દિવ્યેશ વ્યાસ
(કુમાર વિશ્વાસનું કાર્ટૂન http://www.theforthright.com પરથી લીધું છે.)
‘હું કહું એ મારું શાસન, મારા શબ્દો મારું શાસન, સખણો રહેજે, છે મારું શાસન, સૌથી શ્રેષ્ઠ છે મારું શાસન’ ફાંકેરામ શાસન શબ્દની આજુબાજુ કવિતા રચવા શબ્દાસનોના અખતરા કરી રહ્યો હતો.
‘ફાંકેરામ, બાહુબલીનો ‘મેરા વચન હી મેરા શાસન’ ડાયલોગ તારા દિમાગની દીવાલ પર ચ્યુઇંગમની જેમ ચોંટી ગયો લાગે છે. રાજકારણ પછી સાહિત્ય ક્ષેત્રમાં પણ તારો ઇન્ટરેસ્ટ વધતો જતો હોય એવું મને છેલ્લા કેટલાક દિવસોથી લાગવા માંડ્યું છે.’
‘તમે જબરું પકડ્યું! મને ખરેખર સાહિત્યના ક્ષેત્રમાં રસ પડવા માંડ્યો છે, કારણ કે હવે મને લાગે છે કે ત્યાં ભાષા કે સાહિત્ય કરતાં પણ રાજકારણમાં ફાવટ હોય તો સાહિત્યક્ષેત્રે વધારે સફળતા મળે છે. મારામાં ક્રિએટિવિટી વધારે-ઓછી હશે પણ કાવાદાવામાં તો આપણે પાવરધા છીએ જ... એટલે સાહિત્યમાં ઝંપલાવવાની ઝંખના જાગી રહી છે.’
‘સાહિત્ય ક્ષેત્રમાં રાજકારણ કરી કરીનેય લઈ શું લેવાનું? વધીને પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવો કે પછી સરકાર મહેરબાન થાય તો તારા જેવા પણ પહેલવાન બનીને અકાદમીના પ્રમુખ બની શકે. જોકે, આમાં સ્પર્ધા એટલી ગળાકાપ છે કે આપણા જેવા નવાણિયા તો ક્યાંક કુટાઈ જાય!’
‘ચતુરસેન, તમે સમજ્યા નહીં... સાહિત્ય સંસ્થાઓના પ્રમુખ પદની કોને પડી છે? આપણે તો બસ રાજકારણની નેટ પ્રેક્ટિસ કરવી છે. વળી, જો પ્રાસ-અનુપ્રાસની સાથે સાથે થોડી શબ્દરમતો શીખી જવાઈ તો આપણે પણ ફાંકડું ભાષણ કરવા માંડીએ અને રાજકારણમાં જામી જઈએ...’
‘વાહ ફાંકેરામ! તમે શેખચલ્લીના વારસો જરૂર જાળવશો! સાહિત્યકાર ગણો કે શબ્દબાજ, એ બિચારો ગૌરવ પુરસ્કાર અને વધીને મહામહેનતે પદ્મશ્રી મેળવતો હોય છે. તું જ વિચાર કયો કવિ રાજકારણમાં જામી શક્યો અને સાંસદ કે મુખ્યમંત્રી બન્યો?’
‘બન્યો નથી પણ બનજે જરૂર!’
‘કોણ તું?’ ચતુરસેન હસવા માંડ્યા.
‘મારે તો થોડી વાર લાગશે પણ કુમાર વિશ્વાસ રાજસ્થાનના મુખ્યમંત્રી બની શકે છે. કેજરીવાલ સામે વાંધો પાડ્યા પછી હવે આ કવિને રાજસ્થાનના પ્રભારી બનાવી દેવાયા છે, જ્યાં આગામી વર્ષે ચૂંટણીઓ થવાની છે. ચૂંટણીમાં સફળ થશે તો સીએમ પદ પાક્કું!’
‘કવિ હોવા છતાં કુમાર વિશ્વાસે પણ તારા જેવી મનોહર કલ્પનાઓ નહીં કરી હોય!’
‘કવિ એની કવિતામાં શું કહેવા માગે એ ન સમજાય પણ રાજકારણનું લોહી ચાખી ગયેલા કુમાર વિશ્વાસ શું કહેવા માગે છે, એ કેજરીવાલ સમજી ગયા અને રાજસ્થાન સોંપી દીધું! હવે જોજો કુમારનો કમાલ!’
‘કુમારનું શું થાય છે, એ તો સમય જ કહેશે. મારે તો એટલું જ કહેવું છે કે તું શાસનવાળી કવિતાને વહેલામાં વહેલી તકે કચરાટોપલીમાં પધરાવી દે!’
(‘દિવ્ય ભાસ્કર’ના 5મી મે, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’ કૉલમની મૂળ પ્રત)


No comments:
Post a Comment