીધા વિના રહો પછી જોઈ લો, તમારી હાલત પણ કેવી થઈ જાય છે!’  ફાંકેરામે પ્રતિકાર કર્યો.

‘હું એ જ કહું છું, ખાયા-પીયા કુછ નહિ, ઔર ઇજ્જત ખો કે ઘર જાના!’

‘એમની ઇજ્જત તો હજું એવી ને એવી જ છે, ખોટી વાત ન કરો.’ ફાંકેરામ ઉશ્કેરાઈ ગયો.

‘એમની ઇજ્જત એવી ને એવી જ છે, પણ એ તારા હૃદયમાં બાકી જનતા કે સરકારે તેમને કોઠું ન આપ્યું. એમાંય મીડિયા અને સોશિયલ મીડિયામાં ‘લશ્કરમાંથી ભાગી આવેલા’થી માંડીને ‘ફૂટી ગયેલી બંદૂક’ ગણાવાયા હતા.’

‘મીડિયા અને પોલિટિક્સની વાત છોડો, તમારા દિલ પર હાથ મૂકીને કહો કે અણ્ણાનો મુદ્દો 2012માં પણ સાચો હતો અને 2018માં પણ સાચો જ છે કે નહીં?’

‘એમનો મુદ્દો સાચો છે, પણ એમનો સમય રહ્યો નથી, મારા મિત્ર! કાબે અર્જૂન લૂંટ્યો વહીં ધનુષ વહી બાણ...’

‘અણ્ણા હજારે એમ હારે એવા નથી, લોકપાલ નહીં નિમાય તો છ મહિના પછી ફરી આંદોલન કરશે.’

‘અણ્ણાજીએ જે રીતે સમાધાન કરી લીધું, એ જોતાં તેઓ હવે બીજી વાર આંદોલનની ‘ભૂલ’ કરે એવું મને લાગતું નથી. હા, અણ્ણા ખાદીનાં સફેદ વસ્ત્રો છોડીને જો ભગવા પહેરીને આંદોલન કરવાની વાત કરે તો કંઈક વાત બને.’

‘ભગવાથી ભડકી જનારા આજે ભગવાની પ્રેરણા શા માટે આપી રહ્યા છે?’ ફાંકેરામે ચતુરસેનની ફિરકી લેવાના અંદાજમાં કહ્યું.

‘પ્રેરણાની વાત નથી પાક્કા પુરાવાવાળી વાત છે. તેં સમાચાર ન સાંભળ્યા? મધ્ય પ્રદેશમાં બે ભગવાધારી બાબાઓ નર્મદા કૌભાંડ યાત્રા કાઢીને આંદોલન કરવાના હતા. આંદોલન કર્મ શરૂ પણ નહોતું થયું ત્યાં તો તેમને ફળ મળી ગયું! બે બાબાઓ સહિત બીજા પાંચ સંતોને રાજ્યમંત્રીનો હોદ્દો અપાયો. અણ્ણાજીની આબરૂ તો એવી છે કે ભગવા પહેરેલા હોય તો તો રાષ્ટ્રપતિ પદના દાવેદાર બની જાય!’

‘અણ્ણાજીની મજાક ન કરો પ્લીઝ! સંતોને સત્તા મળી, એમાં તમને કેમ પેટમાં દુખવા માંડે છે.’

‘સંતોને સત્તા મળે, એની સામે મારો વાંધો નથી, પરંતુ સંતો જે કૌભાંડોની વાતો કરતા હતા, જે મુદ્દો લઈને આંદોલન કરવાના હતા, એ તો હવે ભૂલી જ જવાનો ને? સંતો સત્તાની લાલચે મૌન રાખવા માંડશે તો આપણા સંતાવલંબી સમાજનું શું થશે?’

‘ચતુરસેન, વૈષ્ણવજન તો તેને રે કહીએ, એ ભજન બહુ જૂનું થયું, નવું લેટેસ્ટ ભજન આવ્યું છે, સંતજન તો તેને કહીએ જે સત્તા પચાવી જાણે રે!’

‘ફાંકેરામ, સત્તા પચાવે એમાં વાંધો નથી પણ આજકાલના સંતો પહેલાં જમીન પચાવે છે, પછી સંપત્તિ પચાવે છે, મોટા સંતો તો દેશની સાથે સાથે વિદેશની સાહ્યબી પણ પચાવી જાણે છે. કેટલાક સંતોની તાકાત તો એટલી વધારે છે કે તેમના હાથમાં આવે તો આખેઆખું રાજ્ય પણ પચાવી નાખે. તેમની પાચનશક્તિનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પાન પર 6 એપ્રિલ,  2018ના રોજ પ્રકાશિત વ્યંગ્ય કૉલમ  ‘ગાંડી કુકરીનું ડહાપણ’)

Friday, March 9, 2018

જાગી જા, નહિતર પૂતળાં જ નહિ, તનેય પતાવી નાંખશે

દિવ્યેશ વ્યાસ


(ત્રિપુરામાં લેનિનનું પૂતળું તોડી પડાયું, એ સમયની તસવીર શ્રેણી ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

‘ચતુરસેન, મારી એક ઇચ્છા હતી, પરંતુ મનની ઇચ્છાના ભ્રૂણને મનમાં જ મારી નાંખવો પડશે.’

‘મહિલા દિવસનાં લેખો અને ભાષણોની અસર હજું ઊતરી નથી લાગતી. તારા માનસમાંથી ભ્રૂણહત્યા શબ્દોનું ભૂત કાઢવું પડશે.’

‘આમાં મહિલા દિવસને ક્યાં વચ્ચે લાવો છો? તમે તો સાવ દોસ્ત-દ્રોહી છો. એકવાર પણ ન પૂછતા નથી કે મિત્ર, તારી ઇચ્છા શું હતી? ઊલટું ઠેકડી ઉડાડવા માંડ્યા!’ ફાંકેરામે ધોખો કર્યો.

‘વાહ રે વાહ, મને દેશદ્રોહી સાબિત કરવા મથનારા ફાંકેરામને આજે હું દોસ્ત-દ્રોહી લાગવા માંડ્યો? ભાઈબંધ, ગેરસમજને મનમાંથી કાઢી નાંખ, પછી કદાચ મનની ઇચ્છાને મનમાં જ મારવી નહીં પડે.’

‘સલાહની દુકાન બંધ કરો. બોલો, તમને મારી એ ઇચ્છા વિશે જાણવામાં રસ છે કે નહીં?’

‘છે છે, ઇચ્છા છે... મૌખિક ચાલશે કે પછી  ઇચ્છા છે, એવું લેખિતમા આપું?’

‘ચાલશે ચાલશે. હવે મારી ઇચ્છાની વાત કરું તો મારે અણ્ણા હજારેનું મોઓઓહહહહટું પૂતળું બનાવડાવવું હતું. જેથી આવનારી પેઢીઓને યાદ રહે કે એક એવો જનનેતા હતો, જેણે દેશને બીજી આઝાદી એટલે કે ભ્રષ્ટાચારથી આઝાદી અપાવવા સંઘર્ષ કર્યો હતો.’

‘તારા જેવા વ્યક્તિપૂજક ભક્તજનને આનાથી વધારે મોટી ઇચ્છા પણ બીજી શું હોઈ શકે.’

‘હા ચતુરસેન, સાચું કહું છુ, મોટામાં મોટી ઇચ્છા તો આ જ હતી, પણ હવે ઇચ્છાને મારવી પડશે.’

‘કેમ શું થયું?’

‘તમે ન્યૂઝ નથી વાંચ્યા? ત્રિપુરામાં કટ્ટરપંથીઓએ લેનિનનું પૂતળું તોડી પાાડ્યું, પછી તો એવો સિલસિલો  શરૂ થયો કે પેરિયાર, આંબેડકર, શ્યામાપ્રસાદ મુખરજી અને છેલ્લે છેલ્લે તો ગાંધીજીનાં પૂતળાં પણ કટ્ટરવાદીઓના ઘાએ ચડી ગયાં... પૂતળાતોડ માહોલ વચ્ચે નવું પૂતળું મૂકવાનો વિચાર તો માંડી જ વાળવો પડે ને?’

‘આને દેશમાં વધી રહેલા તાલિબાનીકરણનો સંકેત ગણવો પડે. વિરોધી વિચારધારા ધરાવતા નેતાઓનાં પૂતળાં તોડાયાં, એમાં ગભરાઈ ગયો? આ જ કટ્ટરવાદીઓએ નરેન્દ્ર દાભોળકર, ગોવિંદ પાનસરે, કલબુર્ગી, શાંતનુ ભૌમિક અન ગૌરી લંકેશ જેવાં વિરોધી વિચારધારા ધરાવતા જીવતાં માણસોની સરેઆમ હત્યાઓ કરી નાખી હતી. એને તારા જેવા લોકોએ બહુ ગંભીરતાથી લીધી નહોતી, પરંતુ હવે યાદ રાખ, અણ્ણા હઝારે પોતાના આંદોલન દરમિયાન આ લોકોની દૃષ્ટિએ કંઈક આડુંઅવળું બોલી નાંખશે  તો તેમનેય પતાવી દેવામાં આવશે. પછી કહેતો નહીં કે કહ્યું નહોતું.’

‘અણ્ણા હઝારેને તો કંઈ ન થાય.’

‘બીજા ગાંધી બનવા નીકળશે તો ચોક્કસ હતા-નહતા થશે. અને આવું કંઈક થશે ત્યારે ખરેખર શું થયું હતું, એનો અંદાજ પણ નહીં આવે. આજે દેશમાં પૂતળાં તૂટી રહ્યાં છે, કાલે કટ્ટરપંથીઓ તો સંસદ કે સુપ્રીમ કોર્ટ પણ તોડી શકે છે. મોડો જાગીશ તો તુંય ક્યાંય ખોવાઈ ગયો હોઈશ અને તારા અણ્ણા પણ કયાંક ગુમ થઈ ગયા હશે.’

‘તમે આ રીતે ડરાવશો નહીં.’

‘ડરાવતો નથી, ડારો દઈને જગાડું છું. ભક્તિરસમાં તરબોળ ભલામાણસ, હવે જાગી જા!’

‘મારે  જાગીને તરત ચા પીવા જોઈએ છે. પીવડાવશો ને?’

‘ચા તો અત્યારે જ પીવડાવી દઉં, પણ તારી ખરેખર જાગવાની દાનત છે?’

(‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી પાન પર 9મી માર્ચ, 2018ના રોજ ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમ માટે લખાયેલો અને સંજોગાવસાત્ પ્રકાશિત નહીં થઈ શકેલો વ્યંગ્ય લેખ.)

Friday, October 6, 2017

અણ્ણા ફરી જાગ્યા, તીર કોને કોને વાગ્યા

દિવ્યેશ વ્યાસ

(અણ્ણાજીનું આ ઇલસ્ટ્રેશન www.manumartin.blogspot.in પરથી લીધું છે.)

‘ફાંકેરામ, બહુ દિવસે દેખાણો.... ક્યાં છે આજકાલ? કોઈ નવી નોકરી મળી ગઈ છે કે શું?’ ફાંકેરામ જેવો આવ્યો કે તરત ચતુરસેને સવાલોનો મારો ચલાવ્યો.

‘બહુ દિવસે આવ્યો છું તો સ્વાગત તો કરો. પુષ્પમાળા પહેરાવો, ન હોય તો છેવટે પુષ્પગુચ્છ આપી અભિવાદન કરો, એકાદું આવકાર ગીત ગાવ, મારા માટે સારા સારા વિશેષણો વાપરો, મારી સાચી-ખોટી પ્રશંસા કરો, મોંઘેરા મહેમાનની જરા મહેમાનગતિ કરો... આમ કોરા સવાલો કરશો તો બે મિનિટ પર ઊભા રહેવાનું મન નહીં થાય.’

‘સાહેબની જેમ તને પણ સવાલો ક્યાં ગમે છે! ખેર, તું આટલેથી અટકી ગયો એ સારું કર્યું બાકી તું તો ફૂડ પેકેટ પણ માગી શકે છે!’ ચતુરસેને સહેજ પણ વિલંબ વિના ટોણો મારી લીધો.

ગૂગલી બૉલ પર સિક્સર વાગતાં ફાંકેરામ હેબતાઈ ગયો. બે ક્ષણ હેંગ રહ્યા પછી બોલ્યો, ‘મેં ફૂડ પેકેટ માગ્યું? આજે તો હું ઘરે જ જમીને આવ્યો છું.’

પોતે શું બોલી ગયો, એનું ફાંકેરામને ભાન હતું કે નહીં ખબર નહીં, પરંતુ ચતુરસેન ખડખડાટ હસી પડ્યા.એટલે ગિન્નાઈને ફાંકેરામ બોલ્યો, ‘ગાંડાની જેમ હસો છો કેમ?’

માંડ માંડ હસવું રોકીને ચતુરસેન બોલ્યા, ‘તો શું તાળીઓનો ગડગડાટ કરું?’

‘હા, તાળીઓ પાડો તો જરા માહોલ બને!’ ફાંકેરામ જરા મૂડમાં આવ્યો.

‘ફાંકેરામ, હજુ તો ચૂંટણી જાહેર પણ નથી થઈ ત્યાં તારી આવી હાલત છે, આગળ જતાં તારું શું થશે?’

‘સારું જ થશે. લાગે છે કે આમ ને આમ ગુજરાત ભ્રમણ થઈ જશે. નોકરી-ધંધો નથી, છતાં રોજગારી મળી ગઈ છે. સરકારી એસટીમાં ફરવાનું અને ફૂડ પેકેટ ખાવાનું. સૂત્રો પોકારવાનાં અને તાળીઓ પાડવાની...  મારા
જેવા નવરા માટે તો બેઠા કરતાં ચૂંટણી સભાઓ ભલી.’

‘બે-ત્રણ મહિના તો આ બધું બખડજંતર ચાલશે, પણ પછી શું કરીશ? ફૂડ પેકેટ ખાવાની ટેવ પડી જશે તો ઘરનું ખાવાનું પછી નહીં ભાવે.’

‘ફૂડ પેકેટો ખાધા પછી તો ઉપવાસ જ કરવાના છે ને?’

‘કેમ ઉપવાસ?’

‘અણ્ણાસાહેબ ફરી લોકપાલનું આંદોલન ઉપાડે એવાં એંધાણ છે.’

‘હા, અણ્ણાજી આખરે ત્રણ વર્ષે જાગ્યા છે ખરા અને હવે જનલોકપાલ માટે આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે.’

‘અત્યાર સુધી કંઈ સૂતા નહોતા, એ કંઈ કુંભકર્ણ નથી!’

‘કુંભકર્ણ તો છ મહિને જાગી જતો હતો, આમને તો ત્રણ વર્ષ લાગ્યાં, બોલ હવે કંઈ કહેવું છે?’

‘ચતુરસેન, તમે અણ્ણા વિશે આવું આડુંઅવળું ન બોલો. અણ્ણાના આંદોલનને યોગેન્દ્ર યાદવના રાજકીય પક્ષ સ્વરાજનો પણ ટેકો મળ્યો છે.’

‘ફાંકેરામ, મને અણ્ણા પર માન છે, તેમની પ્રતિબદ્ધતા સામે કોઈ શંકા નથી, પણ તેમને ક્યારે વિકાસ દેખાઈ જાય અને ક્યારે ઘોટાલા દેખાય, એનું કંઈ ઠેકાણું હોતું નથી.’

‘આ વખતે તેઓ એવું આંદોલન કરશે કે લોકપાલ લાવવા જ પડશે.’

‘એવું તો હું પણ ઇચ્છું છું, પણ લોકાયુક્તનો કિસ્સો તારી જેમ ભૂલી નથી ગયો. છતાં પણ અણ્ણા ખરેખર કંઈ કરી શકશે તો તારા કરતાં પણ વધારે રાજી તો હું જ થઈશ.’

(‘દિવ્ય ભાસ્કર’ના 6 ઑક્ટોબર, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ ‘ગાંડી કુકરીનું ડહાપણ’ની મૂળ પ્રત)

Friday, November 11, 2016

ચતુરસેન અને ફાંકેરામ વચ્ચે ચર્ચાની ચકમક

દિવ્યેશ વ્યાસ

 

( તસવીર  http://blogs.icemd.com પરથી લીધી છે.)

ચતુરસેન તેમના નામ પ્રમાણે ચતુર તો હતા જ પણ સાથે સાથે ચોવટાઈ કરવામાં પણ પાછા પડતા નહોતા. તેમની ચોવટ કરવાની વૃત્તિ એટલી તીવ્ર હતી કે તેમનો ચતુરાઈનો ગુણ મોટા ભાગના લોકોને ધ્યાને જ ન આવતો. ચતુરસેનનો એક ખાસ માણસ હતો. ચતુરસેન પોતે તેને ખાસ માણસ જ માનતા હતા, પરંતુ અન્ય લોકો તેને ચતુરસેનના ફોલ્ડર તરીકે ઓળખતા હતા. નવી પેઢી લોકો ક્યારેક તેના માટે સર્કિટનો કોડવર્ડ પણ વાપરતા હતા. એ ખાસ માણસ, એ ફોલ્ડર કે એ સર્કિટનું નામ હતું ફાંકેરામ.

અણ્ણા હજારેથી બહુ પ્રભાવિત એવા ફાંકેરામ પણ પોતાના ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઇડ ઉપરાંત ગોડફાધર સમાન ચતુરસેનની જેમ જ નામ પ્રમાણે ગુણ ધરાવતો હતો. ફાંકેરામ ફેંકવામાં અને ફાંકા-ફોજદારી કરવામાં કદી પાછો ન પડે. અણ્ણા હજારે પછી તે વિગત વર્ષોમાં નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થયો હતો. એટલું જ નહિ મોદીસાહેબનો ટ્વિટર પરના ફેક પ્રકારનો નહિ પણ સાચો ફૉલોઅર હતો. ફાંકેરામનું લોહી ગરમ હતું, અથવા તો કહી શકો કે તેના લોહીનું ઉત્કલનબિંદુ બહુ નીચું હતું. વાતે વાતે તેને ગુસ્સો આવી જશો.


ફાંકેરામ એવું માનતો કે તેનો ગુસ્સો જ તેની અસલી તાકાત છે. પોતાની રોષાગ્નિથી તે ભલભલાને ઢીલા પાડી શકે છે. ચતુરસેન તેને ઘણી વખત સમજાવતા કે ‘ફાંકેરામ, વ્યક્તિ માટે ગુસ્સો સારો નહીં. માણસ જ્યારે પિત્તો ગુમાવે છે ત્યારે તેની વિવેકબુદ્ધિ બહેર મારી જતી હોય છે. અને આપણી પાસે જે ઓછું હોય તેને સાચવી રાખવું જોઈએ! વળી, ગુસ્સામાં જ્યારે ડાબેરી થયા વિના જ રાતાચોળ થઈ જઈએ અને ઉશ્કેરાટ વધી જાય તો આડુંઅવળું પગલું ભરાઈ જતું હોય છે. તું જ્યાં ને ત્યાં વારંવાર ભેરવાઈ જાય છે, એના મૂળમાં તારો ગુસ્સો જ જવાબદાર છે.’

પણ, બચાવમાં ફાંકેરામનો એક જ જવાબ હોય, ‘સાહેબ તમને કેટલી વાર સમજાવું કે ક્યાંક ભરાઈ પડ્યો હોઉં અને બુદ્ધિ પણ ચાલતી ન હોય ત્યારે આ જ ગુસ્સાએ મને કેટલી વાર બચાવ્યો છે!’ ફાંકેરામને આનાથી વધારે સલાહ આપવા જતાં તેને ગુસ્સો આવી જશે, એવા ડરે ચતુરસેન ‘ન બોલ્યામાં નવ ગુણ’ કહેવત સ્મરી લેતા અને ક્યારેક મનોરંજન ખાતર ‘ભેંસ આગળ ભાગવત’નું સ્મરણ કરીને મનમાં ને મનમાં જરાક હસી લેતા!

ફાંકેરામની એક વિશેષતા એ હતી કે તેને નવા નવા અખતરા કરવા બહુ ગમતા.  અખતરામાં કેટલા ખતરા છે, એ જોવાનું એણે ચતુરસેન પર છોડેલું. ‘પ્રારંભે શૂરા’ એ જાણે તેનો જીવનમંત્ર હતો. ફાંકેરામને કોઈ આઇડિયા જોરદાર લાગે એટલે તે લાગી પડતો અને આજુબાજુવાળાની વાટ લગાડી દેતો અને તેની પહેલી અને સીધી અસર ચતુરસેન પર પડતી.

ચતુરસેન અને ફાંકેરામ વચ્ચે ચર્ચાની ચકમક ઝર્યા કરતી, જેમાં ચતુરસેનને ક્યારેક ‘ડિબેટિંગ ઇન્ડિયા’ના દર્શન થતાં તો ક્યારેક ‘આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન’ હોવાનો વહેમ સંતોષાતો. ચતુરસેન અને ફાંકેરામ વચ્ચેની ચર્ચાની ચકમકના તણખાં તમારા સુધી દર પખવાડિયે પહોંચતાં રહેશે, સાબદા રહેજો!

(‘દિવ્ય ભાસ્કર’ના 11મી નવેમ્બર, 2016ના અંકમાં તંત્રી પાન પર પ્રકાશિત વ્યંગ કૉલમ-બિનસંપાદિત. )