દિવ્યેશ વ્યાસ
‘ચતુરસેન, જોયું ને... મારા સાહેબે વિરોધી નેતાઓને રસ્તા પર લાવી દીધા છે ને?’ ફાંકેરામે આદત મુજબ ભક્તગુંજન શરૂ કર્યું.
‘રસ્તા પર જ લાવ્યા છે, જેલમાં નથી પૂરી દીધા, એટલી તો એમની મહાનતા મારે સ્વીકારવી જ પડશે!’ ચતુરસેન પણ પોતાની ટોન્ટમાર આદતને અભિવ્યક્ત કર્યા વિના ન રહી શક્યા.
‘વાહ, ચતુરસેન તમારા સુર આજે કંઈક બદલાયેલા બદલાયેલા લાગે છે. સાહેબની પ્રશંસા... તમને પણ પદ્મ પુરસ્કાર મેળવવાની ઝંખના જાગી લાગે છે.’
‘મારે નથી પદ્મ પુરસ્કાર જોઈતો કે નથી છદ્મ પુરસ્કાર જોઈતો, મારે તો થોડી શાંતિ જોઈતી હતી, એટલે મિલે સુર મેરા તુમ્હારાવાળી કરેલી, પણ હવે મને છંછેડ્યો છે તો સાંભળી જ લે. આ તારા સાહેબે જ નોટબંધી લાદીને લોકોને બેન્કની બહાર રસ્તા પર લાંબી લાંબી લાઇનમાં લાવી દીધા હતા ને? હવે કહે, સાહેબે કયા નેતાને રસ્તા પર લાવી દીધો? મારે તો એ પણ ખાતરી કરવી પડશે કે વિરોધી નેતા એટલે પાર્ટી બહારના વિરોધી કે અંદરના?’
‘નોટબંધીની વાત જૂની થઈ, હવે શું છે? ભૂલી જાવ!’
‘ગરીબીની સમસ્યા પણ જૂની છે, ભૂલી જાવ. ભૂખમરાની સમસ્યા જૂની છે, ભૂલી જાવ. સ્વચ્છ ભારત અભિયાન જૂનું થયું, ભૂલી જાવ. રમખાણો-એન્કાઉન્ટરોનો મુદ્દો જૂનો થયો, ભૂલી જાવ. સીઝફાયરનું ઉલ્લંઘન જૂની સમસ્યા છે, ભૂલી જાવ. પઠાણકોટ-ઉરી પરના આતંકી હુમલા બહુ દિવસો પહેલા થયા હતા, ભૂલી જાવ. કાળાં નાણાંનો મામલો જૂનો થયો, ભૂલી જાવ. 15 લાખનું વચન જૂનું થયું, ભૂલી જાવ. લોકપાલ આંદોલન ભૂતકાળ બન્યું, લોકપાલને ભૂલી જાવ.... બધું ભૂલવાડી જ દેવાનું!’
‘ના... ના.... તમે યાદ રાખો. કટોકટી યાદ રાખો, ચીન-પાકિસ્તાનના યુદ્ધ યાદ રાખો, કાશ્મીરી પંડિતોનું વિસ્થાપન યાદ રાખો... બધું ભૂલી નથી જવાનું.’
‘મને ખબર છે તારે શું યાદ રખાવવું છે ને ભૂલવાડવું છે. મારે આ મુદ્દે માથાફોડ નથી કરવી. મને સાહેબે કયા નેતાને રોડ પર લાવી દીધા, એ જાણવામાં રસ છે.’
‘આજકાલ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ ઉપરાછાપરી રોડ શૉ કરી રહ્યા છે. બોલો બન્નેને કેવા રોડ પર લાવી દીધા છે!’
‘ચર્ચાનો પહાડ ખોટો ખોદાવ્યો. ભલા માણસ, રોડ શૉ તો બધા નેતાઓ કરે છે, સાહેબ પોતે પણ કરે જ છે, કારણ કે શૉબાજી હવે રાજકારણનું અનિવાર્ય અનિષ્ટ બની ગયું છે. અલબત્ત, રાહુલ અને અખિલેશનો રોડ શૉ સત્તાના સિંહાસન સુધી નહીં પહોંચે તોપણ તેઓ રોડ પર આવી જશે, એ વાત ભૂલી જજે!’
‘ઓકે, પણ આપણો આજનો ઝઘડો તમે ભૂલી જજો, હું ભૂલી ગયો છું.’
‘દોસ્ત, હવે તું રાજકારણી બનવા માટે એકદમ લાયક બની ગયો છે!’
(‘દિવ્ય ભાસ્કર’માં 10મી ફેબ્રુઆરી, 2017ના તંત્રી પાન પર પ્રકાશિત ‘ગાંડી કુકરીનું ડહાપણ’- મૂળ પ્રત )


No comments:
Post a Comment